દેવપ્રયાગ
તા. ૨૦ ડીસે. ૧૯૪૫
પ્રિય નારાયણ,
તેં પેલા ભાઈ વિશે લખ્યું તે જાણ્યું. સાચું છે કે જેમનામાં જુસ્સો હોય છે તે સારું કામ કરી શકે છે. કદી પણ ન મટનારી એવી લગની વિના આ માર્ગનું કામ અધૂરું જ રહે છે. પણ તે જુસ્સો માત્ર સાગરના તરંગ જેવો ઉપરનો ન હોવો જોઈએ. શાંત પ્રવાહની જેમ હૃદયમાં ઊતરી જવો જોઈએ. નહિ તો ઘણીવાર તે ક્ષણજીવી નીવડે છે. વળી મનની ચંચલતાને કારણે તે જ જુસ્સો મન કોઈ બીજા પદાર્થ કે વિષયમાં જોડાતાં તે પદાર્થમય બની જાય છે. તે ભાઈ સતારા ગયા છે તે ઠીક છે. જ્યાં સુધી કયાંક પણ જવાનો ભાવ છે ત્યાં સુધી તેને પોષવો ઠીક છે. એથી અનુભવ પણ મળે છે. કો'ક સદગુરુની પ્રાપ્તિ પણ થઈ રહે છે. પણ આવા વખતમાં એવું કલ્યાણ કરી દેનારા ને માત્ર સહવાસથી જ શાંતિ આપનારા એવા ગુરુ કે મહાત્માઓ બહુ વિરલ છે; એટલે કેવળ નામ સાંભળીને કે બીજાની પાસેથી બે-ચાર વાતની માહિતી મેળવીને વારંવાર દોડ્યા કરવું પણ ઠીક નથી. એક વાત આ પણ છે કે જો સાચી લગનથી મનુષ્ય આ માર્ગે જવા તત્પર બને ને ઈશ્વરને પ્રાર્થના કર્યા કરે તો તેને સહાય કરનાર વ્યક્તિ તે જ્યાં હોય ત્યાં આવી મળે છે, અથવા તો તેને તે વ્યક્તિ પાસે જવાનો આદેશ મળે છે. જ્યાં સુધી પોતાની યોગ્યતા નથી ત્યાં સુધી ગમે તેવા મહાત્માનો સંપર્ક પણ એટલો ફળદાયક થતો નથી. ને યોગ્યતા ન હોય તે છતાં કૃપા કરનાર મહાપુરુષ તો ભાગ્યે જ મળે છે. એટલે ઘેર બેસી સાચા મનથી જપ ધ્યાન વગેરે કરતા રહેવાની જરૂર છે. એક બે દિવસમાં પૂર્ણતા ન પણ મળે, પણ તેથી ધીરજ રાખવાની જરૂર છે. સાધન છોડવાનું કામ નથી. સાધનની શક્તિ ઘણીવાર એકસામટી ને થોડા લાંબા સમયે માલુમ પડે છે. ત્યાં લગી દૃઢતા રાખવાની જરૂર છે. અમારા વિચાર પ્રમાણે તો કોઈ મહાત્માનો સંગ અમુક વખત પૂરતો કરવો જોઈએ, બાકી વધારે લક્ષ પોતાના એકાંતિક સાધન પર ને ભગવાનની કરુણાની યાચના પર આપવું જોઈએ. જ્યારે આમ કરતાં પરિપક્વ થવાશે ત્યારે સ્વયં ગુરુ બનાશે. જ્યાં સુધી વાદળ છે ત્યાં સુધી ચંદ્ર ક્યાંથી દેખાય ? હૃદય શુદ્ધ થાય ને ચિત્ત એકાગ્ર થાય એટલે અંદરથી જ બધું આવી મળશે; આ સાચી વાત છે. હા, મહાપુરુષ પાસે જવામાં કશો દોષ નથી. કાંઈ ને કાંઈ શીખવાનું જરૂર મળે છે. પરંતુ ફરવાનો રસ ન લાગવો જોઈએ. માણસ જો સવાર-સાંજ મળી ઓછામાં ઓછા ૨-૩ કલાક સાધનામાં નિયમિત રીતે ગાળે ને દૈવી સંપત્તિના ગુણોને પોતાનામાં ઉતારવાના પ્રયાસની સાથે મહાત્મા પુરુષોનાં જીવન ને ગીતા એવાં પુસ્તકોનું મનન રાખે, તો ભગવાન એવા દયાળુ છે કે તેને જરૂર આગળ માર્ગ બતાવે.
