ઈશાવાસ્ય ઉપનિષદ
Verse 09
अन्धं तमः प्रविशन्ति येऽविद्यामुपासते ।
ततो भूय इव ते तमो य उ विद्यायाँ रताः ॥९॥
andham tamah pravisanti ye'vidyamupasate ।
tato bhuya iva te tamo ya u vidyayaD ratah ॥ 9॥
વિદ્યા ને અવિદ્યા વિશે
અજ્ઞાનથકી મત્ત બને તે અંધકારમાં અટવાયે,
જે ખાલી વિદ્યા વાચાળો તેથી પણ વધુ દુઃખ પામે. ॥૯॥
અર્થઃ
યે - જે માનવ
અવિદ્યામ્ - અવિદ્યાને
ઉપાસતે - ઉપાસે છે (તે માનવ)
અન્યમ્ - અજ્ઞાન સ્વરૂપ
તમઃ - ઘોર અંધકારમાં
પ્રવિશન્તિ - પ્રવેશે છે
યે - જે
વિદ્યાયામ્ - વિદ્યામાં
રતાઃ - રત છે કે જ્ઞાનના મિથ્યાભિમાનથી મત્ત છે
તે - તે
તતઃ - એથી
ઉ - પણ
ભૂયઃ ઇવ - વધારે
તમઃ - અંધકારમાં (પ્રવેશે છે)
ભાવાર્થઃ
આ શ્લોકનો સૂર અત્યાર સુધીના શ્ર્લોકો કરતાં થોડોક બદલાય છે. ઇશાવાસ્ય ઉપનિષદ જીવન પ્રત્યે અભિમુખ બનવાનું ઉપનિષદ છે. એના આરંભમાં જીવનના મૂળભૂત ધ્યેયનો અને એ ધ્યેયપ્રાપ્તિના વ્યાવહારિક સર્વસામાન્ય સર્વસુલભ સાધનાનો સુપરિચય કરાવવામાં આવ્યો. એ ધ્યેયને પ્રાપ્ત નહિ કરનારી ગતિ વિશે પણ કહેવામાં આવ્યું. અને એ ધ્યેય-સિદ્ધિના સુમેરુ શિખર પર પહોંચેલા સ્વાનુભવસંપન્ન સત્પુરુષના વ્યક્તિત્વનું વિશદ, આછુંપાતળું છતાં રમણીય રેખાચિત્ર રજૂ કરવામાં આવ્યું. પરમાત્માનું વર્ણન કરવાનો પ્રયાસ પણ કરી લેવાયો. હવે વિદ્યા અને અવિદ્યાની ઉપાસના વિશે જણાવવામાં આવે છે. એના અર્થનું સ્પસ્ટીકરણ કરતાં પહેલાં વિદ્યા અને અવિદ્યાના ભાવાર્થને સારી પેઠે સમજી લેવાની આવશ્યકતા છે.
કેટલાક વિચારકોએ વિદ્યાનો અર્થ જ્ઞાન અને અવિદ્યાનો અર્થ કર્મ કર્યો છે. તો કેટલાક બીજા વિચારકો વિદ્યાને ધ્યાન અને અવિદ્યાને કર્મ તરીકે ઓળખાવે છે. આપણે એ શબ્દોને જુદી રીતે સમજવાનો પ્રયાસ કરીશું. વિદ્યા એટલે અધ્યાત્મવિદ્યા, શાસ્ત્રવિદ્યા અને અવિદ્યા એટલે અધ્યાત્મવિદ્યા અથવા શાસ્ત્રવિદ્યા સિવાયની બીજી બધી વિદ્યા, અનાત્મવિદ્યા અથવા લૌકિક વિદ્યા. એ બંને વિદ્યાનાં ક્ષેત્રો પોતપોતાની રીતે કાર્ય કરે છે. જે લૌકિક વિદ્યા અથવા અનાત્મવિદ્યાને જ જીવનનું સારસર્વસ્વ સમજે છે અને એના સિવાયની બીજી કોઇપણ અધ્યાત્મવિદ્યામાં અભિરુચિ નથી રાખતા. અધ્યાત્મવિદ્યામાં માનતા પણ નથી, એ ઘોર અંધકારમાં રમે છે, જીવનને બરબાદ કરે છે ને દુઃખી બનાવે છે. અનાત્મ પદાર્થો કે વિષયો જીવનનું આત્યંતિક શ્રેય નથી સાધી શકતા. લૌકિક વિદ્યાઓ છે તો સારી, પરંતુ એકલી લૌકિક વિદ્યાઓની ઉપાસના જીવનનું-વ્યક્તિ કે સમષ્ટિનું પરમ કલ્યાણ નથી કરી શકતી. એમને લીધે જીવનમાં પરમાત્માના પરમપ્રકાશનું દર્શન નથી થઇ શકતું.
