દેશકેરી દાઝ જે નયનો મહીં ના હો,
નયને એ નિરખે ન નિરખે, ફેર એમાં શો ?
સ્નેહ જેમાં ના છલકતો માનવી માટે,
નયન એવાં ના રહે શો શોક એનો તો ?
દેશની ગુણગાન ગાથા ના ગમે જેને,
કહો શું કરવું સરસ હો કાન પણ એને ?
જન્મભૂમિ તણી સુવાસે ના પ્રફુલ્લ બને,
નાસિકા કરવી કહો શું ? હોય ના હો એ !
મૂલ્ય શું જીહ્વાતણું જે દેશને સ્નેહે,
રટે ના, તેની કરે ના પ્રશસ્તિ નેહે ?
હોય વિદ્વત્તા વરી વાચાળતા એને,
પ્રેમ ના પૃથ્વીતણો તો કરે શું તેને ?
દેશની મમતા નથી ને માન દેશતણું,
ચિત્તમાં જે, ચિત્ત તે સાચે જ શુષ્ક ગણું;
જે હૃદયમાં માતની મંગલ નહીં મૂર્તિ,
તે હૃદયની પૂર્ણતાની થાય ના પૂર્તિ !
જે હૃદયમાં વિશ્વ પ્રેમતણા ફુવારાના,
એકતા સેવા-દયાના દિવ્ય ભાવો ના;
રણસમા એ હૃદયની શોભા કહોને શું ?
રહે બંધ પડે હૃદય એ હર્ષ શોકે શું ?
અંગ પણ ના કામ આવે અન્યને માટે,
હુંફ ના આપે તપી કે સહીને જાતે,
છેક સુંદર, શક્ત, શાશ્વત યૌવનેભર હો,
તોય સિદ્ધ થશે કહોને હેતુ એથી શો ?
ભોગ ને કીર્તિ ભરેલું દીર્ઘ જીવન હો,
દેશ દુનિયાનો ન કિન્તુ પ્રેમ એમાં તો,
દીર્ઘ એ જીવન ધરાને ભારરૂપ ખરે,
હોય કે ના હોય એનું મૂલ્ય કૈં ન મળે,
- શ્રી યોગેશ્વરજી

