ઈશાવાસ્ય ઉપનિષદ
Verse 10
अन्यदेवाहुर्विद्ययाऽन्यदाहुरविद्यया ।
इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ॥१०॥
anyadevahurvidyaya'nyadahuravidyaya ।
iti susruma dhiranam ye nastadvichachaksire ॥ 10॥
જ્ઞાનતણું જે ફલ છે તેથી કર્મતણું ફલ જૂદું કહ્યું,
મહાન પુરુષોએ બહુ રીતે શિક્ષણ અમને એનું ધર્યું.
જ્ઞાની પામે વિચાર દ્વારા પરબ્રહ્મમહીં પૂર્ણ સ્થિતિ,
કર્મી સદા અનાસક્ત બની બંધનદુઃખને જાય તરી. ॥૧૦॥
અર્થઃ
વિદ્યયા - જ્ઞાનના યથાર્થ અનુષ્ઠાનથી અથવા વિદ્યાથી
અન્યત્ એવ - બીજું જ ફળ
આહુઃ - કહ્યું છે. (અને)
અવિદ્યયા - અવિદ્યાથી
અન્યત્ - બીજું જ ફળ
આહુઃ - કહી બતાવ્યું છે
ઇતિ - એવી રીતે
ધીરાણામ્ - ધીર પુરુષોનાં
શુશ્રુમ - અમે વચન સાંભળ્યા છે
યે - જેમણે
નઃ - અમને
તત્ - એ વિષયને
વિચચક્ષિરે - સારી પેઠે વ્યાખ્યા દ્વારા સમજાવેલો
ભાવાર્થઃ
આ શ્લોકમાં વિદ્યા અને અવિદ્યાની અલગ અલગ ફળશ્રુતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ ઉલ્લેખ કરતી વખતે ઉલ્લેખ કરનાર પોતાનો અભિપ્રાય આપતી વખતે અત્યંત નમ્રતાપૂર્વક જણાવે છે કે વિદ્યા અને અવિદ્યા વિશે પોતાના વિચારોની રજૂઆત કરનારા મહાપ્રતાપી મહાપુરુષોએ આ પ્રમાણે કહેલું. એ ઉદગારોમાં અંતરની ઉદાત્તતાનું દર્શન થાય છે. એ ઉદગારો વ્યક્તિગત નિરાભિમાનતા, નમ્રતા, નિખાલસતાના સૂચક તો છે જ, પરંતુ સાથે સાથે સંસ્કૃતિના પૂર્વપુરુષો, પરંપરાગત આદર્શો, સત્યનિષ્ઠ સિદ્ધાંતો અને જીવનવિષયક ઉદાત્ત અભિગમો પ્રત્યેના પરમપવિત્ર પૂજ્યભાવના પણ પરિચાયક છે. ઇશાવાસ્ય ઉપનિષદના પ્રણેતા પ્રજ્ઞાથી પાવન પૂર્વપુરુષોની સગૌરવ સાભાર સ્મૃતિ કરે છે.
પૂર્વપુરુષો અને વર્તમાનકાળમાં વસતા મેઘાવી મહાપુરુષોનાં મંતવ્યોને લક્ષમાં લઇને, એમના પ્રત્યેના પૂર્વગ્રહથી પીડાયા વિના કે પક્ષપાતથી પ્રભાવિત થયા સિવાય અહીં નિઃશંક રીતે જણાવવામાં આવે છે કે વિદ્યાનું અને અવિદ્યાનું ફળ જુદુંજુદું છે. એ બંનેના કાર્યક્ષેત્ર અલગ અલગ છે. એમનાં પ્રયોજન પણ પૃથક છે. એટલા માટે એ બંનેને એક માનીને ના ચાલવું જોઇએ.
એ બંનેની ફળશ્રુતિનો ઉલ્લેખ હવે પછીના શ્લોકમાં વધારે વિશદતાથી, સ્પષ્ટતાપૂર્વક કરવામાં આવ્યો છે.