આત્મિક વિકાસની ઉચ્ચોચ અવસ્થાએ પહોંચવા કે પરમાત્માની સંપૂર્ણ કૃપા મેળવી, પૂર્ણ, મુક્ત ને કૃતાર્થ બનવા સૌ કોઈ સ્વતંત્ર છે. આત્મિક ઉન્નતિ માનવનો જન્મજાત અધિકાર છે. તે અધિકારનો ઉપભોગ કરવા તેણે તૈયાર થવાનું છે. માણસ ધારે તો પરમાત્માનું દર્શન કરીને કૃતાર્થ થઈ શકે છે. ત્યાગી કે સંસારી તથા સ્ત્રી કે પુરૂષ બધાંને માટે આત્મિક ઉન્નતિનાં દ્વાર સદાને માટે ઉઘાડાં જ છે. તેનો લાભ લેવાની છુટ સૌનેય છે. પણ માણસો એ છુટનો ઉપયોગ ભાગ્યે જ કરે છે. વધારે ભાગનાં માણસો સંસારમાં જાણે ખાવા–પીવા, ભોગ ભોગવવા ને છેવટે વિદાય થવા માટે આવ્યા હોય, તેમ જીવન જીવે છે. જીવનની શક્યતા ને મહાનતાનો વિચાર તે ભાગ્યે જ કરે છે. આવાં માણસો જીવનના વિકાસ તથા અમૂલ્ય એવા આત્મિક ધનથી વંચિત રહી જાય છે. આ દશા દુઃખદ ને માનવની અજ્ઞાનતાની પરિચારક છે. દુઃખદ દશાનો અંત આવવો જોઈએ ને જીવનના ઉચ્ચ વિકાસ માટે માણસે તૈયાર થવું જોઈએ. પરમાત્માની પ્રાપ્તિ કરવા, જીવનને પવિત્ર, પ્રેમમય ને મંગલ બનાવવા તથા અલ્પતાને તોડી પૂર્ણતામાં પ્રવેશ કરવા ને વામનમાંથી વિરાટ બનવા દિલમાં નાદ લાગી જવો જોઈએ, ને મૃત્યુંજય બનવા માટે તલપાપડ બનવું જોઈએ. પરમાત્માની ઝાંખી કરી પરમાનંદ મેળવવા માટે દિલમાં થનગનાટ થવો જોઈએ. ઉચ્ચ ભાવના ને મહત્વાકાંક્ષાથી હૃદય રંગાઈ જવું જોઈએ.
મહાન થવાનો માર્ગ સૌને માટે ઉઘાડો છે. ઉચ્ચ વિચારોને સેવવાની સ્વતંત્રતા પણ સૌને સરખી જ છે. તેનો ઉપયોગ કરવા માટે તૈયાર થવાની જરૂર છે. નરમાંથી નારાયણ બનવાનો પ્રયાસ કરવાની જરૂર છે. માણસે હાથે કરીને પોતાનું પતન કર્યું છે. પોતાની જાતને નાની ને નિરર્થક માની લઈને તે સાધારણ જંતુની જેમ જીવ્યા કરે છે, ને કેટલાક સંજોગોમાં તો તે નરાધમ બને છે, ને ના કરવા જેવાં કામ કરે છે; બીજાનું બૂરું કરે છે, ને અનીતિ, અધર્મ તથા અત્યાચાર ને પાપનો ભાગી બને છે. યાદ રાખો કે અનીતિ ને અધર્મના કામ કરનાર માણસ પોતાને હાથે જ પોતાના પતનની ખાઈ તૈયાર કરે છે, ને છેવટે તેમાં ડૂબી મરે છે. માણસ આમ પોતે જ પોતાનો શત્રુ બને છે. પણ જો તે ધારે તો પોતાનો મિત્ર થઈ શકે છે, નીતિ, સદાચાર તથા પ્રભુનો આધાર લઈને સંસારના શોક, ક્લેશ ને દુઃખને જે તરી જાય છે, ને જન્મમરણની યંત્રણામાંથી મુક્તિ મેળવે છે તે પોતાની જાત પર મહાન ઉપકાર કરે છે, ને તેથી પોતે પોતાનો મહાનમાં મહાન મિત્ર ઠરે છે. એવી રીતે પોતે પોતાના મિત્ર થવા, પોતાનું મંગલ કરવા કે પોતાની જાતનો ઉદ્ધાર કરવા તૈયાર થવાની જરૂર છે. ગીતામાતાનો આ સંદેશ છે.
- શ્રી યોગેશ્વરજી

