Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
જીત થાય જંગમાં કે થાય ભલે હાર,
અનીતિને વશ થવું નહીં કદી કાળ !
પાખંડી કરે ભલેને શસ્ત્રો કેરી ધાર,
પૌરૂષને બાંધી રહું એની સામે પાળ !

અહંકારીની સમીપે નમાવું ના શીશ,
આશીર્વાદ એ જ આજે આપી દેજે ઈશ !

દુઃખ મળે સાંપડે કે સુખ કેરો સ્વાદ,
ચઢી જવું જંગે સુણી આરતનો સાદ;
સહવાં પડે ભલેને વેદનાનાં બાણ,
ગોળાઓ છૂટે ભલેને કાઢી લેવા પ્રાણ,

પીછેહઠ કરું નહીં જંગથી જરી,
એટલું દો આપી પ્રભુ હે, કૃપા કરી !

તમિસ્ત્રના થર ભલે વ્યાપ્ત બધે થાય,
સાથીદારો શુભેચ્છકો છોડી સૌએ જાય;
એકાકી સફર તો એ સ્નેહથી કરું,
આહ કે નિરાશા, આંસુ, પ્રાણ ના ભરું !

તારા વિના કોઈનો એ યાચું ના પ્રકાશ,
આશીર્વાદ દે ત્યારે એ આવશે ઉજાસ !

આસન મળે, મળેલું આસન કે જાય,
ધન ને વૈભવ વળી ખાખ ભલે થાય,
આતંકકારીનો કદી પક્ષ ના લઉં,
અત્યાચારીનો કદી સાથી ના થઉં.

સત્તા, દંભ, જુલમનો સામનો કરું,
શુભાશિષ આપ, જીવું એ માટે મરું !

- શ્રી યોગેશ્વરજી