ત્યારે એવી કોઈ દશા આવે છે જ્યારે કર્મ પૂરું થાય ? ગીતા કહે છે કે માનવજીવન પૂર્ણતાની પ્રાપ્તિ માટે છે. માનવ એક પ્રવાસી છે. કેટલાય જન્મોથી તે જીવનના પુણ્યપ્રવાસે નીકળ્યો છે. પ્રવાસ કરતો કરતો ને સારાં નરસાં કર્મનું ઋણ ચુકવતો પોતાના મૂળ સ્વરૂપ પરમાત્માની પાસે તે પહોંચી જાય, ત્યારે તેનો પ્રવાસ પૂરો થાય. જે માટે આ જીવન શરૂ થયું છે તે હેતુ સિદ્ધ થાય, પછી તેને કરવા જેવું કોઈપણ કર્મ રહેતું નથી. માણસ જન્મ લે છે તે પછી કેટલાંય કર્મો કરે છે. તે બધાં કરવા જેવાં કર્મો હોય છે એમ જ નથી. કરવા જેવું કર્મ તો એક જ છે કે માણસ આ સંસારમાં આવીને પોતાના સ્વરૂપને ઓળખી લે. જન્મ ને મરણ તથા સુખ ને દુઃખના ચક્રમાં ફરતાં ફરતાં પોતે જેને ભૂલી ગયો છે, અથવા જેનાથી દૂર પડી ગયો છે, તે સંસારના સ્વામી પરમાત્માને તે ઓળખી લે. આની સાથે સાથે, બની શકે ત્યારે ને તેટલું કોઈનું હિત કરી લે. બીજાં તો બધાં કામ કે કર્મ છે. તેમના વિના ચાલી શકશે પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરવાના આ કામ વિના નહિ ચાલે. આ કામ કેવલ કામ કે કર્મ નથી; પણ કરવા યોગ્ય કર્મ છે તેથી ગીતાએ તેને કાર્ય કહ્યું છે. કાર્ય નામનો નવો શબ્દ તેને માટે વાપરવાનું કારણ એ જ છે.
ગીતા કહે છે કે ઈશ્વરને ઓળખીને જીવનને પરિપૂર્ણ કરવાના એ કાર્યને માટે જ જીવન મળેલું છે. પણ સંસારના મોહ ને આકર્ષણથી અંજાઈ જઈને માણસો કાર્યને ભૂલી ગયા છે. પરિણામે તેમના જીવનમાં ક્લેશ, શોક ને ચિંતા તથા અશાંતિએ ઘર કર્યું છે. પોતાનું ઘર મૂકીને થોડા દિવસ માટે કોઈ માણસ યાત્રાએ નીકળે, તે પોતાને ઘેર પાછો પહોંચવાને બદલે યાત્રાના જ કોઈ સ્થળમાં ઘરબાર કરીને બેસી જાય, તેવી દશા મોહમાં ડૂબેલા માણસોની છે. તે પોતાના સાચા ઘરને ભૂલી ગયા છે, યાત્રાના રહસ્યને પણ ભૂલી ગયા છે, ને નકલી ઘરમાં પ્રીતિ કરી બેઠા છે. ગીતા કહે છે કે પોતાના મૂળ વતનમાં પાછા ફર્યા વિના કોઈને પણ શાંતિ નથી થવાની. ઈશ્વરથી દૂર રહીને કોઈયે માણસ સુખ શાંતિ કે કુશળતાની પ્રાપ્તિ નથી કરી શકવાનો. તમારામાંથી કોઈ પૂછશે કે તો પછી મુકતાત્મા એવા મહામાનવની દશાનું જરા વર્ણન તો કરો. આપણે તેના જવાબમાં એટલું જ કહીશું કે તેવા મહાપુરૂષ પરમશાંતિની મૂર્તિ જેવા હોય છે. તે પોતે પોતાની અંદર જ તૃપ્ત હોય છે. પરમાત્મામાં જ તેની પ્રીતિ હોય છે. પરમાત્મામાં જ તેને આનંદ લાગે છે, ને પરમાત્મા વિના તેને કાંઈ દેખાતું નથી. જડ ને ચેતનમાં બધે તેને પરમાત્માનું જ દર્શન થયા કરે છે.
ત્યારે શું આ દશાએ પહોંચ્યા પછી તે કોઈને કામ નહિ આવે ? તેનું પોતાનું જીવન તો પરિપૂર્ણ બન્યું, પણ બીજાને તે મદદરૂપ નહિ બને ? જરૂર બનશે. તેવો મહાપુરૂષ આ સંસારમાં કેવલ શ્વાસ લેશે તો પણ બીજાને માટે પ્રેરણાદાયક બની રહેશે. તેનું દર્શન માનવજાતિને જીવનના પૂર્ણ વિકાસની પ્રેરણા પાશે ને ઈશ્વરી માર્ગે પ્રવાસ કરતા સાધકોને સંદેશ દેશે. સંસારમાં ગળાબૂડ ડૂબેલા ને ઈશ્વરને ભૂલેલાં માણસોને માટે તેનું જીવન લાલબત્તી જેવું બનશે. સંસારમાં આપણે જોઈએ છીએ કે દરેક વસ્તુ દ્વારા બે જાતના હેતુ સરી રહે છે. સૂર્યનો પ્રકાશ તેની શોભામાં વધારો કરે છે, ને સાથે સાથે સ્વાભાવિક રીતે જ, બીજાને માટે માર્ગદર્શક બની રહે છે. ફૂલ જે ડાળી પર ખીલે છે તેની શોભાને વધારે છે પણ સાથે સાથે આજુબાજુના વાતાવરણમાં સુવાસ પણ ફેલાવે છે. નદી પોતાના આનંદમાં મગ્ન બનીને સાગરની દિશામાં વહ્યે જાય છે, પણ તેની સાથે લોકકલ્યાણનો હેતુ આપોઆપ સરી રહે છે. તેવી જ રીતે મહાપુરૂષોનું જીવન સંસારને માટે મદદરૂપ જરૂર બને છે. તેમનું જીવન સંસારને માટે નકામું નથી બનતું. તે જીવન તેમનું એકલાનું નહિ, પણ સમસ્ત સંસારનું થઈ જાય છે. ઈશ્વરને ભૂલીને જડવાદના ઉપાસક થઈ જતા માનવને તેવા મહાપુરૂષો નીતિ ને આધ્યાત્મિક જીવનનો રાહ બતાવે છે. માનવના અંધાર ભરેલાં જીવનને અજવાળવામાં તે ખૂબ મદદરૂપ બને છે.
