Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આજ અમારા પીંખાયા દેશના સીમાડા,
રક્ષક તો દોડી આવજો હોજી ! હોજી !
અમારા દવથી દઝાયા છે નીંભાડા,
દર્શક તો દોડી આવજો હોજી ! હોજી !

આભલિયે આજ અમારા, અંધારાં વાદળ છાયાં,
કિરણો રવિના સંતાયાં; રેલવા પ્રકાશ કેરી ધારા
રક્ષક તો દોડી આવજો હોજી ! હોજી !

સાગરમાં ઓચિંતા આ, મહા પ્રાણમંથન જાગ્યાં,
ભારે દુંદુંભી વાગ્યાં, હલેસાંઓ મારવા અમારા
નાવિક તો દોડી આવજો હોજી ! હોજી !

હિંમત છે હૈયે ભારે, ધીરજની વીણા વાગે,
વીરતાના છૂટ્યા રાગે; પંથને બતાવવાને ન્યારા,
માલિક તો દોડી આવજો હોજી ! હોજી !

તમે ના શકો આવી તો, શક્તિ કેરા ફુવારા,
જગવો અંગે અમારા, સાચવીએ દેશને અમારા,
રક્ષક તો દોડી આવજો હોજી ! હોજી !

આજ અમારા પીંખાયા દેશના સીમાડા,
રક્ષક તો દોડી આવજો હોજી ! હોજી !

- શ્રી યોગેશ્વરજી