Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : અત્યારે તો બધે કલિયુગનો વિસ્તાર છે. ધર્મ, નીતિ, બધું જાળવવું ખૂબ જ કઠિન છે. આ બધો યુગનો પ્રભાવ જ છે ને ?
ઉત્તર : યુગનો પ્રભાવ છે એ માનવા માટે ઠીક છે. પણ આજે તો માણસ અધર્મ કરે છે, અસત્યને માર્ગે ચાલે છે ને કહે છે કે એમાં અમારો શો વાંક ? આ બધો કલિયુગનો જ પ્રભાવ છે ! કલિયુગના નામની ઓથે આમ દુષ્કર્મ કરવા એ ઠીક નથી. આ યુગમાં પણ માણસ ઈશ્વર પરાયણ થઈ શકે છે, તપવ્રત કરી શકે છે, નીતિ જાળવી શકે છે. એ વાત સંતપુરૂષો તેમ જ આજે પણ જે નીતિમાન પુરૂષો છે તેમના જીવનથી જાણી શકાય છે. એટલે મુખ્ય વસ્તુ માનવનું મન છે. તે સુધારવું કે બગાડવું માણસના હાથની વાત છે. તે સુધરતા સત્યયુગ ને તે બગડતાં કલિયુગ થઈ જાય છે.

પ્રશ્ન : તો પછી માણસે આવા વિરોધી વાતાવરણમાં કેવી રીતે રહેવું ?
ઉત્તર : વાતાવરણ વિરોધી હોય કે ના હોય, માણસે પોતાનો સ્વાર્થ સાધી જ લેવાનો છે. મતલબ કે માણસે ધર્મ ને નીતિને જીવનમાં ઉતારીને ઈશ્વરપરાયણ થવાનું છે. આ કાંઈ અઘરૂં નથી. માણસ મોતનો સામનો કરીને સિંહ, વાઘ જેવા ભયંકર પ્રાણીઓનો શિકાર કરે છે. રાક્ષસ જેવો બનીને યુદ્ધમાં લડે છે ને સંસારમાં રાતદિન દોડાદોડ કરે છે. આ જ પ્રમાણે મનને મારી જો પુરૂષાર્થ કરે તો માણસ નીતિપરાયણ થઈ આત્મશાંતિ મેળવી શકે છે.

જ્યારે હનુમાનજી લંકામાં ગયા ત્યારે રાવણના મહેલની પાસે તેમણે એક મહેલ જોયો. તેમાંથી 'રામ રામ’નો ધ્વનિ થતો હતો. હનુમાનજીને થયું કે રાક્ષસોની નગરી લંકામાં આ રામનો ધ્વનિ ક્યાંથી ? તે બ્રાહ્મણનું રૂપ લઈ મહેલમાં ગયા. મહેલની બહાર તુલસીક્યારો હતો. તેમજ 'રામ રામ’ લખેલું હતું. અંતે હનુમાનજીને ત્યાં વિભીષણનો મેળાપ થયો. હનુમાન વિભીષણને રામભક્ત જાણી પ્રસન્ન થયા. ને તેમને પોતાનો પરિચય આપ્યો. પછી તો પૂછવું જ શું ? 'મારા પર કૃપા કરી રામચંદ્રજીએ મને પોતાના ભક્તના દર્શન કરાવ્યાં,’ એમ આનંદમાં આવી જઈ વિભીષણ હનુમાનજી સાથે વિનય કરવા માંડ્યા. પછી હનુમાનજીએ વિભીષણને પૂછ્યું, 'આ તો રાક્ષસોની નગરી છે. તમે અહીં  કેવી રીતે રહી શકો છો ?’ વિભીષણે કહ્યું, ' દાતની વચ્ચે જેમ જીભ રહે છે તે પ્રમાણે હું અહીં રહું છું.’

આ જવાબ પરથી આપણે ખૂબ વિચાર કરવાનો છે ને વિભીષણની જેમ જ આ સંસારમાં પ્રતિકુળ વાતાવરણમાં સાચે માર્ગે વિકાસ કરવાનો છે. આપણી નિષ્ઠા સાચી હશે તો પ્રભુ આપણા પર કૃપા કરશે, આપણને અપનાવશે.
 

પ્રશ્ન : સંત તુલસીદાસે રામાયણમાં કલિયુગની એક વિશેષતા બતાવતાં કહ્યું છે કે કલિયુગમાં 'માનસ પુણ્ય હોહિ નહિ પાપા’ એટલે કે કલિકાળમાં મનથી જે પુણ્ય કરવામાં આવે તેનું ફળ મળે છે, પરંતુ મનથી કરાતાં પાપની ગણતરી નથી થતી કે નોંધ નથી લેવાતી, તો એ વચનોનો શો ભાવ છે ?
ઉત્તર : એમનો ભાવ તો સ્પષ્ટ જ છે. તુલસીદાસજી કહેવા માગે છે કે આ યુગમાં મનથી કરાતું પુણ્યકર્મ ફળે છે. એટલે કે ધારો કે કોઈ દીન દુઃખીને જોઈને મનમાં તમને એકાએક દયા, કરૂણા કે સેવાની ભાવના થઈ આવી. છતાં પણ તે ભાવનાનો અમલ કરવા માટેની શક્તિ કે સામગ્રી તમારી પાસે ન હોય તો પણ તે ભાવનાનું શુભ ફળ તમને મળવાનું જ. પરંતુ એથી ઊલટું, મનમાં કોઈ પાપવિચાર પેદા થાય તો તેનું કુફળ નહિ મળે કે તેની ગણતરી નહિ થાય.

પ્રશ્ન : એનો અર્થ એવો ખરો કે મનથી પાપ કરવાની છૂટ છે ?
ઉત્તર : એનો અર્થ એવો નથી થતો. સૌથી ઉત્તમ અથવા આદર્શ દ્રશ્ય તો એ જ છે કે તનથી તો ખરાબ કામ થાય જ નહિ, પરંતુ મનમાં પણ બુરો વિચાર કે ભાવ ન ઊઠે. આચાર અને વિચાર બંને મંગલ હોય એથી વિશેષ રૂડું બીજું કાંઈ જ નથી. છતાં પણ આચાર અને વિચારની એવી શુદ્ધિ કોઈ કારણથી શક્ય ન હોય તો પણ, જે અશુભ વિચાર મનમાં ઉત્પન્ન થાય તે બહાર નીકળીને આચરણમાં અનુવાદિત ન થાય એટલી શક્તિ કેળવી લેવાની જરૂર છે. એટલી શક્તિ મેળવી લેવાય તો પણ ઘણું ઉપકારક કામ થઈ જાય. આજે તો સામાન્ય રીતે માણસની દશા એવી છે કે, મનમાં ઉત્પન્ન થયેલો વિચાર આચારમાં ક્યારે આકાર પામે છે તેની તેને ખબર પણ નથી પડતી. પછી તે વિચારનું સંશોધન કરવાનો કે તેનો સંયમ કરવાનો તો અવકાશ જ ક્યાં રહે છે ?