આ રીતે જીવનમાં બધાં જ કર્મોનું સમજી લેવાનું છે. રોજના વ્યવહારમાં સાધારણ જેવાં કર્મો પણ ભાવના સાથે કરવાથી યોગમય બની જાય છે. મળત્યાગ કરવો એ એક સાધારણ કર્મ છે પણ તેને તમે અસાધારણ બનાવી શકો છો. મળને જોઈને તમે વિચાર કરો કે શરીર આવા મળનું ઘર છે. બહારથી તે સારું લાગે છે એટલું જ. અંદરથી તો ખૂબ જ અશુદ્ધ છે. રોજ રોજ ગંદુ થયા જ કરે છે. આવા શરીરમાં પ્રીતિ કરવાનું શું કામ ? બે જ વાતને લીધે શરીર મૂલ્યવાન છે. એક તો તેનાથી પરમાત્માનું દર્શન કરીને પૂર્ણતા મેળવી શકાય છે તે, ને બીજું તેનાથી કોઈકનું હિત સાધી શકાય છે. આ શરીર દ્વારા તે બે વાતો જ સાધવી જોઈએ ને પછી પ્રાર્થના કરો કે હે પ્રભુ, શરીરના રંગરાગ ને આકર્ષણમાં અમારું મન ફસાય નહિ, અમારાં કે કોઈનાય શરીરમાં અમને મમતા થાય નહિ ને આ શરીર દ્વારા તમારી પ્રાપ્તિ કરવાની સાથે સાથે કોઈને મદદરૂપ બની શકાય એવો આશિર્વાદ આપી દો.
ખાતા પહેલાં ને ખાતી વખતે ભાવના કરો કે ખોરાક પ્રભુની પ્રસાદી છે. તે શરીરમાં જતાં ઉત્તમ લોહી બનશે, શક્તિ મળશે, શરીર સમૃદ્ધ બનશે. શરીરમાં ઉલ્લાસ ને યૌવન તથા તાજગી ફરી વળશે. શરીર વ્યાધિરહિત બનશે. મન પણ મજબૂત બનશે, ઉત્તમ વિચારો ને ભાવનાથી ભરાઈ જશે. તે દ્વારા જીવનના વિકાસમાં ને બીજાની સહાયતામાં મદદ મળશે. શરીરની અંદર વિરાજેલા પરમાત્માને અર્પણ કરતા હો તેમ ભાવના રાખીને ખોરાક લો, તો તેનું સ્વરૂપ બદલાઈ જશે. તેમાં તમને ખૂબ રસ લાગશે. ખાવાની સાધારણ ક્રિયા આમ તમારે માટે યજ્ઞક્રિયા કે યોગ બની જશે. જુઓને, જરા વિચાર તો કરો. બોર વીણવાનું કામ કેટલું સાધારણ ગણાય ! છતાં તેવા સાધારણ કામમાં ઉત્તમ ભાવના ભળવાથી શબરીને માટે તે કામ મહાન સાધનાના અંગ જેવું બની ગયું.
ઈશ્વરની સેવા ને પ્રસન્નતાની ભાવનાથી તે કરવા માંડો ને તમારી જાતની શુદ્ધિ સાધતાં સાધતાં તે રસપૂર્વક કરો તો તેનું મૂલ્ય વધી જશે. તે કર્મયોગ બની જશે. પ્રભુએ આપણને જે બુદ્ધિ ને ભાવના આપી છે, તેનો ઉપયોગ ના કરવાથી જીવનનું નાટક ક્લેશકારક ને કરૂણ બની જાય છે. કર્મમાં યજ્ઞની ભાવના ભેળવી દેવાથી એક બીજું સુંદર પરિણામ એ આવે છે કે માણસ સ્વાર્થી કે એકલપેટો બનતો નથી. પોતાની પાસે જે કૈં છે તેનો ઉપયોગ પોતાને જ માટે કરવાને બદલે, બીજાને પણ તેથી શક્ય લાભ પહોંચાડવા માણસ સદાય તૈયાર રહે છે. આથી સમાજમાં શોષણ, અનાચાર ને કૃત્રિમ ભેદભાવનો અંત આવે છે. સંપત્તિ ને શક્તિ એક જ ઠેકાણે એકઠી થતી નથી, પણ ફરતી રહે છે, ને સૌને કામ આવે છે. આથી ઘર્ષણ ને વર્ગવિગ્રહ થતા નથી. માણસ માત્ર પોતાના જ સુખનો વિચાર કરીને બેસી રહેતો નથી પણ બીજાના સુખમાં પણ આનંદ માને છે, બીજાના સુખ માટે માર્ગ તૈયાર કરવામાં ગૌરવ અનુભવે છે. પોતાનાં જ ઉત્થાન ને કલ્યાણના મંત્રનો જપ કરવાને બદલે સૌના ઉત્થાન ને મંગલનો તે સાધક બને છે. સંસારમાં જો બધા જ મનુષ્યો યજ્ઞની ભાવનાથી કર્મ કરે તો સંસાર સાચે જ સ્વર્ગમય બની જાય.
- શ્રી યોગેશ્વરજી