ગીતાના એક પ્રખર વિદ્વાન ને પરમપ્રેમીએ એકવાર વાતવાતમાં મને કહ્યું, ‘ગીતા એક એવું રતન છે જેનો જોટો સંસારમાં ક્યાંય ના મળે. તેનું જ્ઞાન ખૂબ જ અદ્ ભુત છે. શ્રીકૃષ્ણે જીવનમાં અનેક જાતની લીલા કરી, કેટલાંય કામ કર્યાં, પણ ગીતાને ગાવાની લીલાથી તેમની લીલા વધારે શોભી ઊઠે છે. ગીતોપદેશ કરવાનું તેમનું કામ બધાં જ કામોમાં અગ્રપદે વિરાજે છે. ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય પૂરેપૂરું ક્યાં વ્યક્ત થયું છે ? કૃષ્ણની વાણી રસ ને પ્રેરણાની ઉત્તમમાં ઉત્તમ કોટિએ ક્યાં પહોંચે છે ? કૃષ્ણના અનેકવિધ અલૌકિક જીવનનું રહસ્ય કયે ઠેકાણે ખુલ્લું થાય છે ? તેમના જીવનની ફિલસુફી ખૂબ જ સરળ, સ્પષ્ટ ને અસરકારક રીતે તથા સંપૂર્ણપણે ક્યાં પ્રગટ થાય છે ? એના ઉત્તરમાં કહેવું જોઈએ કે ગીતામાં ને ફક્ત ગીતામાં. એટલે જ ગીતા ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય કહેવાય છે. જે સિદ્ધાંતો પોતાને પ્રાણપ્રિય હતા, ને જેમનામાં વિશ્વાસ રાખીને પોતે આ જગતમાં જીવ્યા હતા, તે સિદ્ધાંતોને સંસારના હિત માટે તેમણે ગીતાના ગૌરવભર્યા ગ્રંથમાં સમાવી લીધા છે. માટે તો ગીતા ઉત્તમ ને આદર્શ જીવનની આરસીરૂપ છે. તે આરસીનો પહેલેથી જ મેં ઉપયોગ કર્યો છે, ને તેની મદદથી મન ને અંતરની મલિનતાને દૂર કરવા હિંમત ભીડી છે.
ગીતા મુક્ત કે પૂર્ણ જીવનની કુંચી છે. તેની મદદ લઈને મુક્ત જીવનના મંદિરને કોઈપણ માણસ ઉઘાડી શકે છે, ને પૂર્ણ જીવનમાં પ્રવેશ કરીને ધન્ય પણ બની શકે છે. જગતમાં જન્મીને માતાના દૂધ ને પછી અનાજથી મારા શરીરનો ઉછેર થયો છે. પણ મનનો ઉછેર તો ગીતાના અમૃતથી જ થયો છે. બાલપણથી જ પિતાનું મૃત્યુ થયું હોવાથી હું એક રીતે અનાથ કે નિરાધાર બન્યો. પણ કોઈ પુણ્યના યોગે મને ગીતાનો આધાર મળ્યો. ગીતાથી હું સનાથ બન્યો, તે માતા ને પિતા બંનેના સુખથી પણ વધારે સુખ પામ્યો. ગંગાના દર્શન ને સ્નાન તથા પાનને પ્રત્યેક ભારતવાસી ઈચ્છે છે. મારા દિલમાં પણ તે માટેની તીવ્ર ઈચ્છા હતી–કહો કે ઝંખના હતી. પણ ગીતાનો આનંદ મળતાં જ તે ઈચ્છા શાંત થઈ ગઈ. ભગવાન શ્રીકૃષ્ણના અક્ષરના હિમાલયમાંથી નીકળેલી ગીતાગંગા મારે મન સાચી ગંગા બની ગઈ. તેના સ્નાન ને પાનનો મને નશો ચઢ્યો. એ નશો નુકશાનકારક નહિ પણ લાભકારક છે.
એક બીજી વાત કહું ? જેવી રીતે કૃષ્ણનું તેવી રીતે મહર્ષિ વ્યાસનું પણ સમજવાનું છે. વ્યાસે ગ્રંથો ઘણા લખ્યા, પણ ગીતાના લેખનમાં તો તે ડોલી ઊઠ્યા છે. આવી ગીતાના ગૌરવ વિશે શું કહું ?