સ્વધર્મનો નિર્ણય કરવાનું કામ કાંઈ સહેલું છે ? પોતાની ફરજના નિર્ણયમાં માણસ કેટલીયવાર પાછો પડે છે, ને અર્જુનની જેમ મુંઝવણ અનુભવે છે. જીવનના આ મહાન સમરક્ષેત્રમાં કેટલીકવાર અજ્ઞાન ને મોહવશ થવાને લીધે તે ક્ષેત્રસંન્યાસ લેવાના ઘાટ ઘડવા માંડે છે ને કેટલાક કિસ્સાઓમાં તો વાત એટલી બધી વધી જાય કે તે આપઘાત કરવા પણ તૈયાર થાય છે. જીવનમાં અવિવેકના પ્રસંગ ઘણા આવે છે. એવે વખતે માણસે શું કરવું ? શું તેણે નાહિંમત બનીને બેસી રહેવું કે જીવનની જીત માટેના જંગમાં ઝઝૂમવાનું મૂકી દેવું ? શું તેણે વિષાદ મગ્ન થઈ જવું ? ગીતામાંથી તેનો જવાબ જડી રહે છે.
ગીતાકારે અર્જુનના પાત્ર દ્વારા આ બધા પ્રશ્નોનો સચોટ ઉત્તર આપી દીધો છે. તે કહે છે કે જીવનની ઉન્નતિના સાધનમાં, કલ્યાણના કામમાં વિઘ્નો તો આવવાનાં જ. તે મુશ્કેલીઓથી માણસ મહાત બને ને વિઘ્નો તેના માર્ગમાં આડખીલીરૂપ બની રહે એમ પણ બનવાનું. આ ઉપરાંત, માણસનું જ્ઞાન કાંઈ પૂર્ણ તો નથી જ. સારા ને નરસાનો નિર્ણય કરવામાં માણસ દરેક વખતે સફળ થાય છે એમ પણ નથી. આવે વખતે જીવનમાં મૂંઝવણ ઊભી થવાની ને માણસની દશા અર્જુનની જેમ વિચિત્ર થઈ જવાની. ધર્માધર્મ કે કર્તવ્યનો નિર્ણય કરવામાં તેનું મન મૂઢતાની દશા અનુભવવાનું. એટલે જ માનવને કાયમને માટે પ્રેરણા આપવા ગીતાકારે અર્જુનના અમર પાત્ર દ્વારા સૌને સંદેશ પહોંચાડ્યો છે કે વિમૂઢતા ને અવિવેક થાય તો લેશ પણ ગભરાયા વિના માણસે પોતાના અંતરના રથમાં બેઠેલા ભગવાનને શરણે જવું. સારાં ને નરસાનો નિર્ણય કરવામાં બુદ્ધિ પાછી પડે ત્યારે તેણે પ્રભુને પ્રાર્થના કરવી, ને પ્રભુની પ્રેરણા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો.
પ્રભુ તેની તદ્દન નજીક અંતરના અંતરતમમાં વિરાજેલા છે. તેમને શોધવા માટે તેણે ક્યાંય દૂર જવું પડે તેમ નથી. બ્રહ્માંડમાં બધે જ તે રહેલા છે. તે ક્યાં છે એ પ્રશ્ન નથી; ક્યાં નથી તે જ પ્રશ્ન છે. નરસીએ ગાયું છે કે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ.’ કવિ દલપતરામે સરલ શબ્દોમાં તે જ વાત કહી દીધી છે. તે તો કહે છે કે ‘ખાલી જગ્યા ખોળિયે કણી મૂકવા કાજ ’ તો તેવી ખાલી જગ્યા પણ પ્રભુ વિનાની મળતી નથી. પ્રભુ બધે જ વિરાજે છે.
ગીતા કહે છે કે મુશ્કેલીના વખતે ધીરજ ને શાંતિ ધારણ કરીને પ્રભુની પાસે પહોંચી જાઓ. તેને પ્રાર્થના ને પુકાર કરો. વિપત્તિના વાદળ આપોઆપ દૂર થશે, ને વિઘ્નો હટી જશે. પ્રભુની કૃપાના પ્રતાપથી, તમારાં અંતરના અંધાર ભરેલા આકાશમાં વિવેકરૂપી સૂર્યનો ઉદય થશે ને તેનાં ચેતનમય કિરણોથી જીવનને પ્રકાશ મળશે. આ ઉપાય અકસીર છે પણ તે માટેની શરત એ છે કે માણસે અર્જુનની જેમ સરલતાની મૂર્તિ બનવું ને પોતાનો બધો ભાર ભગવાનને સોંપી દેવો. કહો કે પોતાના જીવનરથનું સારથિપદ ભગવાનને સોંપી દેવું. બાકી સંકટ કે મૂંઝવણથી ડગી જઈને સ્વધર્મના પાલનમાં પાછા પડવાનો બાલિશ વિચાર તેણે કદાપિ કરવાનો નથી, પોતાની ફરજનું પાલન કરતાં કદાચ ખપી જવાનો પ્રસંગ આવે તો પણ શું ? ફરજને માટે કરેલી કુરબાનીનો સંતોષ તો તેને રહેશે જ. એ સંતોષ સ્વર્ગ જેવો સુખદાયક છે. ને ફરજનું પાલન પૂરું થશે તો તો તેના જીવનની ધન્યતા કેટલી અપાર હશે એ કોણ કહી શકે તેમ છે ? માટે ફરજનું પાલન કરવા માણસે નિરંતર તૈયાર રહેવાનું છે
માણસે સમજી લેવાનું છે કે સંસારમાં એકલું સુખ, એકલી શાંતિ કે એકલો લાભ નથી. અમૃતની સાથે જેમ વિષ, તેમ સુખની સાથે દુઃખ, શાંતિ સાથે અશાંતિ ને લાભની સાથે હાનિ નક્કી રહેલા છે. જીવનની સાથે મરણ પણ તેવું જ જોડાયેલું છે. સંસારમાં જે સારું કે નરસું છે, વિષમય કે અમૃતમય છે, તે તેને ચંચલ ના કરે, ને તેની સ્વધર્મનિષ્ઠા કે કર્તવ્યપરાયણતાને ડગાવી ના શકે, તે તેણે ધ્યાન રાખવાનું છે. અમૃતના આસ્વાદથી તે અહંકારી કે અતિશય ઉન્મત ના બની જાય ને ગરીબી, રોગ, દુઃખ ને ચિંતાના વિષની ઝેરી અસરથી જડ બનીને જીવન ના ખોઈ બેસે તે માટે તેણે સાવધ રહેવાનું છે. કર્તવ્યના ક્ષેત્રમાં પોતાનાં કે પારકાંનો વિચાર કરીને તેણે ફરજનાં પાલનમાં પછાત રહેવાનું નથી. સત્ય ને ન્યાયનો પક્ષ લઈને જીવનમાં તેણે સદાય આગળ વધવાનું છે. ભગવાને અર્જુનને આપેલી આ શિક્ષા માનવમાત્રની મહત્વની શિક્ષા છે.
- શ્રી યોગેશ્વરજી