પરંતુ જો અધ્યાત્મવિદ્યા પણ જો શાસ્ત્રાધ્યયન અને શાસ્ત્રજ્ઞાન પૂરતી જ મર્યાદિત હોય અને બીજી બધી જ લૌકિક વિદ્યાઓની અવજ્ઞા કરવાનું શીખવતી હોય અથવા એમને અનાવશ્યક અને અનુપયોગી કહી બતાવતી હોય તો ? તો એથી પણ જોઇએ તેવો વિશેષ હેતુ ના સરી શકે. વિદ્યા અપરોક્ષ ના હોય અને પરોક્ષ જ હોય તો એની આસક્તિ પણ માનવને આત્માના અલૌકિક આલોકમાં પ્રવેશાવીને જીવનમુક્તિના વાસ્તવિક આનંદથી કૃતાર્થ ના કરી શકે. પરોક્ષ જ્ઞાન અથવા શાસ્ત્રજ્ઞાનમાં મગ્ન કેટલીકવાર અહંતા તથા મમતાનો શિકાર બનીને ક્ષુલ્લક રાગદ્વેષો તથા પૂર્વગ્રહોમાં સપડાઇ જાય છે. એ બાહ્ય પાંડિત્ય અથવા બૌદ્ધિક પ્રતિભાના, તર્કવિતર્કના સ્થૂળ કુંડાળામાંથી બહાર નથી નિકળી શકતો. જીવનભર એમાં જ રમ્યા કરે છે. અપરોક્ષ અનૂભુતિના પાવન પ્રદેશમાં નથી પ્રવેશતો. એથી અધિક અંધકાર બીજો ક્યો હોઇ શકે ? એથી વિશેષ દયનીય કરુણ દશા બીજી ક્યી હોઇ શકે ? આત્મવિદ્યાના મહિમાને સમજતા કે જાણતા જ નથી એમની વાત તો જુદી છે, પરંતુ જે જાણે કે સમજે છે એ પણ જ્ઞાનનો જીવનના વિકાસને માટે સમ્યક્ વિનિયોગ ના કરી શકે તો એમના જેવા અભાગી અથવા અજ્ઞ બીજા કોણ ? એ જો બીજી લૌકિક વિદ્યાઓને તિરસ્કારે કે વૈરાગ્ય, ધર્મ, તત્વજ્ઞાન કે સાધનાને નામે નિતાંત અનાવશ્યક માને-મનાવે તો તેમાં તેમની ભૂલ થાય છે.
જીવનમાં સઘળી વિદ્યાઓ પોતપોતાની રીતે આવશ્યક છે એવું સમજીને એમનું એમની આગવી રીતે મૂલ્યાંકન કરવું જોઇએ. જીવનને સમગ્ર રીતે જોવાની ને સર્વાંગીણ રીતે વિચાચવાની વૃતિ કે પદ્ધતિ જ બરાબર છે. જીવન અને જગત એકલી આત્મવિદ્યાથી નથી ભરેલું અને લૌકિક વિદ્યાઓથી પણ નથી બનેલું. એ બંને પ્રકારની વિદ્યાઓનો સુભગ સમન્વય જરૂરી છે અને સૌને માટે કલ્યાણકારક છે. એ દ્રષ્ટિએ વિચારતાં આ શ્લોક અત્યંત ઉપયોગી છે.