ભગવાને અર્જુનને આ જ વાત કહી છે, ને સાથે સાથે મનને વશ કરવા માટે બે રામબાણ ઉપાય બતાવ્યા છે : અભ્યાસ ને વૈરાગ્ય. પહેલાંના વખતમાં યોદ્ધાઓ લડવામાં ઢાલ ને તલવારનો ઉપયોગ કરતા અથવા તો તીર ને કામઠું વાપરતા. તેમ અજ્ઞાન ને અશાંતિરૂપી યોદ્ધા ને તેમના સરદાર મનની સામે લડવા માટે અભ્યાસ ને વૈરાગ્યનાં બે શસ્ત્રોનો ઉપયોગ કરવાનો છે. વૈરાગ્ય ઢાલ છે ને અભ્યાસ તલવાર છે. અથવા કહો કે વૈરાગ્ય ધનુષ્ય છે ને અભ્યાસ તલવાર છે અથવા જરા જુદા શબ્દોમાં કહો કે અભ્યાસ ને વૈરાગ્યની બે પાંખ છે, તેમનો આધાર લઈને સાધકે સલામત થવાનું છે ને ઉન્નતિના આકાશમાં ઉડવાનું છે. સંસારના બધા પદાર્થોમાંથી રાગને કાઢી નાખો ને તેને પ્રભુમાં જોડી દો. આ બે કામ કરો એટલે વૈરાગ્યની સાધના પૂરી થઈ એમ કહી શકાશે.
એક માણસ નવલકથા વાંચે છે. વાંચવામાં તે એટલો બધો મગ્ન બની જાય છે કે આજુબાજુ શું બની રહ્યું છે તે પણ ભૂલી જાય છે. કોઈ પાસે આવીને ઊભું રહે છે તો પણ તેને કેટલીકવાર ખબર નથી પડતી. વાંચવામાં તેનું મન આટલું બધું ડૂબી જાય છે તેનું કારણ ? કારણ તેને નવલકથા ખૂબ ગમે છે. સંસારનો બધો રસ જાણે નવલકથામાં જ ઉતરી ગયો હોય એવું તેને લાગે છે. તેથી વાંચવાના રસમાં તે ખાવાપીવાનું પણ ભૂલી જાય છે. નવલકથા પૂરી ના થાય ત્યાં સુધી બીજું કોઈયે કામ કરવાનું તેને ગમતું નથી. નવલકથામાં તેને રાગ થયો છે એટલે બીજી વસ્તુનો રાગ આપોઆપ દૂર થાય છે, ને એકાગ્રતા સહજ થાય છે. એકાગ્રતાનું આ જ રહસ્ય છે. પરમાત્મામાં રાગ થાય ને પરમાત્મા જ સુખદાયક ને મેળવવા જેવા છે એમ સમજાય, તો બીજા પદાર્થોનો રાગ દૂર થઈ જાય, ને પરમાત્માના સ્મરણ, મનન ને ધ્યાનમાં મન એકાગ્ર બની જાય.
ભૂખ લાગે છે એટલે બાળક તરત માની પાસે દોડી જાય છે ને ખોરાકની માંગણી કરે છે. તેને ખાવાનો લાભ મળી જાય છે. ધરાયેલું બાળક તો ફરતું ફરે છે. તેને એ લાભ ક્યાંથી મળે ? સંસારના વિષયોથી ધરાઈ ગયેલા માણસો તે પ્રમાણે વિષયોમાં જ રમ્યા કરે છે. પણ જેનું મન ઈશ્વરના પ્રેમની ઝંખના કરતું રોઈ ઊઠે છે ને તે દશામાં જે ઈશ્વરની પાસે પહોંચી જાય છે, તેને ઈશ્વરની કૃપાથી એકાગ્રતાનો આનંદ જરૂર મળી જાય છે, ઈશ્વરરૂપી માતા તેને એકાગ્રતા ને આનંદ બંને આપે છે. માટે સંસારમાંથી મમતા દૂર કરો, આસક્તિ કાઢી નાખો, ને ઈશ્વરમાં પ્રીતિ કરવા તૈયાર થાવ. મન આપોઆપ વશ થઈ જશે. ધ્યાન, જપ કે બીજી જે પણ સાધના કરો, તેમાં રસ ઉત્પન્ન કરો. પછી મન દોડાદોડી કરવાનું બંધ કરીને સ્થિર થઈ જશે.
