જુઓ પાછી કરો પાની, વતનનો સાદ આવ્યો છે,
લઈ લો અજબની લ્હાણી, વતનનો સાદ આવ્યો છે.
ઉડાડી દો હવે નિદ્રા, તમે રંગીનશાં સ્વપ્નાં
ભલે હો અજ્ઞ કે જ્ઞાની વતનનો સાદ આવ્યો છે.
ઉઠો, કમ્મર કસો, હાથે ધરી હથિયાર આગે હો,
બતાવી દો ખરું પાણી, વતનનો સાદ આવ્યો છે.
હલાલ કરો નમક સઘળું, વિલંબ નહીં લગાર કરો,
વખત છે ખૂબ તોફાની, વતનનો સાદ આવ્યો છે.
મરો મારી હજારોને, ફરો વિજયી જ કે પાછા,
પ્રતિજ્ઞા કે કરો શાણી, વતનનો સાદ આવ્યો છે.
પડ્યા લડનાર મેદાને, તમે ડરનાર પણ ક્યાં છો ?
ભલેને જાય એ જાણી, વતનનો સાદ આવ્યો છે.
રસે ભર બાગને ઉજ્જડ કરી દેવા બધા આવ્યા,
ધરા ચાલો ધણધણાવી, વતનનો સાદ આવ્યો છે.
કટોરા રક્તના ભરતાં, ધપો શૂરા બની આગળ,
ભલે હો જાનફેસાની, વતનનો સાદ આવ્યો છે.
- શ્રી યોગેશ્વરજી

