Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : તમે કહ્યું કે સખ્ય ભક્તિમાં ભક્ત ભગવાનને પોતાના સખા કે મિત્ર માને છે. તો શું ભગવાનને એવી રીતે પોતાના સખા કે મિત્ર માનવા બરાબર છે ?
ઉત્તર : હા, બરાબર છે. એમાં કશું ખોટું નથી. ભક્તિની એ સાધના પ્રક્રિયામાં મનુષ્ય સ્વભાવનું પ્રતિબિંબ પડે છે. સંસારના મનુષ્યના જે પ્યારા કે મીઠા સંબંધો છે, તેવી જાતના સંબંધોની ભાવના એ ઈશ્વર સાથે પણ કરે છે અને એ સંબંધોને મજબૂત કરીને એમના દ્વારા ઈશ્વરના રસપ્રદાયક, સુખદાયક, સતત સાન્નિધ્યની ઈચ્છા રાખે છે. ભક્ત એ ઈચ્છા રાખીને ભક્તિ કરે એનો અર્થ શું છે ? લાંબા વખતના અભ્યાસને લીધે એના માટે એવી ભાવના છેક સ્વાભાવિક બની જાય છે. એ ભાવના સંકુચિત નથી હોતી, પરંતુ વિશાળ હોય છે, તે ઉપરાંત, પ્રેમના પવિત્ર સ્વરૂપને ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રમાણમાં પ્રકટાવનારી હોય છે. એટલા માટે બાધક નહિ પરંતુ સાધક અથવા શ્રેયકર થાય છે. આધ્યાત્મિક વિકાસ માટેના સાધનામાર્ગની કોઈ ભાવનાનો તમારે તિરસ્કાર નથી કરવાનો. કોઈ ભાવના નિતાંત ખરાબ છે અને એથી વર્જ્ય છે, એમ પણ નથી માનવાનું. ફક્ત તે ભાવનાઓ મનુષ્યના હૃદયની એક સહજ ભાવના તરીકે સ્વીકારી લઈને તેને ઉન્નત કરવાનો તથા સાનુકૂળ બનાવવાનો પ્રયાસ કરવાનો છે. એમ કરવાથી જીવન ઉર્ધ્વગામી બની શકે છે. એવો ભક્તિ માર્ગના આચાર્યોનો અભિપ્રાય છે અને એમાં શંકા રાખવાનું કોઈ કારણ નથી.

પ્રશ્ન : દાસ્ય અને સખ્ય ભક્તિનો આધાર સૌએ લેવો જ જોઈએ કે તે વિના પણ ભક્તિ થઈ શકે ?
ઉત્તર : સૌએ એટલે કે ભક્તિમાર્ગ બધા પ્રવાસીઓએ એનો આધાર લેવો જ જોઈએ એવું નથી સમજવાનું. એ સંબંધમાં કોઈ એકસરખો સર્વસામાન્ય નિયમ નથી પ્રવર્તતો. એ તો પોતપોતાની ઈચ્છા, પસંદગી, કે રૂચિનો પ્રશ્ન છે. જેને એ પ્રકારની ભક્તિનો આધાર લેવો હોય તે લઈ શકે છે. એમાં કોઈ જાતની બળજબરી કે કોઈ પ્રકારના દબાણને સ્થાન નથી. જેને એનો આધાર લેવાની આવશ્યકતા ન જણાય, તે એનો આધાર લીધા વિના પણ આગળ વધી શકે છે. તમે શેનો આધાર લો છો તે એટલું બધું મહત્વનું નથી, જેટલું તમે એ આધાર દ્વારા આગળ વધો છો કે નહિ તે છે. આગળ વધવાનું મહત્વ સાધનામાં સૌથી વિશેષ છે. એટલે કોઈપણ ઉદાત્ત કે સાત્વિક ભાવના જો તે તમારો વિકાસ કરવામાં અગત્યનો ફાળો આપતી હોય, તો, તમે તેનો આધાર લઈ શકો છો. યાદ રાખો કે ભક્તિમાર્ગની આ ભાવનાઓ મરજિયાત હોવા છતાં, હૃદયને ઈશ્વરી પ્રેમથી વધારે સભર બનાવવા માટે છે, અને આખરે ઈશ્વરના સાક્ષાત્કારથી જીવનને કૃતાર્થ કરવા કાજે છે. આ અગત્યની વાત જો ભૂલાઈ જશે તો ભારે નુકસાન થશે. ભક્ત કેવળ ભાવમાં જ અટવાતો ને રમતો થઈ જશે, તો એ ભાવની સંસિદ્ધિ નહિ કરી શકે. ભાવની કિંમત ઘણી છે. પરંતુ ઈશ્વરના સાક્ષાત્કારની કિંમત એથી પણ વિશેષ છે, એ યાદ રાખવાનું છે.

પ્રશ્ન : સખ્ય ભક્તિનો આધાર લેનાર પોતાને ઈશ્વરની બરાબરીયો માની લે એવો ભય ખરો ? ઈશ્વરને પોતાના મિત્ર માનનારા ઈશ્વરના વિશેષ મહિમાને સમજી શકે ખરો ?
ઉત્તર : જરૂર સમજી શકે. ઈશ્વરની સખાભાવે ભક્તિ કરનાર કંઈ પોતાને ઈશ્વર નથી માની લેતો. એવું માને તો તો ભક્તિ કરી શકાય જ નહિ. ઈશ્વર પોતાના કરતાં સવિશેષ કે શ્રેષ્ઠ છે એમ સમજીને જ ભક્ત ભક્તિ કરે છે એટલે તમે કહો છો તેવો ભય રાખવાની જરૂર નથી. તમે જાણો છો કે બે મિત્રો વચ્ચે પણ સંસારમાં બધી રીતે સમાનતા નથી હોતી છતાં તેમની મિત્રતા ટકે છે ને વધે છે. ભક્તના સંબંધમાં પણ એવું જ સમજી લેવાનું છે. સખ્ય ભક્તિ કરવાથી એ પોતાને ઈશ્વરતુલ્ય નથી માની લેતો, કદાપિ નહિ.