સાથે સાથે હિંમત હાર્યા વિના અભ્યાસ ચાલુ રાખો. જે સાધના કરો તે નિયમિતપણે કરતા રહો. સતત સાધના કરવાથી રસ આપોઆપ આવશે ને મન સ્થિર બનશે. બાળક નિશાળે જવાનું શરૂ કરે ત્યારે ભણવાનું તેને દરેક વખતે સારું લાગે છે ખરું ? કેટલાંક બાળકોને તો ભણવાનું ગમતું જ નથી ને નિશાળનું નામ સાંભળીને તે રોવાનું શરૂ કરે છે. છતાં માબાપ તેમને નિશાળે મોકલે છે. શરૂઆતમાં તો નિશાળે જવાનું તેમને કડવું લાગે છે, પણ પછી તેમનું મન લાગી જાય છે ને નિશાળ તેને મીઠી લાગે છે. પછી તો તેમને નિશાળે જવાની ના કહેવામાં આવે તો તે રડવા માંડે છે, એવી દશા થઈ જાય છે. સતત અભ્યાસથી મનની પણ એવી દશા થઈ જાય છે ને પછી તો મનને સાધનામાં એટલો બધો આનંદ આવે છે કે ઈશ્વરસ્મરણ ને ધ્યાનનું કામ મૂકીને તેને ક્યાંય જવાનું જ નથી ગમતું. આઠે પહોર તે સાધનાના આનંદમાં જ મસ્ત રહે છે.
અભ્યાસ કેટલીય જાતનો હોય છે : સારા પુસ્તકોનું શ્રવણ, મનન, વાંચન, આત્મપરીક્ષણ ને સારા પુરૂષોનો સમાગમ પણ અભ્યાસ કહેવાય છે. તેથી પણ મન વશ થાય છે. તેમાંય સંતપુરૂષોનો સમાગમ તો ભારે મદદરૂપ થાય છે. તેમના સમાગમમાં સારા વિચારો ને સારા ભાવો વધારે દૃઢ બને છે. મન ઈશ્વર તરફ સહેલાઈથી વળે છે માટે સંતસમાગમ જરૂર કરવો. તે ના મળે તો સારાં પુસ્તકો તો જરૂર વાંચવાં. મનની નબળાઈને ઓળખીને દૂર કરવા કોશીષ કરવી. તેમ કરવાથી મન વશ થશે ને સાધનામાં લાગી જશે.
માણસો ફરિયાદ કરે છે કે સાધના કરવાનું મન તો ઘણું થાય છે, પણ સમય મળતો નથી. પ્રભુસ્મરણ ને સત્સંગનો આનંદ પણ લેવો છે પરંતુ ફુરસદ નથી, તેવી તેમની ફરિયાદ નકામી છે. તેવા લોકો મેળામાં જવાનું હોય તો જરૂરી કામ મુકી દઈને પણ તૈયાર થઈ જાય છે. ટોળટપ્પાં મારવાનો વખત કાઢી શકે છે, ને આળસુ થઈને પડ્યા રહે છે કે ફર્યા કરે છે. પણ પોતાની ભલાઈનું કામ કરવાનો વખત કાઢી શકતા નથી. તેનું કારણ વખત નથી તે નહિ, પણ ભલાઈના કામમાં તેમને રસ નથી તે છે. વખત કાંઈ બધાને મળતો નથી જેમને કાંઈ જ કામ નથી, તેવા નવરા માણસો જ સાધનાના કામમાં પડે છે એમ નથી. વખત તો માણસે પોતે કાઢવાનો છે. જેને રસ છે તે તો ગમે તેમ કરી વખત કાઢી લે છે. ને વખત કાઢવો જ જોઈએ. જ્યારે મરણ આવશે ત્યારે કામ મૂકીને વખત કેવી રીતે કાઢશો ? માટે સમય નથી મળતો એ ફરિયાદ નકામી છે. ખાવાનો, ફરવાનો ને ઊંઘવાનો સમય મળે ને સાધનાનો સમય કેમ નથી મળતો તે કહેશો ? ગમે તેમ કરીને સમય કાઢીને તમારી ઉન્નતિના કામમાં લાગી જાવ, લગીર જેટલા જીવનનો સદુપયોગ કરવા કમર કસો તો જ આનંદ મેળવી શકશો.
