એક માણસે ત્યાગ કરીને કોઈ તીર્થમાં વાસ કર્યો. તેણે વ્યવહાર છોડી દીધો ને વેશ પણ બદલ્યો, તેથી તેની પૂજા થવા માંડી. તીર્થમાં વાસ કરીને નિરંતર પ્રભુસ્મરણ કરવાની તેની ઈચ્છા હતી. તે પ્રમાણે તેણે પ્રભુસ્મરણ શરૂ કર્યું. પરંતુ તેનું ધ્યાન એક બીજી જ વાતમાં દોરાયું. તેના આશ્રમની સામે કોઈ વેશ્યા રહેતી હતી. તેની પાસે કેટલાય લોકો આવતાં. તે જોઈને આ ત્યાગી પુરૂષને વેશ્યા પર તિરસ્કાર થયો. એક દિવસ વેશ્યા પાસે જઈને તેમણે ઉપદેશ આપ્યો : અરે, તું કેવા પાપમાં પડી છે ! આવું ઉત્તમ શરીર મેળવીને તેં પાપ જ કર્યા કર્યું છે. એ પાપનું પોટલું બાંધીને તારે કેટલાય જન્મો સુધી ફરવું પડશે. માટે હજી ચેત, પ્રભુનું સ્મરણ કર તો તારો ઉદ્ધાર થાય.
વેશ્યા સંસ્કારી હતી એટલે સાધુના શબ્દો તેના અંતરમાં ઉતરી ગયા. તેણે નિશ્ચય કર્યો કે હવે આ પાપકર્મ બંધ કરવું. તે તો પોતાના ઘરમાં બેસીને રોજ પ્રભુનો વિચાર કરવા માંડી, ને પ્રભુનું નામ લેવા લાગી. પણ માણસો હજી આવ્યા જ કરતા હતા. તેમની સાથે તેમને ખુશ કરવા તે હાવભાવ કરતી, પણ તેનું દિલ સદાયે ડંખ્યા કરતું, તે વ્યાકુળ મનથી પ્રભુને પ્રાર્થના કરતી કે, હે પ્રભુ, મને આ પાપજાળમાંથી છોડાવો. હવે આ બાજુ પેલા સાધુની શી દશા થઈ તે જોઈએ. તેને હવે ભજન સાધનમાં રસ લાગ્યો નહિ. તેના પુરાણા સંસ્કાર તાજા થયા. આખો દિવસ તે વિચારવા માંડ્યો કે વેશ્યા જુદા જુદા માણસો સાથે કેવી લીલા કરતી હશે ! તે વિચારથી તેનું હૃદય રસ માણતું પણ વેશ્યાને ત્યાં તો માણસો આવ્યે જ જતા. તેને થયું કે વેશ્યા બહુ જડ છે. મારા ઉપદેશની તેને કાંઈ અસર થઈ નથી. ખરેખર તે ઘણી પાપી છે. પછી તો તેણે વિચાર કર્યો કે વેશ્યાને તેના પાપનો હિસાબ બતાવવો. બસ, સવારે ઊઠીને તે આશ્રમના દ્વાર પાસે બેસતો, ને વેશ્યાને ત્યાં જેટલા માણસો જાય તેટલા પત્થર એક તરફ એકઠા કરતો. રાત સુધી તે આ કામને ખૂબ ચીવટથી કરતો. થોડા દિવસમાં તો પત્થરનો ઢગલો ખૂબ મોટો થઈ ગયો. આ કામમાં તે પ્રભુને પણ ભૂલી ગયો.
એટલામાં તો વેશ્યાનું મૃત્યુ થયું. થોડા દિવસે તે પણ મૃત્યુ પામ્યો. તેને નરકમાં લઈ જવામાં આવ્યો તેથી તેને ખૂબ નવાઈ લાગી તેણે પૂછ્યું કે પેલી વેશ્યા ક્યાં છે ? મારૂં સ્થાન તો સ્વર્ગમાં છે. તમે મને ભૂલથી અહીં લાવ્યા લાગો છો. દૂતોએ કહ્યું, ના ઈશ્વરના રાજ્યમાં કોઈ ભૂલ નથી. વેશ્યા પાપી હતી પણ પાછલી જિંદગીમાં તેનું જીવન સુધરી ગયું હતું. પરિણામે તેને પાપ તરફ ઘૃણા થઈ, ને પાપમાંથી છૂટવા તેણે પ્રભુની સાચા દિલથી પ્રાર્થના કર્યા કરી એટલે તેના પર પ્રભુની કૃપા ઉતરી, ને તેને સારા લોકની પ્રપ્તિ થઈ છે. સ્વર્ગનું દ્વાર તેને માટે ખુલ્લું થયું પણ તમારી વાત જુદી જ થઈ. પાપ ને પાપી તરફ તમને ઘૃણા હતી, પણ પાપની ગણતરી કરવાનો પ્રયાસ કરતાં છેવટે તમારું મન પણ પાપમાં રમવા માંડ્યું. તમે સાધનાનો માર્ગ ભૂલ્યા એટલે તમને નરક મળ્યું છે એમાં કોઈ પ્રકારની ભૂલ થઈ નથી.