કેટલાક માણસો બોલી ઉઠશે કે માનવ પોતે શાંતિ મેળવીને બેસી રહે તેથી બીજાને શો લાભ ? પોતે પૂર્ણ થઈને બેસી રહેવું એ તો સ્વાર્થ કહેવાય. પોતાની જ ઉન્નતિ માટે સાધના કરવી એ પણ શું સ્વાર્થ નથી ? આપણે જવાબ વાળીશું કે જીવનની પૂર્ણતા માટે સાધના કરવામાં જો સ્વાર્થ રહેલો હોય તો તેથી ડરવાનું કાંઈ કારણ નથી. તે એક ઈચ્છવા જેવો સ્વાર્થ છે ને તેની સિદ્ધિમાં લાગવું એ પ્રત્યેકનો ધર્મ છે. માણસ સમાજનો ઘટક છે. તેના જેવા અનેક માણસો મળીને સમાજ બને છે. એટલે તે જે કૈં કરશે તેની સારાય સમાજ પર જરૂર અસર પડશે. ધારો કે તમે જે ગામમાં રહેતા હો તે ગામને સાફ કરવાની તમારી શક્તિ ના હોય; અથવા ગમે તે કારણથી તમે આખા ગામને સાફ કરી શકતા ના હો; પણ તમારા ઘરની સફાઈ કરીને બેસી રહેવાથી પણ શું તમે ગામની સફાઈમાં સહાય નથી કરતા ? સૂર્ય સૌને પ્રકાશ પહોંચાડે છે. પણ તે આથમે છે, ત્યારે ઘરમાં દિપક કરવામાં આવે છે. તેનો પ્રકાશ આખા જગતમાં નથી પહોંચતો. માટે તેને નકામો કહીને ફેંકી દઈશું કે ? આખા ગામમાં તેનો પ્રકાશ ના પહોંચે પણ આપણા ઘરમાં તો પડે છે ને ? ઘરનું અંધારૂ તો તેનાથી દૂર થાય છે જ. તે પ્રમાણે જે માણસ પોતાના વિકાસ માટે સાધના કરે છે. તે પોતાની સાથે સમાજની સેવા પણ કરે છે આવા પૂર્ણ ને મુક્ત પુરૂષોએ સંસારમાં જબરજસ્ત ધર્મના આંદોલનો ઊભા કર્યા છે. ઈશુ, બુદ્ધ, જરથુસ્ત, મહમ્મદ, કૃષ્ણ ને શંકર તથા નાનક ને મહાવીર જેવા પુરુષો એવા મુક્ત પુરૂષો જ હતા. જો કે બધા પુરૂષો એવું વિરાટ કામ નથી કરી શકતા, પણ બીજાને મદદરૂપ થવામાં તો માને જ છે એટલે તે નાના પાયા પર પણ કામ કરે છે. કામ કરવાની વાત માણસની રુચિ પર અવલંબે છે.
કેટલાક માણસો બાહ્ય રીતે કોઈ પણ કામ કરવાની ઈચ્છા નથી રાખતા. તે માને છે કે સંસારની વ્યવસ્થાનો ભાર ઈશ્વર પોતે ઉપાડી લેશે. આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી. આપણી ચિંતાથી વળશે પણ શું ? માણસો પોતાનાં કર્મ પ્રમાણે ફલ ભોગવે છે એમ માનીને તે શાંત થઈને એક બાજુ બેસી જાય છે. છતાં કોઈ તેમની પાસે જાય, ને તેમની મદદની ઈચ્છા કરે, તો મદદ કરે છે. બીજી જાતના માણસો પૂર્ણ કે મુક્ત થયા પછી પણ વિરાટરૂપે કે વધારેમાં વધારે કામ કરવામાં માને છે. અંધારામાં અટવાતાં ને પ્રકાશની ઝંખના કરતાં માણસોને તે પ્રકાશ બતાવે છે, માર્ગ ભૂલીને આમતેમ અથડાતાં માણસોને માર્ગ બતાવે છે, ને તેમ કરવામાં આનંદ માને છે. આ સારું પણ છે કેમકે ઈશ્વરની કૃપા પામેલા બધા જ માણસો જો મૂક બનીને બેસી જાય, તો જેમને ઈશ્વરની કૃપા મેળવવી છે, તેમને માર્ગ કોણ બતાવે ? શાંતિ ને મુક્તિ મેળવી ચૂકેલા મહાપુરૂષ જો કોઈનેય મદદ ના કરે, તો સંસારમાં શાંતિ ને મુક્તિ માગનારને માર્ગદર્શન ક્યાંથી મળે ? એટલે ઈશ્વર જ તેમના અંતરમાં અનુકંપા ઉપજાવે છે. તેથી પ્રેરાઈને તે બીજાના હિતના કામમાં પડે છે.
- શ્રી યોગેશ્વરજી