કર્મયોગ વિશે વધારે વિચાર કરીએ તે પહેલાં ગીતાએ રજૂ કરેલો એક બીજો વિચાર જોઈ જઈએ. એ વિચાર શો છે ? ગીતા કહે છે કે માણસે સંયમ સાધવો જોઈએ, ને તનનો તથા મનનો બંને પ્રકારનો સંયમ સાધવો જોઈએ. ધારો કે એક માણસ એકાંત સ્થાનમાં ઈન્દ્રિયોને રોકીને આંખ બંધ કરીને બેસી જાય છે. બહારથી જોતાં એમ લાગે છે કે તે કાંઈ જ કરતો નથી અથવા પરમાત્માના ધ્યાનમાં મગ્ન છે. પણ ખરી રીતે વસ્તુસ્થિતિ તેવી ના હોય. આંખ બંધ હોવા છતાં તેની આંખ આગળ જુદાં જુદાં દૃશ્યો રજૂ થતા હોય. સિનેમાના પડદા પર જેમ નવાં નવાં દૃશ્યો રજૂ થાય છે તેમ તેના મન પર ઈન્દ્રિયોના પદાર્થો અંકાતા જતા હોય. આ દશામાં શું થાય છે ! તે પરમાત્માનું ધ્યાન ધરવાને બદલે ઈન્દ્રિયોના વિષયોનું ધ્યાન ધરે છે, ને વીતી ગયેલી વાતોને યાદ કરીને તથા બીજી નવી વાતો કલ્પના દ્વારા તાજી કરીને તે સુખદુઃખ ભોગવે છે, ને ઈન્દ્રિયોનો રસાસ્વાદ માણે છે. એક ઠેકાણે બેઠેલો ને કૈં પણ કામ કરતો ના હોય તેવો દેખાવ છતાં તે ન જાણે કેટલું બધું કામ કરી નાંખે છે. કોઈની સાથે વાતો કરે છે તો કોઈ ને ધિક્કારે છે. સારી સારી વાનગીઓ ખાવાનો લ્હાવો પણ લૂંટે છે ને કામ તથા ક્રોધ પણ કરે છે. એકાંતનો આશ્રય લેનારા કે ઈશ્વરનું ચિંતન કરવા માટે આંખ બંધ કરીને બેસી રહેનારા ઘણા સાધકોનો આવો અનુભવ છે. જે સાધક નથી તે પણ આ વાત અનુભવે છે. કોઈ માણસ દુનિયાની દૃષ્ટિએ બ્રહ્મચારી હોય, પણ તેનું મન કામવાસનાના રસમાં ડૂબેલું હોઈ શકે છે. મનથી તે સ્ત્રીના લાવણ્યનો વિચાર કર્યા કરે, ને સ્ત્રી–પુરૂષના વિલાસનું ચિંતન કરીને માનસિક આનંદનો અનુભવ પણ કર્યા કરે. તે જ પ્રમાણે કોઈ કુંવારી, પરણેલી કે વિધવા સ્ત્રી બહારથી સ્વચ્છ ને સંયમી દેખાય, પણ અંદરથી મેલી હોય, એટલે કે શરીરના વિલાસ તેમજ વિષયસુખની કલ્પના કરીને આનંદ કરતી હોય, એમ પણ બને. તો તે દશામાં મનથી વિષયનો સ્વાદ લેવાનું કામ ચાલું છે એટલે તેને સંયમ ના કહેવાય, મિથ્યાચાર ગણાય.
એકાદશીને દિવસે લોકો ઉપવાસ કરે છે પણ કેટલીકવાર સારીસારી વાનગીઓની ચર્ચા કરે છે. તેમ કરવાથી મોંમા પાણી છૂટે છે, ને તેમને આનંદ થાય છે એનું પરિણામ કેટલીકવાર બહુ ભારે આવે છે, ને સ્વપ્નમાં પણ તે ખાયા કરે છે. આ પ્રમાણે શરીરની ક્રિયા બંધ છે, પણ મનની ક્રિયા ચાલુ જ રહે છે. આને સંપૂર્ણ સંયમ કેવી રીતે કહેવાય ? આ તો મિથ્યાચાર છે, આ તો બગલાના જેવું થયું. નદી કિનારે ફરવા ગયેલાં છોકરાં બગલાને જોઈને કેટલીયે વાર ભરમાઈ જાય છે. કોઈ કહે છે, બગલો વૈરાગી બની ઊભો રહ્યો છે. કોઈ કહે છે, હવે તેને સંસારમાં સુખ નથી દેખાતું એટલે સંન્યાસી થવાનાં સ્વપ્નાં સેવતો લાગે છે. કોઈ કહે છે, ના ના, એ તો ધ્યાનમાં કોઈ યોગીની જેમ સમાધિમાં ડૂબી ગયો છે. પણ થોડીવાર પછી બગલો પાણીમાં ઝાપટ મારે છે ને માછલાને ગળીને પાછો પહેલાં જેવો ઊભો રહે છે, ત્યારે છોકરાંઓનો ભ્રમ ભાંગી જાય છે. તે કહેવા માંડે છે કે આ તો ધ્યાનનો ઢોંગ કરે છે. દેખાય છે કેવો ડાહ્યો ! પણ ધ્યાન માછલાનું ધરે છે, તેની નજર પાણીમાં જ ફર્યા કરે છે ! વધારે ભાગના માણસોની દશા આ બગલા જેવી છે. બહારથી શાંત લાગે, કૈં જ નથી કરતા એમ દેખાય, પણ અંદરખાને ભારે કામ કરી રહ્યા હોય, એકાંતમાં રહીને પણ વિષયસુખને યાદ કરે. વસ્તુને બહારથી ત્યાગે, અથવા વસ્તુ તેમને ત્યાગે તેથી બહારનો ત્યાગ પાળે, પણ મન દ્વારા તેને ભજતા હોય.
- શ્રી યોગેશ્વરજી