મંગલ મારા દેશ રૂપાળા !
વંદન કોટી કરું તને હું, દેવો પરમાત્માના પ્યારા ! ... મંગલ
ઉત્તર છત્ર હિમાલય કેરું, સોહે સુંદર બરફે ન્યારા,
વિંધ્યાચળ, અરવલ્લીકેરી સહ્યાદ્રિ દક્ષિણમાં માળા ... મંગલ
કાશ્મીર કન્યા તેમ કુમારી, બેટ દ્વારકા બંગ રસાળાં,
જયગાન કરે સાગર તારું, સંધ્યા તેમ ઉષા દ્રઢિયાળાં ... મંગલ.
ગંગાજમના સિંધુ વહે છે, તેમ નર્મદા-તાપી-ધારા,
સરસ્વતી, કાવેરી, કૃષ્ણા, જુએ સુરજ ને રાતે તારા ... મંગલ
શાશ્વત સંસ્કૃતિકેરા સ્વામી ! જ્ઞાનીયોગી ગૌરવવાળા !
ભેદમહીંયે અભેદધારી, ધીરવીરના સરજનહારા ! ... મંગલ
યુગયુગ કીર્તિ રહેજો તારી, અમર રહો સંદેશા તારા,
મનુકુળને સુખદાયી થાઓ, પ્રેરક તારા મંત્રો સારા ! ... મંગલ
- શ્રી યોગેશ્વરજી

