વારુ ત્યારે, ચાલો મહાભારતના મેદાનમાં. પહેલા અધ્યાયની શરૂઆતમાં જ ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે કુરૂક્ષેત્રની ધર્મભૂમિમાં મારા ને પાંડુના પુત્રો–કૌરવો ને પાંડવો લડવા માટે ભેગા થયા હતા તેમનું શું થયું ? મને કહી સંભળાવો.
વ્યાસની કલમ ખૂબ કલાત્મક છે. ગીતાના પહેલા જ શ્લોકની બીજી લીટી તરફ બરાબર ધ્યાન દોરાયું ? ધૃતરાષ્ટ્રે કૌરવોને માટે मामका એટલે મારા એવો શબ્દપ્રયોગ કર્યો છે. ધૃતરાષ્ટ્ર વૃદ્ધ ને અંધ હતા, તેમનામાં ડહાપણ ને સ્વાર્થવૃત્તિનો અભાવ હોત, કૌરવ–પાંડવ વચ્ચે તેમને ભેદભાવ ન હોત તો કૌરવ–પાંડવના વિરોધની ખાઈ આટલી બધી ઊંડી ખોદાઈ હોત ખરી ? ધૃતરાષ્ટ્ર તો કૌરવોને જ મારા ગણે છે–પાંડવો જાણે તેને મન પરાયા છે. આ બાબતમાં તે દુર્યોધનને મળતા આવે છે. આશ્ચર્ય એ છે કે ઉમર ગઈ, સંસારના અનેકરંગી અનુભવો પણ મેળવ્યા, છતાં હજી આ ભેદભાવ દૂર થયો નથી, ને સમદૃષ્ટિ આવી નથી.
સંજય ધૃતરાષ્ટ્રના પ્રશ્નના ઉત્તરમાં હવે મહાભારતનો પ્રારંભિક ઈતિહાસ રજૂ કરે છે. તે કહે છે કે દુર્યોધને પાંડવોની સેનાને જોઈ, ને પછી આચાર્ય દ્રોણની પાસે જઈને કહવા માંડ્યું, કે હે આચાર્ય, પાંડવોની આ મોટી સેનાને જુઓ : દ્રુપદના પુત્રે ને તમારા શિષ્યે તેને તૈયાર કરી છે. આ શ્લોકમાં પણ કલા છે. દ્રોણને સામે લડવા માટે તેમના પોતાના જ શિષ્યે તૈયારી કરી છે. છતાં તે વાતને સાંભળીને દ્રોણને જરાય નવાઈ લાગતી નથી કે પોતાના શિષ્યની સામે કેમ લડાય એવો વિચારે આવતો નથી. દુર્યોધનની જેમ શિષ્યો ને સ્નેહીઓ સાથે લડવામાં તેમને જાણે કાંઈ નવીનતા ના દેખાતી હોય એવી તેમની દશા છે. ને દુર્યોધન તો જુઓ. સામે પક્ષે લડનારા પોતાના જ ભાઈ છે, ને પોતે ધારે તો આ યાદવાસ્થળીને આંખના પલકારા માત્રમાં બંધ કરી શકે તેમ છે છતાં યુદ્ધની તૈયારી જોઈને પણ તેનું હૃદય રોઈ ઊઠતું કે હૈયું હાલતું નથી. ઊલટું, તે તો જાણે કોઈ મોટા ઉત્સવમાં શામેલ થયો હોય તેમ આનંદમાં મસ્ત છે. જે વાતને યાદ કરવા કરતાં મરવાનું બહેતર ગણાય તે વાતની યાદમાં તે બધું જ ભાન ભૂલી ગયો છે. તે તો પોતાના પક્ષનાં ગુણગાન ગાવાની શરૂઆત કરે છે, ને પોતાની સેના પાંડવોની સેના કરતાં કેટલી બધી પ્રબળ ને ભારે છે તેની કલ્પનાછબી દ્રોણાચાર્યની સામે રજૂ કરવામાં આનંદ માને છે. દુર્યોધને પોતાના ને પાંડવોના પક્ષના જે વીરોની નામાવલિ રજૂ કરી છે, તેનું પારાયણ કરવાની આપણે જરૂર નથી. આપણે તો યુદ્ધના ગીતાવિચારમાં મદદ કરી શકે એટલા ઉલ્લેખની જ જરૂર છે.
જેનું અમંગલ નક્કી હોય તેની દશા કેવી થાય છે તેની કલ્પના આપણને દુર્યોધનના રેખાચિત્ર પરથી સારી પેઠે આવી શકે છે. દુર્યોધનનો વિનાશ નજીક છે તેથી તેની દૃષ્ટિ પણ અંધ બની છે. તેનો વિવેક રૂંધાઈ ગયો છે, ને તેની ધર્મની કલ્પના કટાઈ ગઈ છે. જો તેમ ના હોત તો યુદ્ધના મેદાનમાં ઊભેલા પોતાના જ બંધુ ને સ્વજનોને જોતાંવેંત તેનું હૃદય ગમે તેટલું કઠોર હોત તો પણ પીગળી જાત. છેલ્લી ઘડીએ પણ તે પોતાની ભૂલ સમજી જાત ને તેને સુધારવાનો પ્રયાસ કરત. પશ્ચાતાપમાં ડૂબી જઈને પવિત્ર બનીને તે પાંડવોને ભેટી પડત, તેમને તેમનો ન્યાયી હિસ્સો આપત ને પોતે તથા પોતાના બધા જ સ્નેહી સુખી થાય તે માટેનું નમ્ર નિમિત્ત બની રહેત. પણ ગમે તેમ માનો, એમ કહો કે રામે ધાર્યુ હોય તે જ થાય છે. होवत सोही जो राम रचि राखा અથવા ભર્તૃહરિની જેમ એમ કહો કે આ સંસારની શતરંજ પર કાળ માણસને બાજીના સોગઠાંની જેમ ફેરવે છે ને નચાવે છે. પણ દુર્યોધનને યુદ્ધની ભયંકરતાની ને વિનાશકતાની કલ્પના ના આવી. છેલ્લી ઘડીએ પણ તેની સાન ઠેકાણે ના આવી, એ વાતની આ ઈતિહાસ પરથી આપણને ખબર પડે છે. મતલબ કે દુર્યોધનને સમજાવવા શ્રીકૃષ્ણે કરેલો પ્રયાસ વ્યર્થ ગયો, ને યુદ્ધને સામે ઊભેલું જોઈને તેનામાં કાંઈ ફેર ના પડ્યો એટલે તેને સમજાવવા કે તેની સાથે કામ લેવા યુદ્ધ એ છેલ્લો ને અનિવાર્ય ઉપાય હતો. એ વાત તરફ ગીતાકાર આપણું ધ્યાન દોરે છે.
- શ્રી યોગેશ્વરજી