હિંદુસ્તાન, હિંદુસ્તાન, જય હિંદુસ્તાન !
તારે ખાતર ખતમ ભલેને થાય અમારા પ્રાણ ! ... હિંદુસ્તાન
દેહ અમારો મંગલમય ને પ્રજા અમારી એક,
એમ કહો કે અમે એક, ને દેશ અમારો એક ... હિંદુસ્તાન
હિંસક-દળ દોડી છો આવે,
નહીં અમારી આગળ ફાવે,
ઉપાસક અમે અભયતણા સૌ, એક અમારી ટેક .... હિંદુસ્તાન
સંતાન અમે શૂરજનોનાં,
સંસ્કૃતિની સર્વોચ્ચ ક્ષણોમાં;
દેશદાઝથી દ્રવે અમારાં દિલડાં દૈવી નેક .... હિંદુસ્તાન
રોમે રોમે તારાં જાગે સદા અમારે ગાન,
તારી આગળ નથી એટલા પ્યારા અમને જાન !
તારે કાજે કટિબદ્ધ થયા થવા અમે કુરબાન ! ... હિંદુસ્તાન
- શ્રી યોગેશ્વરજી

