Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કદમ ભરો, કદમ ભરો,
જંગમાં જવા જવાન હે, હવે કદમ ભરો !

દુશ્મનોની ફોજ છે હિમાલયે વધી રહી,
વીરતાને સાદ માતૃ-ભૂમિ છે કરી રહી,
ના ડરો કરો પ્રમાદ, સામનો રણે કરો.
કાળશા બની કરાળ હે, હવે કદમ ભરો ! ... કદમ ભરો

એક છે પ્રજા, નથી જરાય ભેદ એ મહીં,
વાત એ અભિન્નતાની આજ સાફ દો કહી,
વેગથી વધો, ધપો, બઢો, સમીરશા ફરો,
કાળશા બની કરાળ હે, હવે કદમ ભરો ! ... કદમ ભરો.

ડરો નહીં, લડો હવે, તમે કરોડ વીર છો,
કાળનો ય છે હિસાબ રે તમારી પાસ શો ?
જંગ જીતતાં પઢાવો પાઠ શત્રુને ખરો !
કાળશા બની કરાળ હે, હવે કદમ ભરો ! ... કદમ ભરો.

એકવાર મૃત્યુ તો અવશ્યમેવ આવશે,
ધર્મયુદ્ધ કિન્તુ કોક દિવ્ય શાંતિ લાવશે,
હોંશથી ધપો, સ્વધર્મને હવે અદા કરો !
કાળશા બની કરાળ હે, હવે કદમ ભરો ! ... કદમ ભરો.

- શ્રી યોગેશ્વરજી