Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એક માણસે કૂવામાં પડતું મૂક્યું. કૂવામાં પડતી વખતે તેણે હોહા કરી મૂકી. તેનો ને કૂવા પરનાં માણસોનો કોલાહલ સાંભળીને ત્યાં કેટલાંય માણસો જમા થઈ ગયાં. તેમાંના એકે કૂવામાં દોરડું નાખ્યું, પણ કૂવામાં પડેલા માણસની મરજી જુદી જ હતી. તેણે દોરડાને પકડવાનો જરાયે પ્રયાસ ના કર્યો ને છેવટે તેનું મરણ થયું. હવે તમે જ વિચાર કરો કે તે માણસની મરજી કૂવામાંથી બહાર નીકળવાની હોત તો શું તેને માટે કોઈ ઉપાય ન હતો ? ઉપાય તો હતો જ. પણ માણસે તેનો લાભ ના લીધો પછી શું થાય ? માયામાં પડેલા માણસોનું આમ જ સમજવાનું છે. માયામાંથી બહાર નીકળવું હોય તો તેમને માટે સાધનોનો અભાવ નથી. ઉપાય પણ છે. સંતો ને મહાત્માઓએ તે માટેના માર્ગ બતાવેલા છે. તે માર્ગે તેણે ચાલવાનું છે. તો તે જરૂર માયાના બંધનમાંથી મુક્તિ મેળવી શકશે. શરીરસુખ, લાલસા, ધન ને યશની લિપ્સા ને દંભ, દર્પ ને અભિમાન જેવા દુર્ગુણોની પકડમાંથી તે જરૂર છૂટી શકશે. યાદ રાખો કે માયાએ માણસને પકડ્યો નથી, પણ માણસે માયાને પકડી છે. બે હાથે લાકડું લઈને ઊભેલો માણસ લાકડું છૂટતું નથી એવી બૂમો પાડે તે જોઈને બીજાને કેવું લાગે ? ડાહ્યા માણસો તરત બોલી ઊઠે કે ભાઈ, એમાં બુમો શા માટે પાડે છે ? લાકડું તો તેં પકડ્યું છે. લાકડાએ કાંઈ તને પકડ્યો નથી. લાકડાને છોડી દે એટલે તે છૂટી જશે, ને તારો પણ છુટકારો થઈ જશે. તે પ્રમાણે આપણે માયાથી કંટાળેલા માણસને કહીશું કે ભાઈઓ, કંટાળો છો શા માટે ? માયા તમે જ ઊભી કરી છે. કરોળિયાની જેમ તમારી જાળમાં તમારી મેળે જ તમે બંધાયા છો. હવે બબડાટ શા માટે કરો છો ?

માયા કોઈ ભયંકર રાક્ષસી નથી, કે જે તમારો કેડો જ ના મૂકે. તમારી ઈચ્છા હશે તો તે તમને છોડી દેશે. નાનાં બાળકો કેટલીકવાર 'મા'ની પાસે દોરીથી હાથ બંધાવે પછી હાથ છોડવા માટે રોવા માંડે છે. માતા કહે છે કે હાથ બંધાવા માટે તો તું મારી પાછળ પડેલો. છતાં 'મા' કાંઈ બાળકની વેદના જોઈ શકે છે ? બાળકને રોતું જોઈ તે દોડી આવે છે, ને તેના બાંધેલા હાથ છોડી નાંખે છે. તમારા હાથપગ પણ ગમે તે કારણે બંધાયા હોય, તેમને છોડી નાખવાની ને માયાના નાનાં મોટાં બધા જ બંધનોથી મુક્ત થવાની તમારી ઈચ્છા હોય તો રડવા માંડો, ટળવળાટ કરી મુકો ને ઈશ્વરરૂપી 'મા' ને પોકાર પાડો. તમારો પોકાર તે જરૂર સાંભળશે ને તમને બધાં જ માયાવી બંધનોથી મુક્ત કરશે.

ભગવાન કહે છે કે મારૂં શરણ લે છે તે જ પુરૂષ કે સ્ત્રી માયાને તરી શકે છે. તેનો એક બીજો અર્થ પણ કરી શકાય છે. ભગવાન ને તેમની વાણી બે એક છે. ગીતા ભગવાનની વાણી છે. ભગવાનનું હૃદય ગીતામાં સંપૂર્ણપણે રેડાઈ ચૂક્યું છે. એટલે જ ગીતાના મહાત્મ્યમાં કહેવામાં આવ્યું છે કે ગીતા ભગવાનનું હૃદય ને જીવન છે. ગીતા આ પ્રમાણે કોઈ સાધારણ ગ્રંથ નથી. તરસ્યા કે ભૂખ્યાં થયેલા બાળકોને માતા પોતાના ખોળામાં લઈને જે પયપાન કરાવે છે ને શાંતિ આપે છે, તેમ શાંતિને માટે તલસતાં બાળકોને ગીતા શાંતિ આપે છે, અમૃત આપે છે, ને ભગવાનની પાસે પહોંચાડે છે. એટલે તો તેને ગીતામાતા કહેવામાં આવે છે. તે માતાનું શરણ લે તે પણ માયાને તરી શકે છે. ગીતાનો આશ્રય લેનાર માણસ સંસારમાં સદાને માટે સલામત બની જાય છે, ને સંસારની યાત્રા સફળતાપૂર્વક પૂરી કરે છે. એટલે તો ગીતાને નાવની ઉપમા આપવામાં આવી છે. તેનો આધાર લેનાર મોહ, માયા, વિષાદ ને અજ્ઞાનના સાગરને સહેલાઈથી તરી શકે છે. ગીતાની જેમ પ્રભુએ પ્રેરેલી વાણીવાળા બીજા બધાં જ ધર્મગ્રંથો વિશે આ પ્રમાણે સમજી લેવાનું છે. તે સૌમાં  માણસને શાંતિ આપવાની ને પ્રેરણા પાવાની શક્તિ છે. પણ આપણે ગીતાનો વિચાર કરી રહ્યા છીએ. એટલે કહીશું કે ગીતાનું શરણ લેનાર માણસને બીજા કોઈયે ધર્મગ્રંથનું શરણ લેવાની જરૂર રહેતી નથી. ગીતાનું સ્વર્ગીય ને સનાતન સંગીત જે સાંભળે છે તેને શાંતિ માટે બીજા કોઈયે સંગીતની જરૂર રહેતી નથી. ગીતામાતાના સંદેશને જીવનમાં ઉતારનારને માયાનો ભય રહેતો નથી.

- શ્રી યોગેશ્વરજી