પ્રશ્ન : આત્માનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર : આત્મા જડ નથી પરંતુ ચેતન સ્વરૂપ છે એ તો સૌ કોઈ જાણે છે. એ ઉપરાંત એ જ્યોતિર્મય ને શુદ્ધ છે. અજ્ઞાનરૂપી અંધકાર એની અંદર બિલકુલ નથી. એ અમૃતમય અથવા અમર છે, સર્વે પ્રકારના વિકારથી રહિત છે, શાંતિ સ્વરૂપ, મંગલતાની મૂર્તિ તથા આનંદમય છે. ઉપનિષદમાં એને અંગુષ્ઠમાત્ર એટલે કે અંગુઠાના પરિમાણનો તેમજ ભૂત, ભાવિ ને વર્તમાનનો જ્ઞાતા પણ કહેવામાં આવ્યો છે. પરંતુ એ એવો જ છે અથવા એટલો જ છે એવું કેવી રીતે કહી શકાય ? સાચી રીતે કહીએ તો આત્માનું કોઈ ચોક્કસ રૂપ નથી. છતાં બધાં એનાં જ રૂપો છે. જેમને સાધના દ્વારા જે રૂપમાં આત્માનો અનુભવ થયો છે તેમણે તે રૂપમાં એનો ઉલ્લેખ કરી બતાવ્યો છે. એ બધાં જ ઉલ્લેખો પોતપોતાની રીતે સાચા છે.
વિશાળ સિંધુનું કોઈ ચોક્કસ રૂપ થોડું છે ? એ તો અરૂપી છે. છતાં પણ એની એક દિશામાં ઊભા રહીને તમે એનો ફોટો લો અને કહો કે આ સિંધુનો ફોટો છે તો તમારું કથન સાચું જ કહેવાય. તેવી જ રીતે બીજી, ત્રીજી તથા ચોથી દિશામાંથી ફોટા લો તો તે ફોટા પણ, જુદા જુદા હોવા છતાં, સિંધુના જ કહેવાય. તો પણ એવો દાવો થોડો જ કરી શકાય કે એ ફોટાઓમાં સમગ્ર સિંધુનું સંપૂર્ણ સ્વરૂપ સમાઈ ગયું છે ? એવો દાવો સ્વીકારે પણ કોણ ? એવા ફોટા તો બીજા પણ કેટલાય લઈ શકાય. આત્માનું પણ એવું જ સમજી લેવાનું છે. એના સ્વરૂપનું અનેક રીતે વર્ણન કરવામાં આવ્યું હોવા છતાં, એ અનંત હોવાથી અનેકગણો મહાન, વિરાટ, ને વર્ણનાતીત છે એવું અવશ્ય કહી શકાય.
પ્રશ્ન : ઈશ્વરની કૃપા માટે એકાંતસેવનની આવશ્યકતા છે ખરી ?
ઉત્તર : એકાંતસેવન જો સમજપૂર્વક, વિકાસના નિશ્ચિત કાર્યક્રમ સાથે, જરૂરી ચિતશુદ્ધિની ભૂમિકા પ્રાપ્ત કર્યા પછી, અનિવાર્ય સાધન તરીકે કરવામાં આવે તો ઈશ્વરની કૃપાની પ્રાપ્તિમાં અત્યંત મહત્વનો ભાગ ભજવી શકે છે. એનો આશ્રય વિવેક તથા વૈરાગ્યથી સંપન્ન સાધકોને માટે અત્યંત આશીર્વાદ રૂપ સાબિત થાય છે.