તમારી સાથેના ભાઈ યોગાશ્રમમાં આવે છે તે જાણ્યું. તેમને લગ્ન કરવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તે પણ વાંચ્યું. બ્રહ્મચર્ય એ સૌથી ઉત્તમ માર્ગ છે, ને જેણે ઉત્તમોત્તમ આધ્યાત્મિક વિકાસ કરવો હોય તેણે લગ્નજીવનમાં ઊતરતાં પહેલાં બનતી વધારે વાર વિચાર કરવો જોઈએ. આ એક બાજુ છે. છતાં તે ભાઈને પરિસ્થિતિ પ્રમાણે લગ્ન કરવું પડે તો પણ ગભરાવાની કે હિંમત હારવાની જરૂર નથી. તેમના જેવા સમજુ પુરુષને માટે લગ્નજીવન એ બંધન ના જ બને. તેમનામાં જે જ્ઞાન ને ઈશ્વરપ્રાપ્તિ માટેની અભિરુચિ છે તે તેમને હમેશાં જાગૃત રાખશે ને બીજા ભાનભૂલ્યા સંસારીઓથી જુદા જ કરશે. જેને જ્ઞાન છે તેને સંસારમાં કાંઈ જ નથી. તરવામાં જે પ્રવીણ હોય છે તે તો વારંવાર નદીમાં તરે છે ને સહિસલામત બહાર નીકળે છે. ઈશ્વર પ્રત્યે જેની રુચિ હશે તે તો સ્ત્રીને ભોગ્ય વસ્તુ જ નહિ માને, પરંતુ તેનામાં જગદંબાનું દર્શન કરી તેની પ્રત્યે પવિત્ર દૃષ્ટિ કેળવશે. જે ઈશ્વરને બહાર જોવાનો તેનો પ્રયાસ છે તેને તે સ્ત્રીમાં જ અનુભવશે. ને હરેક કામ કરતાં ક્ષણેક્ષણે તેને યાદ રહેશે કે સ્ત્રી, ધન, પુત્ર તથા બીજી સાંસારિક વસ્તુઓ કરતાં જીવનનું લક્ષ્ય ખૂબ જ ઊંચું છે; ને જે શક્તિની પાછળ સૂર્ય ચંદ્ર ને નક્ષત્રો ફરે છે, જે સુંદર સ્ત્રીઓને ગાલની લાલી ને સૌન્દર્ય પ્રદાન કરે છે, તેમજ ફૂલને સુવાસ આપે છે, તે જ પરમશક્તિ તે પોતે છે, આત્મા છે : આવી અનુભૂતિ એ જ જીવનનું ઈતિ કર્તવ્ય છે. તેને ડરવાનું કામ નથી. તેની રક્ષા ઈશ્વર પોતે કરશે. કેમ કે તે ઈશ્વરને હંમેશા પ્રાર્થના કરશે કે હે પ્રભુ ! તારાં અર્પણ કરેલાં બાહ્ય રૂપનાં બધાંય બંધનમાં મને મુક્તિનું દર્શન કરાવો : મારાં પ્રિયજનોમાં ને મારી આગળ પાછળનાં સૌમાં મને તારું દર્શન કરાવો; ને હે નાથ ! કર્તવ્યની આગમાં મને પરમ વિશુદ્ધ કંચન બનાવો. મને તમારો ને તમારો જ બનાવો. એટલે કોઈ પરિસ્થિતિથી ડરવાનું નથી. ઈશ્વરની ઈચ્છા માની હરેકમાં આનંદવું. ભાઈને મેં પ્રત્યક્ષ જોયા નથી એટલે કોઈ એક નિર્ણય આપી શકાય તેમ નથી.
