આ મુંઝવણમાં તે ભિક્ષુ કે સંન્યાસી થવાની વાત પણ કાઢી નાંખે છે. સ્વજનો સાથે લડવું તેના કરતાં તો ત્યાગી થઈને પેટ ભરવું ને જીવન પસાર કરવું શ્રેષ્ઠ છે, એમ તે કહેવા માંડે છે. ખરી રીતે ત્યાગી થવાની અસલી ભૂમિકા પર તે હજી પહોંચ્યો ન હતો. તે ક્ષત્રિય હતો, ને ક્ષત્રિયને છાજે તે રીતે તેને વ્યવહાર કરવાનો હતો. તેના જમાનામાં જે શાસ્ત્રીય પ્રણાલિકા પ્રચલિત હતી, તે પ્રમાણે હજી તેની ઈચ્છા હોય તો પણ તેને ત્યાગી થવાની વાર હતી. છતાં પોતાના યુદ્ધ કરીને ધર્મની રક્ષા ને અધર્મનો પ્રતીકાર કરવાના ધર્મનો ત્યાગ કરીને સંન્યાસીના ‘નારાયણ હરિ’ના ધર્મને અપનાવવાની તેને ઈચ્છા થઈ. આ કાંઈ દ્રઢ વૈરાગ્ય કે વિચારના પરિણામરૂપે ન હતું. આ તો એક ઉભરો હતો, સ્મશાન વૈરાગ્યનું સ્વરૂપ હતું, ને તે પણ સાચું સ્વરૂપ ન હતું. સ્મશાનમાં કોઈની ચિતાને જલી જતી જોઈને કેટલીકવાર માણસ ફિલસૂફ બની જાય છે ને સંસારની અસારતાની વાતો કરવા માંડે છે. પણ તે કેટલીવાર સુધી ? સ્મશાનમાં હોય ત્યાં સુધી. અરે ત્યાં સુધી પણ ભાગ્યે જ. કઢાઈમાં દૂધ ઉકળતું હોય તેમાં અગ્નિની પ્રબળતાને લીધે ઉભરો આવે પણ લાકડાં ખેંચી લેવાથી કે અગ્નિ ઓછો કરવાથી તે ઉભરો શમી જાય, એમ સ્મશાનના ચિત્રોને નજરે જોવાથી કેટલીકવાર માણસને સંસારના મિથ્યાત્વનો ને સર્વ કાંઈ છોડી દઈને પ્રભુસ્મરણમાં લાગી જવાનો વિચાર થાય. પણ ઘેર આવે એટલે બધો જ રંગ ઊડી જાય.
કેટલીકવાર તો વિધુર થયેલા માણસો એક તરફ ચિતા જલતી હોય ત્યારે અર્જુનની જેમ ભિક્ષુધર્મ સ્વીકારવાની વાતો કરતાં કરતાં, લગ્નના નવા સંબંધની વાતો પણ શરૂ કરે. આવો વૈરાગ્ય ક્યાં સુધી ટકે ? ને સ્મશાન વૈરાગ્યના ક્ષણિક ઉભરાની અસર નીચે આવેલો માણસ કદાચ સંન્યાસી બની જાય તો પણ, તેનો સંન્યાસ કેટલોક દીપે ને ટકી શકે ? દુઃખથી, શોકથી કે એવાં જ કોઈ સાધારણ કારણથી થયેલો ત્યાગ, ત્યાગની મહત્તાને કેવી રીતે વધારી શકે ? અર્જુનને કાંઈ વૈરાગ્ય થયો ન હતો. તેની વાણી તો મમતાના રંગે રંગાયેલી હતી. હજી ત્યાગના સાચા સ્વરૂપની સમજ તેને ન હતી. સાચી સમજ હોત તો પોતાના ક્ષત્રિય તરીકેના ધર્મનું પાલન કરીને પણ તે ત્યાગનો આનંદ મેળવી શકત. પણ એની ગુરૂકુંચી તેની પાસે ન હતી.
અર્જુનને એક બીજો વિચાર પણ આવી ગયો, ને તેણે તેના મન પર ભારે અસર કરી દીધી. ધનુષબાણનો ત્યાગ કરાવી તેને વિષાદગ્રસ્ત બનાવી દેવામાં એ વિચારનો હિસ્સો કાંઈ નાનોસૂનો ન હતો. એ વિચાર કયો હતો ? સ્વજનોને મારવાથી સુખ તો નહિ મળે પણ બદલામાં પાપ મળશે ને નરકયાતના ભોગવવી પડશે : એ વિચારે તેના મનને વધારે વિષાદમય કરી દીધું. પાપ ને પુણ્યનો વિચાર ઘણો પ્રાચીન છે. મહર્ષિ વ્યાસે મહાભારતમાં તેનો નીચોડ કરતાં કહ્યું છે કે બીજાને મદદરૂપ થવું, જે સૌથી પર કે ઉત્તમ છે તે પરમાત્માને માટે જીવન યાપન કરવું, તે પુણ્ય છે ને બીજાને નુકશાન પહોંચાડવું તથા જે સૌથી શ્રેષ્ઠ છે તેવા પરમાત્માના નીતિ નિયમથી વિરૂદ્ધ ચાલી તેમને ભારરૂપ કે પીડારૂપ થવું તે પાપ છે. पुण्याय पापाय परपीडम् ।
પુણ્ય સમાયું પરોપકારે, પાપ ગણો પરપીડા.
પણ તેમાંય પાછો શાસ્ત્રોએ ઘણો સુધારો વધારો કર્યો છે. તે છતાં વ્યાસ ભગવાનની આ વ્યાખ્યા તો અટલ જ રહે છે. તે સૌનો સાર રજુ કરે છે. માણસ પોતે આ વ્યાખ્યાને જાણે છે. છતાં દરેક વખતે તે સ્પષ્ટરૂપે પાપ ને પુણ્યનો વિચાર કરી શકતો નથી. પાપ ને પુણ્યના નિર્ણય વખતે કેવળ કર્મનું બાહ્ય સ્વરૂપ જોઈને નિર્ણય કરવાનું બરાબર નથી. કર્મની પાછળ રહેલી ભાવના પણ જોવી પડે છે. યુદ્ધકર્મ હિંસાથી ભરેલું છે, કેટલાય જીવોની તેમાં હત્યા થાય છે, આ વાતની અર્જુનને ખબર હતી. છતાં આ વાતનો પ્રભાવ તેના મન પર પડ્યો ને તેને વિષાદ થયો એમ ન હતું. યુદ્ધ તો તેની પ્રિય વસ્તુ હતી. પણ આ યુદ્ધમાં તો સ્વજનોની સામે લડવાનું હતું. તેથી તેને પાપનો વિચાર આવી ગયો. યુદ્ધ કરવાથી સુખ નહિ મળે એવો ભય પણ તેથી જ ઉત્પન્ન થયો. પરિણામે તેની ખિન્નતામાં વધારો થયો.
- શ્રી યોગેશ્વરજી