તેની તરત જ પછી તે એક બીજું પણ તેથી જુદું જ પાત્ર આપણી આગળ રજૂ કરે છે. તે પાત્ર અર્જુનનું છે. ગીતાકારે દુર્યોધનના પાત્રને પહેલાં રજૂ કર્યું છે, ને પછી અર્જુનના પાત્રને. આથી બંને પાત્રોની સરખામણી કરવાની આપણને સારી તક મળે છે. ત્યારે ગાંડીવધારી વીર અર્જુનની છબી પણ તમારા કલ્પનાના પટ પર ઊભી કરો. કૃષ્ણ ને અર્જુન ભારતવાસીઓનાં પ્રિય પાત્રો છે એટલે તેમની છબી ભારતવાસીઓનાં હૃદયમાં રમતી જ હોય છે, તો પણ કલ્પનાને જરા તેજસ્વી બનાવીને કુરુક્ષેત્રના મેદાનમાં પ્રયાણ કરો. કૌરવ ને પાંડવની સેના ભયંકર યુદ્ધ માટે તૈયાર થઈને એકમેકની સામે ઊભી રહી છે. અર્જુનના રથના ઘોડાની લગામ પકડીને ભગવાન શ્રીકૃષ્ણ પણ યુદ્ધના મેદાનમાં શોભી રહ્યા છે. સારીય સૃષ્ટિની ને ખાસ કરીને અર્જુન જેવા ભક્તોના તન ને મનની અથવા જીવનના રથની લગામ હાથમાં લેનાર ભગવાન સારથિના વેશમાં કેવા સુંદર લાગે છે ! અર્જુન પણ તે સુંદરતા જોઈ રહ્યો છે. પણ આ તો યુદ્ધનું મેદાન છે. એમ ફક્ત સુંદરતાનું પાન કરવાથી કેમ ચાલશે ! યુદ્ધને માટે તૈયારી કરવી જોઈએ. એટલે જ અર્જુન ભગવાનને કહે છે કે આ રથને બંને સેનાની વચ્ચે લઈ જઈને ઊભો રાખો. બંને પક્ષમાં લડવા માટે જે ભેગા થયા છે તે યોદ્ધાઓને હું જરા જોઈ લઉં !
અર્જુનના મનના કાર્યક્રમની શરૂઆત અહીંથી જ થઈ ને તેના પરિણામે જ ગીતાની જરૂર પણ ઊભી થઈ. અર્જુન કૌરવપક્ષના યોદ્ધાને જોવા માંડ્યો, તો તેમાં તેને કાકા, મામા, ભાઈ, ગુરૂ ને એવા એવા સ્નેહી કે સ્વજનો જ દેખાયા. આ જોઈને તેને અજબ લાગણી થવા માંડી. તેને થયું કે મારી સામે લડનારા તો મારા સ્વજનો જ છે. શું તેમની સાથે લડવું બરાબર છે ? ને આ લડવાનું છે શાને માટે ? એક ક્ષુદ્ર રાજ્યની ને સંસારના સુખની પ્રાપ્તિ માટે. એવા સાધારણ હેતુને માટે અમે એકમેકનાં ગળાં કાપવા તૈયાર થયા છીએ. એનાં કરતાં તો બધું છોડીને ભિક્ષુક બની જવું બહેતર છે. આવા આવા વિચારો તેને આવવા માંડ્યાં, ને તેની અસર તેના શરીર પર પણ થવા માંડી. તેનાં ગાત્રો ઢીલાં થવા માંડ્યા, શરીરે પરસેવો વળવા માંડ્યો. શોક ને ચિંતાને લીધે રૂંવાડા ઊભા થઈ ગયાં, ને જેને લીધે તેની ત્રિભુવનમાં વિખ્યાતિ હતી, તથા જે તેના જીવનના મુખ્ય પ્રાણ કે હથિયારરૂપ હતું, તે ગાંડીવ પણ તેના હાથમાંથી સરકી જવા માંડ્યું. તેના પગ ઢીલા થઈ ગયાં ને દિલનો ઉત્સાહ ઢીલો પડી ગયો. મન ભમવા માંડ્યું ને ત્વચામાં દાહ થવા માંડ્યો. આ બધાં લક્ષણો તેને ખૂબ જ અમંગલ કરનારાં લાગ્યાં. અર્જુનના મુખમાં મહર્ષિ વ્યાસે જે શબ્દો મૂક્યા છે તેથી તે સાફ દેખાય છે. પણ તેની ચર્ચામાં વધારે નહિ પડીએ, અહીં તો આપણે અર્જુન ને દુર્યોધનના પાત્રો વચ્ચેના વિરોધી વલણ તરફ જ દૃષ્ટિ ફેરવીશું.
