if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગીતાની આ જ્ઞાનગંગા કેવી મધુર રીતે વહી છે ! આવો એના અમૃતને અંજલિ ભરી ચાખીએ ને કૃતાર્થ થઈએ. ગીતાના સંગીતના સુંદર સ્વર સાંભળીએ. એથી બધાં દુઃખ ટળી જશે ને આનંદઆનંદ થઈ રહેશે. ગીતાનો રસ અક્ષય છે. નદીનાં નીર ચોમાસામાં ભરાય ને ઉનાળામાં પાછા સુકાઈ જાય, કૂવા પણ વખત પર ભરાય ને પાછા ખાલી થાય, તળાવ પણ રસ ને કસ વિનાનાં બની જાય, પણ ગીતાનો અમૃતરસ કદી પણ નહિ સુકાય, નહિ ઘટે કે ખાલી પણ નહિ થાય. કરોડો લોકો હજારો વરસોથી તે રસનું પાન કર્યા કરે છે, ને હજી પણ પાન કર્યા કરશે. એકની એક વસ્તુ રોજ રોજ વાપરવાથી તેનું આકર્ષણ ઓછું થાય છે એમ કહેવાય છે. પણ ગીતાના સંબંધમાં તે સાચું નથી. પેલા સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે કે સોનાને ફરીફરી તપાવવાથી તેની કાંતિમાં વધારો થતો જાય છે, તથા ચંદનને પણ વધારે ને વધારે ઘસવાથી તેની સુવાસ વધતી જાય છે, તેમ ગીતાનું વાંચનમનન વારંવાર કરવાથી તેના રસમાં વધારો થતો જાય છે. અરુચિવાળા માણસે પણ એકવાર જ્યાં ગીતાના અમૃતરસનો સ્વાદ લીધો, ત્યાં તેને એવો ચસકો લાગવા માંડે છે, રસની એવી તો અદમ્ય ભૂખ લાગવા માંડે છે કે તેને તૃપ્ત કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ થઈ પડે. પછી તો તે ગીતાનો પરમ પ્રેમી થઈ જાય છે. ગીતાના નિરંતર અભ્યાસથી તેના રસમાં વધારો થતો જાય છે. છેવટે તેની રસાસ્વાદની ઈચ્છા શમી જાય, ને તેની તરસ કે ભૂખ પણ શાંત થઈ જાય, પણ ગીતાનો રસ ખૂટતો નથી. ગીતાનું અક્ષયપાત્ર તો એવું ને એવું જ ભરેલું રહે છે. ખાબોચિયાં ને નાની નદી જલદી સુકાઈ જાય છે, પણ ગંગા સદાય ભરેલી જ રહે છે. ઉનાળાની સખત ગરમીમાં પણ તેનું પાણી તન, મન અને અંતરને શીતળ કરે છે, ને ટાઢું હીમ જેવું થઈને વહ્યા કરે છે. યુગોથી પૃથ્વીના પ્રવાસે નીકળેલો તેનો પ્રવાહ કદી ખૂટતો કે થાકતો જ નથી. ગીતાની અમૃતગંગા પણ એવી જ અવિનાશી છે. ગંગાની જેમ તે પણ પતિતપાવની છે. કોઈ પણ સ્થળે ને કોઈયે કાળે માણસને તે શાંતિ આપી શકે છે. આનું નામ અમરતા. ગીતા અમરતાની મૂર્તિ છે.

સંસારમાં બે પ્રકારનું સાહિત્ય છે. એક તો ક્ષણજીવી સાહિત્ય ને બીજું સર્વકાલીન કે સનાતન સાહિત્ય ક્ષણજીવી સાહિત્ય અમુક સમય પૂરતું જ પ્રકાશ આપે છે. બધા સમયને માટે તે પ્રેરણા નથી આપી શકતું. પરંતુ સનાતન સાહિત્ય ગઈકાલ, આજ, આવતીકાલ ને બધા જ સમય માટે પ્રેરણા આપનારૂં છે. જ્યાં સુધી માનવજાતિ જીવે ત્યાં સુધી તેને અસર કરનારું છે, ગીતાનું સાહિત્ય આવું સનાતન છે. ગીતાને વ્યાસની બુદ્ધિનો નીચોડ કહી શકાય. ભારતીય ધર્મમાં પ્રસ્થાનત્રયીનું મહત્વ વિશેષ છે. ગીતા ભારતીય જ્ઞાનધારાનું પરિપૂર્ણ પ્રતીક છે, ભારતના આધ્યાત્મિક ઉદ્યાનનું પૂર્ણપણે ખીલેલું ફૂલ છે. એમાં સંદેહ નથી. મહાભારતના યુદ્ધમાં ને મહાભારત ગ્રંથમાં–બન્નેમાં ગીતા પ્રાણ જેવી છે. બીજા ગ્રંથોમાં વ્યાસ ભગવાનનું મસ્તિષ્ક કે બુદ્ધિધન વ્યક્ત થાય છે, ને સારી રીતે વ્યક્ત થાય છે, પણ ગીતામાં તો તે ઉપરાંત એક બીજી જ અનોખી વસ્તુ–વ્યાસનું હૃદય રજૂ થયેલું છે. જે ભાવના ને જીવનની ફિલસુફી વ્યાસને ખૂબ પ્રિય હતી, જે તેમના જીવનમાં આશા, પ્રેરણા ને પ્રકાશનું કામ કરતી હતી, તે તેમાં રજૂ થઈ છે. અટલે તે આટલી બધી અસરકારક બની ગઈ છે.

ગીતાની મહત્તા તેના રચનારને મન કેટલી બધી છે તેનો ખ્યાલ લાવવા ગીતાના દરેક અધ્યાયની નીચેના શબ્દોનો વિચાર કરો. તેમાં ‘ભગવદ્ ગીતા સૂપનિષત્સુ’ એવા ઉલ્લેખ છે. ભગવદ્ ગીતા એક ઉપનિષદ્ છે એમ તેમાં કહેવામાં આવ્યું છે, ને  ગીતાના બધા જ ટીકાકારો ને વિચારકોએ ચરણને માન્ય રાખ્યું છે. આપણે એમ પણ કહી શકીએ કે  ગીતા બધાં જ ઉપનિષદોનું પ્રતિનિધિત્વ કરનારો કે ઉપનિષદોની વતી જવાબદારીપૂર્વક બોલનારો ગ્રંથ છે. જે તેનું શરણ લે, તેની શિક્ષાને જીવનમાં ઉતારે, તેના બધા જ સંશય છેદાઈ જાય, ને તેને શાંતિ ને માનસિક પ્રસન્નતાની પ્રાપ્તિ પણ થઈ જાય. આ અર્થ પ્રમાણે ગીતાને ઉપનિષદ્ કહેવાનું બરાબર જ છે, એ વાતનો આપણે પણ સ્વીકાર કરીશું, ને સહર્ષ સ્વીકાર કરીશું.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.