Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સ્વજનોના મૃત્યુના વિચારથી અર્જનના પગ ઢીલા થઈ ગયા હતા, એટલે ભગવાને અર્જુનના મનમાંથી મૃત્યુનો ભય દૂર કરી દેવાનો પ્રયાસ પોતાના ઉપદેશ દ્વારા શરૂ કર્યો. મૃત્યુનો ભય કોને નથી ? સંસારમાં તે ભય સર્વત્ર વ્યાપેલો દેખાય છે. મૃત્યુની કલ્પના પણ માણસને કંપાવી કે ધ્રુજાવી મુકે છે. મરનારની પાછળ માણસો શોક કરે છે. રડે છે ને બીજાને પણ રડાવે છે. કેટલાક માણસો તો એવા છે કે જેમને મૃત્યુનો વિચાર પણ આવતો નથી. આ ભાડુતી ઘરને ખાલી કરીને સૌએ એક દિવસે એકાએક વિદાય થવાનું છે, એ વાતનું સ્મરણ પણ તેને રહેતું નથી, ને સંસારની ભાડુતી ધર્મશાળાને પોતાની માની, આ સંસારમાંથી કોઈવાર જાણે વિદાય થવાનું જ ના હોય એમ સમજી લઈ, તે અનેક જાતની સારીનરસી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહે છે. સંસારને છોડીને જવાનું તેમને કડવું લાગે છે. મરણપથારીએ પડેલો માણસ સંસારને યાદ કરીને રડે છે. વિદાય લેવાનો વખત આવે છે, ત્યારે તેની નજર સામે સંસારના માયાવી રૂપો હાજર થાય છે, તેની મતિ મુંઝાય છે, નસો ખેંચાય છે, ને તેનો પ્રાણ કેમે કરીને શરીરમાં થયેલી મમતાનો ત્યાગ કરવા માટે તૈયાર થતો નથી.

એક માણસ પાસે પુષ્કળ ધન હતું. તેને અચાનક કોઈ રોગ થયો ને તે બિમાર પડ્યો. તેના એક મિત્રે તેની મુલાકાત લીધી તો તેની આંખમાંથી આંસુ નીકળી પડ્યાં. મિત્રે તેનું કારણ પૂછ્યું તો, તેણે પોતાનું દર્દ ઠાલવીને કહેવા માંડ્યું કે શું મારે પણ મરવું પડશે ? આ બધું એકઠું કરેલું ધન મૂકી દઈને શું મારે પણ આ સંસારમાંથી વિદાય થવું પડશે ? મિત્રે કહ્યું કે એમાં શંકા કરવાનું કારણ જ ક્યાં છે ? જે જન્મ્યું તે મરવાનું જ છે. મૃત્યુ સૌને માટે નક્કી છે. આ સંસારના પ્રવાસે આવીને જે જીવ જીવનની અવનવી ગાડીમાં બેસી ગયો, તે જન્મ મરણની રિટર્ન ટિકિટ લઈને જ આવે છે. પણ પેલા માણસની ચિંતા તો વધતી જ ગઈ. મૃત્યુનો વિચાર કરીને તે રડી ઊઠતો. તેની ઊંઘ ઊડી ગઈ, શાંતિ જતી રહી, ને તેના મુખની કાંતિ પણ ઉડી ગઈ. તેનું મૃત્યુ તો નક્કી વખતે થવાનું હતું તે વખતે થઈ જ ગયું. પણ તે પહેલાંનો બધો જ વખત તેણે ચિંતા ને વેદનામાં પસાર કર્યો. સ્વાભાવિક રીતે મરતાં પહેલાં જ તેનું જીવન મરણની આવૃત્તિ જેવું બની ગયું.

સંસારમાં આવા પ્રસંગ વારંવાર બન્યા કરે છે. તેનું કારણ મૃત્યુનો ખોટો ભય છે. માણસે મૃત્યુનો ભય દૂર કરવાની જરૂર છે એમ ગીતા શિક્ષા આપે છે. મૃત્યુનો ભય દૂર કરવા તેણે શું કરવું ? સૌથી પહેલાં તો તેણે સમજી લેવું કે જન્મ ને મૃત્યુ સ્વાભાવિક છે. એક સિક્કાના બે પાસાં જેવાં છે. તાપની સાથે છાયા રહે છે જ, ને દિવસની પાછળ રાત પણ લાગેલી છે. તે પ્રમાણે જન્મ ને મૃત્યુ એકમેક સાથે વળગેલાં જ છે. મરણ એક સ્વાભાવિક ને ટાળી ના ટળે તેવી ને ઘટ સાથે જડેલી વસ્તુ જ છે, તો તેનાથી ડરવાની જરૂર શી છે ? તેને ભેટવા માણસે સદાયે તૈયાર ને પ્રસન્નપણે તૈયાર શા માટે ના રહેવું ? તેનાથી ડરવામાં કાયરતા રહેલી છે.

- શ્રી યોગેશ્વરજી