Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
રવિ માનવ સંસ્કૃતિનો પ્રકટ્યો જેને પ્રાંગણ વૈદિકકાળ મહીં,
વસુધૈવ કુટુંબતણી પરમાત્મતણી જેણે અદભૂત વાત કહી;
જેના જ્ઞાન સમું નવ જ્ઞાન મળે અવની પર ખોજ કરો તો કશે,
તમે માથું પછાડી ભલે મરશો, એવા ભારતનો નવ નાશ થશે.

મહાવીર ને ગૌતમ શંકર શી જેણે ભેટ સપ્રેમ અનેક ધરી,
જેણે વીર પ્રતાપ ને શૂર શિવાજીની સૌરભથી જગવાડી ભરી;
જેણે દિવ્ય દયાનંદ, ગાંધી ધર્યા, બની શાશ્વત તીર્થસમાન હસે,
તમે માથું પછાડી ભલે મરશો, એવા ભારતનો નવ નાશ થશે.

દૃઢ છે જનતા એની જંગે ચઢી, શકશો ન કદીય ગુલામ કરી,
નવ સંકટથી ડરશે કદીયે, એ તો સંકટસિંધુ સહસ્ત્ર તરી;
એ તો સાચવશે નિજ શાન બની કુરબાન છો શોણિત યેવ હશે,
તમે માથું પછાડી ભલે મરશો, એવા ભારતનો નવ નાશ થશે.

કરશો ન કુદૃષ્ટિ, ન ઘાટ ઘડો, એને કાજે જાલીમ ના જાળ વણો !
ભરખી જવા ભોમકા ભાગો નહીં, ડર એને નથી હથિયાર તણો;
અમીદૃષ્ટિ મળે એને ઈશ્વરની, એનો વાળ કદી નવ વાંકો થશે,
તમે માથું પછાડી ભલે મરશો, એવા ભારતનો નવ નાશ થશે.

- શ્રી યોગેશ્વરજી