મંથન કરીને માખણ તો કાઢયું. પણ તેને મોમાં ના મૂકો ને જોયા જ કરો તો શું ભૂખ ભાગી જશે કે ? ભલભલા થાકેલા માણસનો થાક પણ મટાડી દે ને ભલભલા દુઃખીનું દુઃખ પણ ઘડીભર તો દૂર કરીને તેને રસ ને આનંદની નદીમાં નવરાવી દે એવા સિતારના સ્વર છૂટ્યા જ કરે છે. તેનો સ્વાદ લેવાની કોઈ ફી નથી. તેમજ તેનો આનંદ લેવા માટે કોઈ જાતની યોગ્યતા મેળવવાની જરૂર નથી. કેટલાય લોકો રાત્રિની શાંતિમાં બાગમાં બેઠા બેઠા તે સાંભળે છે પણ એક માણસ કાનમાં આંગળી ઘાલીને ઊભો રહે છે, ને તે જ દશામાં ત્યાંથી ચાલવા માંડે છે. તમે જ કહો કે સિતારના સંગીતનો સ્વાદ તેને મળશે કે ? પ્રભુનું પ્રેમસંગીત પણ સમસ્ત સંસારમાં વાગી રહ્યું છે. માણસ હાથે કરીને તેને ના સાંભળે તો તેમાં તેને નહિ તો બીજા કોને દોષ દેવો ? દુઃખને દૂર કરનારી ને શાંતિ તથા મુક્તિની તરસ મટાડનારી પ્રભુની પ્રેમગંગા સદાને માટે વહ્યા જ કરે છે. પ્રમાદી માણસ હાથે કરીને તેનો સ્વાદ ન લે તો તેમાં દોષ બીજા કોને દેવો ? ભગવાન કૃષ્ણની વાણી પણ ખૂબ મંગલ ને મધુર છે. આપણા ગજા પ્રમાણે આપણે તેનું મંથન કરીએ છીએ મંથનમાંથી નીકળેલું જ્ઞાનરૂપી અમૃત આપણને આનંદ આપે છે. પણ તેને જોઈને ને તે વિશે સાંભળીને બેસી રહીશું તો ભૂખ કેમ ભાગશે, સ્વાદ કેમ મળશે, ને અમૃતમય પણ કેમ થવાશે ? જ્ઞાનનું નાણું જો ગાંઠે બાંધી રાખીશું, લોભિયાની જેમ તેના પર હાથ ફેરવી તેને પંપાળ્યા કરીશું, તો જન્મજન્માંતરનું દળદર કેવી રીતે દૂર થશે ? માટે ગીતાના વિચારમાંથી કે તેના સંગીતમાંથી જે સારું ને કામનું લાગે તેને ગાંઠે બાંધીને બેસી ના રહેતા પણ તેને વટાવવા કે જીવનમાં ઉતારવા તૈયાર રહેજો. શાંતિ તો જ મળશે ને જીવન પણ ત્યારે જ સફળ બનશે આ વાત યાદ રાખવાની છે.
- શ્રી યોગેશ્વરજી