જે તત્વ ચરાચરમાં વ્યાપકરૂપે રહેલું છે, સુંદર, સત્ય ને શિવ બની તથા તેથી વિકૃતરૂપે પ્રતીત થઈ જે સારાયે જગતમાં છવાયેલું છે; જેને જ્ઞાનીઓ બ્રહ્મ ને ભક્તો ઈશ્વર કહે છે તથા સુફીવાદના પ્રેમી ઓલિયાઓએ જેને પ્રિયતમા માની પુકાર્યું છે, તેને માટે જ જીવન જીવવું જોઈએ. આને અમારી ભાષામાં પ્રેમ કરવો કહે છે. ભાઈ પ્રેમની નગરી મહાન છે. પ્રેમનો યોગ અપાર છે. નેતિ ને ધોતિ તથા પ્રાણાયામની બાહ્ય ક્રિયાઓ તો બચ્ચાંના ખેલ છે. તેથી તે ક્યાંય દૂર-જેટલું ઊંચે આકાશ છે ! આ મહાન નગરીમાં પ્રવેશ તેનો જ થઈ શકે છે જેણે પ્રેમ દેવતાનાં પવિત્ર ચરણોમાં પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કર્યું હોય, પ્રેમના પવિત્ર દેવને માટે જ જેણે જીવનને હોડમાં મૂક્યું હોય, આજીવન તેના જ રહેવાનું નક્કી કર્યું હોય, ને તેના જ નશાથી હૃદયને ભર્યું હોય. એકાદ મીરાં કે એકાદ શબરી, એકાદ જયદેવ કે એકાદ લયલા-મજનુ, એના વિના આ પ્રેમમાર્ગના અધિકારી કોણ છે ? તેમનામાં કેવી અલૌકિકતા હતી ! સાચા પ્રેમને સમજનારા વિરલ જ છે. સાધારણ માણસોનો પ્રેમ ઘણે અંશે શય્યા સાથે જ સંબંધ રાખે છે ! પણ પ્રેમના આ મસ્ત ફકીરોને પોતાના દેહની પણ પરવા ન હતી. ઈન્દ્રિયભોગ ને વિષયવાસનાથી તેમની સ્થિતિ ઘણી ઘણી ઉપર હતી. શું તે વાત કહેવાની છે ? ધ્યાનાદિ કરીને જે ચંચલ મનને વશ કરવું પડે છે તે પ્રેમીને સાધ્ય હોય છે. તેનું મન તો પ્રેમ-મદિરા પીને હંમેશ માટે આવેશમાં જ રહે છે, પૂર્ણ શાંતિ અનુભવે છે. યોગની બાહ્ય ક્રિયાઓ જરૂરી છે પણ તે જ કાંઈ જીવનનું સર્વસ્વ નથી. જ્યાં લગી દૈવી સંપત્તિ આવે નહીં, સત્ય પર શ્રદ્ધા જામે નહીં, ને સારી-નરસી વાસનાઓમાં રમકડા જેમ રમવું પડે, રાગદ્વેષ મટીને વ્યાપક પ્રેમ જાગે નહિ, તેમ જ ચરાચરમાં રહેલા એક જ ઈશ્વરી તત્વનો અનુભવ એ કાયમનો સ્વભાવ બને નહીં ત્યાં લગી જીવનનું લક્ષ્ય ઘણું જ દૂર છે. પ્રેમ વિના કંઈ બનતું નથી. લગન વિના કંઈ સાધ્ય થતું નથી. પ્રેમને જ લગન કહે છે. પ્રેમના ભાવનું એકાદ આંસુ, એકાદ પુકાર, ને તેની એકાદ આહ, ગમે તેવા ઈશ્વરને પણ યુગયુગને માટે બાંધી દેવા સમર્થ છે. નિષ્ઠાનું બીજું નામ પ્રેમ છે. હૃદયના મળ ધોવાઈ જતાં સાચા સ્વરૂપનું દર્શન થાય છે. આ સમયે સારુંયે જગત ઈશ્વરમય લાગે છે. ને અપાર આનંદ થાય છે. આ આનંદાનુભૂતિમાં ને શાંતિની સ્થિતિમાં કાયમ રહેવું તેને જ નિષ્ઠા કહે છે. આ રસમાં તર ને મસ્ત રહેવું એને જ પ્રેમમય રહેવું એમ કહે છે. બંને એક જ વસ્તુ છે.
આજનું તમારું જીવન એ કાંઈ જીવન નથી. રોજના વ્યવહારમાં માણસને જે જૂઠનો આશ્રય લેવો પડે છે, પોતાની જાતને છુપાવવાનો પ્રયાસ કરી જે દંભ કરવો પડે છે, તેમજ વૃત્તિઓના દ્વંદ્વોમાં હીંચકાની જેમ ઝૂલવું પડે છે, તે બધું જોતાં તો તેને મરણની આવૃત્તિ જ કહી શકાય. આ દશા ઘણી જ દયનીય છે. ને વધારે દયા તો ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે એને જ સર્વસ્વ માનવામાં આવે છે.
સાચું જીવન તો ત્યારે જ શરૂ થશે જ્યારે વૃત્તિઓના દ્વંદ્વોમાં રમવાનું બંધ થશે, ને મનુષ્યની સર્વ શક્તિ પ્રેમ, શાંતિ તેમજ જ્ઞાન માટે ને બીજાના કલ્યાણને માટે જ ખર્ચાશે.