કેટલાંક માણસોને પોતાની ઈચ્છા વિરૂદ્ધ અમુક જાતનું જીવન જીવવું પડે છે. કોઈ તે જીવનનાં શિકાર બન્યાં હોય છે. બદી ભરેલા જીવનમાં રહ્યા છતાં તેમનો આત્મા સદાય જાગ્રત રહે છે, ને બંધનોનો ત્યાગ કરી વધારે સારા જીવનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યા કરે છે. એવા માણસોને તેમના બહારના જીવન પરથી તિરસ્કાર કે સૂગની દૃષ્ટિથી જોવાનું કામ ઠીક નથી, એ વાત સદા યાદ રહેવી જોઈએ.
સ્વામી વિવેકાનંદના જીવનમાં એક પ્રસંગ આવે છે. એક વાર એક ભોગપરાયણ શ્રીમંત રજવાડી પુરૂષે તેમને પોતાની સાથે પ્રવાસમાં રહેવાનું આમંત્રણ આપ્યું. તેમની સાથે ભારે રસાલો હતો. નાચગાન રસિયા હોવાથી તેમણે એક વેશ્યાને પણ બોલાવી રાખી હતી. રાતે જલસો રાખ્યો હતો તેમાં વેશ્યા તરફથી નાચગાન થવાનાં હતાં. વિવેકાનંદજીને તે જાણીને ભારે દુઃખ થયું. પેલા શ્રીમંત પુરૂષ ને વેશ્યા પર તિરસ્કાર પણ થયો, ને તેમણે જલસામાં આવવાની સખ્ત શબ્દોમાં ના પાડી. તેમના શબ્દો સાંભળીને વેશ્યાને ઘણું દુઃખ થયું. પણ તે કાંઈ બોલી ના શકી. રાત પડી ને જલસો શરૂ થયો. વિવેકાનંદજી તેમાં હાજર ન હતા. વેશ્યાને તેનું દુઃખ હતું. તેનું હૃદય રોતું હતું. આખરે જ્યારે ગાવાનો વખત થયો ત્યારે પોતાના દિલના દર્દને ઠાલવતાં તેણે ગાવા માંડ્યું કે હે પ્રભુ, મારામાં ઘણાયે દુર્ગુણ છે. પણ તેના તરફ તમે દૃષ્ટિ ના કરશો, તમે કૃપાળુ છો, સમદર્શી છો, કેવળ ઈચ્છા માત્રથી મને પાર કરી શકો છો તો મારા દુર્ગુણ તરફ તમે ના જોશો. આ રહ્યું સૂરદાસનું એ પ્રસિદ્ધ પદઃ-
પ્રભુ, મોરે અવગુણ ચિત્ત ન ધરો !
સમદરશી હે નામ તિહારો, ચાહે તો પાર કરો !
પ્રભુ, મોરે અવગુણ ચિત્ત ન ધરો !
રાત્રિની અસીમ શાંતિમાં સરી આવતું એ ગીત વિવેકાનંદજીએ પોતાના તંબુમાં સુતાં સુતાં સાંભળ્યું. તેમાં પ્રકટ થતો ભાવ, અનુરાગ ને પશ્ચાતાપનો ભાવ અજબ હતો. સ્વામીજી તે સહેલાઈથી સમજી શક્યા. કેમ કે તે પોતે ત્યાગી ને તત્વજ્ઞાની હોવા ઉપરાંત એક મહાન કલાકાર હતા. તેમનું હૃદય હાલી ઊઠ્યું. પોતાની શય્યા પર તે સૂઈ ન શક્યા. પોતાના સખત શબ્દો માટે તેમને દુઃખ થયું હોય તેમ ઉતાવળે પગલે ગાયન ચાલતું હતું ત્યાં આવ્યા, ને વેશ્યાને પ્રણામ કરીને તેની પાસે બેસી ગયા. તેમની આંખ ભીની હતી. વેશ્યાને કેટલો આનંદ થયો હશે તે વાત સમજી લેજો. સ્વામીના સત્સંગથી તેનું જીવન બદલાઈ ગયું. ને સ્વામીજીનું હૃદય તો દુઃખી ને દીન તથા અનાથ પ્રત્યે પહેલેથી જ અનુકંપા ભરેલું હતું. તે હૃદયમાં વેશ્યાને માટે પણ હમદર્દી કેમ ન હોઈ શકે ?
આ બંને વાતોનો સાર એ છે કે માણસના બાહ્ય આચાર પરથી જ તેનું મૂલ્ય નથી અંકાતું. તેના મનની દશા પણ ધ્યાનમાં રાખવી પડે છે. ગીતા કહે છે કે બહારથી કર્મનો ત્યાગ કરીને બેસી જાઓ, પણ તમારું મન જો કર્મના ઘાટ ઘડ્યા જ કરતું હોય, તો તેથી ખાસ લાભ નહિ થાય. તે દશામાં તમારો ત્યાગ નબળો ને સત્વ વિનાનો બની રહેશે. એટલે ઉત્તમ વસ્તુ તો એ છે કે જેમ બહારથી કર્મનો ત્યાગ કરો છો તેમ અંદરથી પણ ત્યાગ કરો. જે વસ્તુને છોડી દો, તેની લાલસા કે કામનાને મનમાંથી પણ કાઢી નાખો. વિષયના રસમાંથી મુક્ત થયેલા મનને પરમાત્માના ધ્યાન ને વિચારમાં લગાવી દો. તેમ ના કરી શકો, તો પછી કર્મ કર્યા કરો. પણ કેવી રીતે ? આંખો મીંચીને નહિ, પણ વિચારપૂર્વક મનનો સંયમ કરો ને જરૂરી કર્મ કરો પણ કર્મમાં ડૂબી જઈને ભાન ભૂલી જતા નહિ.
- શ્રી યોગેશ્વરજી