if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન : પ્રેમને બાહ્યાચારની જરૂર ખરી ? મારો પ્રશ્ન ભક્તિની દ્રષ્ટિએ છે.
ઉત્તર : ઘણીવાર પ્રેમને પ્રકટ કરવા બાહ્યાચારની જરૂર પડે છે. ભક્ત કે ઉપાસકની અંદર પ્રભુ માટેનો જે પ્રેમ છે, તેને પ્રકટ કરવા પ્રેમી બાહ્યાચારનો આધાર લે છે. જેમ કે પૂજા, આરતી, શણગાર, કીર્તન વિગેરે. પણ પ્રેમ હોય ત્યાં બાહ્યાચાર હોવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી. પ્રેમની સફળતા પ્રભુના દર્શનમાં કે પ્રભુની પ્રાપ્તિમાં જ છે. એટલે પ્રેમ દ્વારા પ્રભુદર્શન કરવા તરફ જ પ્રેમી કે ભક્તનું ધ્યાન હોવું જોઈએ.

પૂજાની બાહ્ય વિધિઓ પ્રભુપ્રેમને ગાઢ બનાવવાનું સાધન છે એ વાત કદી ભૂલવાની નથી. આ વાત ભૂલવામાં સાધકની આત્મહત્યા રહેલી છે. માણસ આ વાત ભૂલી જાય છે ત્યારે તે પરમ પ્રેમ જગાવી પ્રભુપ્રાપ્તિ કરવાનું ભૂલી જાય છે, ને મૂર્તિને કેવા શણગાર કરવા, કેવા કેવા ભોગ ધરવા ને કેવી પૂજા કરવી એવા એવા રાજસી વિચારોમાં જ ડૂબી જાય છે. પૂજાની બાહ્ય વિધિઓ દ્વારા માણસે પ્રેમનો ઉદય કરવાનો છે. આ પ્રેમ જાગશે ત્યારે કેવી દશા થશે તે જાણો છો ? પ્રભુને પ્રત્યક્ષ જોયા વિના તમને એક ક્ષણ પણ ચેન નહીં પડે. પ્રભુને મળવા તમારો પ્રાણ છટપટાશે. તમારું મન આતુર બનશે. વિરહના ભાવમાં આંખમાંથી આંસુ વહેશે, લોહીમાં 'પ્રભુ પ્રભુ’નો ધડકાર થશે, ને હૃદયના ધબકારની સાથે પ્રભુને માટેની માગણીના પડઘા પડશે. આંખમાં, વાણીમાં વર્તનમાં બધે જ પ્રભુની આસક્તિનો પરિચય મળશે, ને પ્રભુની પ્રીત ક્ષણેક્ષણે પ્રભુના દર્શનને માટે વ્યાકુળ કરી દેશે. આ વખતે બાહ્યાચારને પૂજાની બાહ્યવિધિ સૂકા પાંદડાની જેમ ખરી પડશે. ફુલ ક્યાંથી તોડશો ? જ્યાં તોડવા જશો ત્યાં જ જણાશે કે પ્રભુના વિરાટ દેહ પર તે જ્યાં છે ત્યાં એક અલંકાર થઈને લાગેલું જ છે. પછી તેને શા માટે તોડવું ? રાત-દિવસ આહ ને આંસુનાં ફૂલ લઈ ગોપી ને મીરાંની જેમ તમે પ્રભુની પૂજા કરશો, ને પ્રભુ વિના એકલવાયા થઈ જગતમાં જીવશો. આ પછી તમને પ્રભુ દર્શન થઈ જશે. બાહ્યવિધિ ને આચાર આ ઉદ્દેશને માટે જ છે એ ભુલવાનું નથી. નવધા ભક્તિ કે બાહ્ય ક્રિયાઓ સાધન છે, ને પ્રભુ જ એક સાધ્ય છે એ યાદ રાખવામાં જ શ્રેય રહેલું છે. સાધક આ ના ભૂલે.

પ્રશ્ન : મરેલા માણસ પાછળ કૂટવામાં તમે માનો છો ?
ઉત્તર : બિલકુલ નહીં. જેને પ્રેમ છે તે હૃદયમાં કે બહાર રોશે. પણ કૂટવું ને તે પણ સામૂહિક રીતે એ તો જરાય સારું નથી. તે પ્રથાનો અંત આવવો જોઈએ. તેને બદલે ધીરજપૂર્વક મનમાં યા પ્રકટ રીતે હરિ નામનું સંકીર્તન કરવું જોઈએ.

કૂટવાનું કોને માટે છે ? માણસે કૂટવું હોય તો એકલો પડે ત્યારે પોતાને માટે જ કૂટવાનું છે. જે ઈશ્વરને મેળવવા પોતાનો જન્મ છે તે ઈશ્વરથી પોતે દૂર ને દૂર રહ્યો છે. જગતમાં મૃત્યુ, ઘડપણ, રોગ જેવાં હૃદય હલાવી નાખનારા દ્રશ્યો જુએ છે, તો પણ જીવનની નિસ્સારતા સમજી ધર્મ, નીતિ કે આધ્યાત્મિકતામાં પ્રવૃત્ત થતો નથી, બલ્કે વધારે ને વધારે કુટિલ, અનીતિમાન ને જડ થતો જાય છે. ઈન્દ્રિય સુખને જ સર્વ કાંઈ સમજી સુખના ભંડાર એવા પરમાત્માને મેળવવા તે આતુર બનતો નથી. ખાવું પીવું, ભોગ ભોગવવા ને એક દિવસ આકસ્મિક રીતે આ સંસારમાંથી વિદાય થઈ જવું, એ વિના વધારે ભાગના લોકોનો કોઈ આત્મવિકાસનો આદર્શ નથી. આ બધું દૂર કરવા માણસે રડવાનું ને ઈશ્વરને પ્રાર્થવાનું  છે. કૂટવાનો લ્હાવો લેવો હોય તો પોતાને માટે પશ્ચાતાપ કરી, કરેલાં કુકર્મની શિક્ષારૂપે કૂટવાનું છે. એને બદલે માણસ બીજાને માટે ને બતાવવા ખાતર રડે છે ને કૂટે છે. એથી કાંઈ યમના દૂત પોતાની ફરજ મૂકી દેવાના નથી. મરેલા માણસને એથી કાંઈ લાભ પણ નથી. કુટવાથી કેટલીય સ્ત્રીઓને છાતીના રોગ થાય છે તે નફામાં. બીજી ચતુર ને ટેવાયેલી સ્ત્રીઓ તો કૂટતી વખતે ખૂબ જ સંભાળીને છાતીએ હાથ પછાડે છે. આ પ્રથાનો અંત આણવો જોઈએ. તેને બદલે મરનારના સંબંધીને આશ્વાસન આપવા ભેગા મળવાની, હરિસ્મરણ કરવાની, તેમ જ સારું વાચન કરી અથવા બીજી રીતે મૃત્યુ દ્વારા બોધપાઠ લેવાની પ્રથા શરૂ થવી જોઈએ.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.