દુર્યોધને પણ અર્જુનની જેમ બન્ને પક્ષના યોદ્ધાઓને જોયા છે, પણ તેના દિલના ભાવ અર્જુનના ભાવથી જુદા છે. તેને તો પોતાની બલવાન સેનાને જોઈને આનંદ થયો છે, તેના પગ ઢીલા નથી પડી ગયા, પરંતુ વધારે પાણીદાર બન્યા છે, અહંકાર ને વેરભાવનાનો તેને પાનો ચઢ્યો છે. તેણે તો બધા જ ચિન્હો પોતાની તરફેણમાં ને મંગલ જોયા છે. તેના હાથનાં હથિયાર જરા પણ ઢીલાં નથી પડ્યાં. ઊલટું, તે મજબૂત બન્યાં છે. આ બે વિરોધી પાત્રોનો વિચાર કરવાની તક આપીને ગીતાકાર આપણને કહેવા માગે છે કે કૌરવ ને તેમના નેતા દુર્યોધનનો વિચાર લડવાનો ને ગમે તે ઉપાયે પાંડવોને નિર્મૂળ કરવાનો જ છે. અર્જુન જેમને કાકા, મામા ને ગુરૂ કહે છે તે પણ વિવેકને દેશવટો આપીને લડવા માટે તૈયાર થયા છે. અર્જુને પોતાના ભાવ પોતાના દિલમાં જ ન રહેવા દીધા. તેણે તો પોતાનો બધો જ કેસ શ્રીકૃષ્ણની આગળ રજુ કર્યો કેમ કે તે તેના સારથિ હતા. યુદ્ધના રથના જ નહિ, જીવનના રથના પણ સારથિ હતા અર્જુને પોતાનાથી થાય એટલી દલીલો કરી. તેનો કહેવાનો મુખ્ય સૂર એ જ હતો કે સ્વજનોની સાથે યુદ્ધ કરવું ઉચિત નથી. તેવા યુદ્ધથી પાપ લાગે છે, તેવા યુદ્ધથી સર્વ પ્રકારે નાશ થાય છે, માટે મારે તો યુદ્ધ નથી કરવું. રાજ્યને માટે લડવાની મારી ઈચ્છા નથી. એના કરતા તો સંન્યાસી થવાનું હું વધારે પસંદ કરીશ. લડવાથી મારૂં કાંઈ જ કલ્યાણ નહિ થાય. એના કરતાં તો કૌરવો મને નિઃશસ્ત્રને રણમાં મારી નાખે તો તેથી મારૂં મંગલ થશે.
ને એ બધી જ જુદી જુદી દલીલોને અંતે વાત ઘણી જ વધી ગઈ. અર્જુને ધનુષબાણ મૂકી દીધાં ને શોકમાં ડૂબી જઈ તે રથમાં બેસી ગયો. આ વખતની તેની છબી કેવી અનોખી લાગે છે ! લડવાની તૈયારી કરીને આવ્યો ત્યારે તેના મનમાં ઉત્સાહ હતો, પગમાં પાણી હતું. પણ હવે ? બધાં જ ઉત્સાહ ને પરિબળ પર પાણી ફરી વળ્યું. કેમ કે તેના મનમાં તોફાન શરૂ થયું. તે જાણે છે કે આ દશા વચગાળાની છે, કાયમી નથી. છતાં તેમની કસોટીનો ખરો સમય હવે આવીને ઊભો રહ્યો. નાટકનો અંત ખૂબ કરૂણ આવી ગયો. હવે તેને કેવી રીતે પલટાવવો ? પણ તે બાબત શ્રીકૃષ્ણ સારી રીતે જાણે છે કેમ કે તે એક અદ્ ભૂત વૈદ છે. નાડીપરીક્ષા કરી, નિદાન શોધી લઈને ઉચિત ઉપાય બતાવવામાં તે કુશળ છે. હાલ તો અર્જુનની કુશળતા જતી રહી છે એ બતાવનારો પહેલા અધ્યાયનો છેલ્લો શ્લોક મહત્વનો શ્લોક છે. પહેલા અધ્યાયનો સાર તેના છેલ્લા શ્લોકમાં સારી પેઠે સમાઈ ગયો છે. તે એક શ્લોક વંચાય ને વિચારાય તો પણ બસ છે. આ રહ્યો તે શ્લોકઃ-
એમ કહી બેસી ગયો રથમાં પાર્થ પ્રવીણ,
ધનુષબાણ મૂકી દઈ થઈ શોકમાં લીન.
અર્જુનની આ દશા કેવી હતી ? લડવા માટે તૈયાર થઈને તો તે આવ્યો હતો. આ પહેલાં યુદ્ધો પણ તેણે કેટલાંય કર્યા હતાં. યુદ્ધની કળામાં તે કુશળ ને એક્કો હતો છતાં તેનો ઉત્સાહ ઢીલો પડી ગયો. જુસ્સો શમી ગયો, ને લડવાની ના કહીને તે ખિન્ન મનથી રથમાં બેસી ગયો. તેનું કારણ શું ? શું લડવા પરથી તેને વૈરાગ્ય થઈ ગયો ? યુદ્ધમાં જે જાનમાલની ભયંકર ખુવારી થવાની હતી તેની કલ્પનાથી તે કંપી ઉઠ્યો ? તેનું લડાયક દિલ શું જ્ઞાનના જાદુઈ સ્પર્શથી એકાએક પલટાઈ ગયું ? કહે છે કે અશોકના વિખ્યાત કલિંગવિજય પછી અશોકને યુદ્ધ પરથી વૈરાગ્ય થઈ ગયો. તેને થયું કે જે યુદ્ધમાં અનેક માનવો ને બીજા પ્રાણીની હત્યા થાય છે તે યુદ્ધનો સદાને માટે ત્યાગ કરવો. પાછલા જીવનમાં તેણે તે પ્રમાણે કરી બતાવ્યું. આ તો યુદ્ધનો મોટો પ્રસંગ છે. પણ નાના હિંસક પ્રસંગો પરથી પણ માણસને જ્ઞાન મળી જાય છે.
- શ્રી યોગેશ્વરજી