જીવનની ઉન્નતિનો આટલો વિચાર આપણે ગીતામાતાનાં વચનો પ્રમાણે કરી લીધો. પણ તમારામાંના કેટલાક બોલી ઉઠશે કે શું સમદર્શી થવાનું કામ સહેલું છે ? કામ, ક્રોધ ને લોભના લશ્કરને જીતીને વશ કરવાનું શું સહેલું છે ? યોગની સાધનામાં મનને લગાડવાનું કામ તો ખૂબ કપરૂં છે. આ મનની દશા તો જુઓ, માતેલા સાંઢના જેવું મન આમતેમ ભટક્યા કરે છે. તે કેમે કર્યું કબજામાં રહેતું નથી. વાવાઝોડું કેટલું ભયંકર હોય છે ! તેને વશ કરવાનું કામ સહેલું છે કે ? મનને વશ કરવાનું ને ધ્યાન ધારણા જેવી સાધનામાં લગાડવાનું કામ પણ તેવું જ મુશ્કેલ છે.
સંસારની શરૂઆતથી જ, મનને કાબુ કરવાનો પ્રયાસ માનવે શરૂ કર્યો ત્યારથી, તેવા પ્રયાસની મુશ્કેલીની માનવને ખાત્રી થઈ છે. ભગવાનના વિચાર સાંભળીને અર્જુને પણ તમારા જેવા જ પ્રશ્નો પૂછ્યા છે ને તમારા જેવી જ મુંઝવણ રજૂ કરી છે. પણ તેવી મુંઝવણથી કાંઈ હિંમત હાર્યે ચાલશે કે ? માતેલા સાંઢને વશ કરવામાં જેમ બળ ને કળ બંનેની જરૂર પડે છે, તેમ બળ ને કળથી મનને વશ કરવાનો પુરૂષાર્થ કરો તો કામ સહેલું થઈ જશે. આ સંસારમાં અસંભવ જેવી વસ્તુ કોઈ જ નથી. પ્રયાસ કરવાથી બધી વસ્તુ સિદ્ધ થઈ શકે છે. સાથે સાથે એ સાચું છે કે પામર માણસો મનને વશ કરવાની સાધનામાં કદી પણ સફળ થઈ નહિ શકે. ચંચલ, પ્રમાદી ને વિષયલોલુપ માણસો મનના માતેલા સાંઢ પર સવાર નહિ થઈ શકે. તે કામ તો ખંતીલા ને બહાદુર માણસોનું છે ને તેવા ઉદ્યોગી, વીર ને ધીર પુરૂષો જ તે કામ કરી શકશે. મનને વશ કરવાનું કામ અઘરૂં છે એમ માનીને અત્યારથી જ હિંમત હારીને, ઢીલા પગ કરીને બેસી ના જતા. મન કોઈ બહારની વસ્તુ નથી. તે તો તમારી અંદરની વસ્તુ છે. બહારની વસ્તુઓ પર અધિકાર જમાવવા તમે સફળ થાવ છો. તો મન પર અધિકાર કેમ ના કરી શકો ? ધારો તો જરૂર કરી શકો. તેમાં મુશ્કેલ જેવું કાંઈ જ નથી. તે તો સહેલું કામ છે. સહેલા કામને મુશ્કેલ માની પહેલેથી જ નિરાશ ને હતોત્સાહ થઈને બેસી ના જતા.
પહેલીવાર અમે બદરીનાથ ગયા ત્યારે ચાલીને ગયા હતા. રસ્તામાં કેટલીકવાર ખૂબ થાક લાગતો. તાપ ને થાકથી શ્રમિત થવા છતાં ધર્મશાળા આવે ત્યાં સુધી ચાલ્યા વિના છૂટકો જ નહોતો. રસ્તામાં કોઈ પર્વતીય માણસ મળે તો તેને પૂછતા કે ધર્મશાળા કેટલે દૂર છે ? તો તે જવાબ આપતા કે હવે થોડે દૂર છે, જરાક ચાલશો એટલે આવી જશે. તેથી અમે ઉત્સાહમાં આવીને ચાલવા માંડતા પણ ધર્મશાળા ના દેખાતી. ત્યારે કોઈ બીજા માણસને પણ એ જ પ્રશ્ન પૂછતા તો તેનો ઉત્તર મળતો કે હવે બહુ જ પાસે છે. વળી અમે આશામાં ને આશામાં આગળ ચાલ્યા જતા. એમ લાંબે વખતે ધર્મશાળા આવતી પણ અમારો રસ્તો આશામાં ને આશામાં ખૂટી જતો. આને બદલે જો તે માણસો અમને એમ કહેત કે ધર્મશાળા ખૂબ જ દૂર છે, ને ત્યાં જતાં તો થાકી જશો. તો અમારી દશા કેવી થાત ? અમે નિરાશ થઈ જાત, ને એક ડગલું પણ ચાલી ના શકત. તે પ્રમાણે સાધકે પહેલેથી જ નિરાશ થઈ જવાનું નથી, ને કોઈ પરમાર્થના પંથનો પ્રવાસી સાધક નિરાશ થાય તેવી માહિતી પણ આપવાની નથી. પોતાનો ને બીજાનો ઉત્સાહ વધારવાનો છે ને એમાં ખોટું કાંઈ જ નથી.
જો ધારો તો મનને સહેલાઈથી વશ કરી શકો છો, ને આજ સુધી કેટલાય માણસોએ મેળવ્યો તેવો પરમાત્મદર્શન ને સાધનાનો આનંદ તમે પણ મેળવી શકો છો. મનમાં દૃઢ નિશ્ચય કરો. તેનો અમલ કરવા પુરૂષાર્થ કરો, પડો ત્યાંથી ફરીવાર ઊભા થઈને આગળ વધવાનું શરૂ કરો ને ભૂલો ત્યાંથી ફરી ગણવાનું શરૂ કરો. એ રીતે મનને વશ કરવાના કામમાં જરૂર સફળ થશો. મનોબળને મજબૂત કરીને માણસે શું શું નથી કર્યું ? તમે પણ તેવું મનોબળ તૈયાર કરો એટલે ધારેલું કામ કરી શકશો.
- શ્રી યોગેશ્વરજી

