Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : બે વરસ પહેલાં મારા સદ્ ગુરૂનું મૃત્યુ થયું છે ત્યારથી મારા શોકનો પાર નથી. મારો બધો જ રસકસ ઊડી ગયો છે. મારા ગુરૂ હતા ત્યારે સમય પર જરૂર પડતાં હું એમની પાસે પહોંચી જતો અને એમનું માર્ગદર્શન મેળવતો. એ લાભથી વંચિત થવાથી હવે હું દુઃખી છું. મારે શું કરવું ? કોઈ બીજા ગુરૂ કરી લેવા જોઈએ ?
ઉત્તર : તમારા ગુરૂને મરેલા શા માટે માનો છો ?

પ્રશ્ન : એમાં મારા માનવા કે ના માનવાનો સવાલ નથી. એમનું મૃત્યુ એક હકીકત છે એની અનેકને ખબર છે.
ઉત્તર : ગુરૂ કદી મરતા નથી હોતા. સ્થૂલ શરીરથી એ કદાચ વિદાય લે અને બીજું સ્વરૂપ ધારણ કરે તો પણ એમનો સર્વ નાશ નથી થઈ શકતો. એ આત્મારૂપે અમર હોય છે અને કાર્ય કરે છે. એ અર્થમાં હું કહું છું કે એમનું મૃત્યુ નથી થયું. તમે જો એ સત્યને સમજી લો તો તમને શોક નહિ થાય. એમના અસ્તિત્વનો અને અનુગ્રહનો અનુભવ તમે આજે પણ કરી શકો છો.

પ્રશ્ન : ગુરૂએ શરીર છોડી દીધું હોય તો પણ એ પોતાના શિષ્યો પર અનુગ્રહ કરી શકે ?
ઉત્તર : જરૂર કરી શકે. અનુગ્રહ એકલા સ્થૂલ શરીરથી નથી થતો, સૂક્ષ્મ શરીરથી પણ થતો હોય છે. મહત્વની વાત એ છે કે તમારી તેમનાં પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિ મરી છે કે નથી મરી. જો તમે એમને આજે પણ પહેલા જેવા જ પ્રેમ અને વિશ્વાસથી યાદ કરતા હો તો તેમને માટે શોક કરવાની આવશ્યકતા નહિ રહે. તેમનું માર્ગદર્શન તમે આજે પણ મેળવી શકો છો. એ તમારા સમસ્ત જીવન પર પ્રેમપૂર્વક ધ્યાન રાખે છે,  એવા પ્રબળ વિશ્વાસથી આગળ વધો તો તમને એમનો લાભ કાયમને માટે મળતો રહેશે અને બીજા ગુરૂ કરવાનો વિચાર નકામો લાગશે. તમારા જીવનમાં નવો રસ પેદા થશે અને તમને નવી પ્રેરણા સાંપડશે. ગુરૂ તમને તમારી પાસે જ લાગશે.

પ્રશ્ન : (એક જિજ્ઞાસુ) આપના દર્શન કર્યાં અને પ્રવચનો સાંભળ્યા ત્યારથી આપને ગુરૂ માનું છું અને આપની પાસે રીતસરની ગુરૂદીક્ષા માટેની મને તીવ્ર ઈચ્છા છે. તો આપ મને તે રીતે શિષ્ય તરીકે સ્વીકારો એવી મારી પ્રાર્થના છે.
ઉત્તર : હું કોઈનો ગુરૂ બની શકતો નથી. મારામાં એવી યોગ્યતા પણ નથી જોતો. બીજાની સાથે ગુરૂ-શિષ્ય જેવું મારે કશું નથી. કોઈને રીતસરની દીક્ષા હું આપતો નથી. છતાં કોઈ મારા પ્રત્યે મનમાં ગુરૂભાવ રાખે અને એવા ભાવથી એને લાભ થતો હોય તો તેમાં મને કોઈ હરકત નથી. કોઈ મંત્ર માગે તો તેની પ્રકૃતિ ને રૂચી જોઈને હું મંત્ર સૂચિત કરું છું. મનમાં મારા પ્રત્યે ગુરૂભાવ રાખીને કોઈ પ્રગતિ કરી શકતું હોય તો મને શી હરકત હોઈ શકે ? કોઈ મને પોતાના સાધના માર્ગની મુશ્કેલીઓનું નિરાકરણ પૂછે તો તેનો ઉકેલ હું મારી સમજશક્તિ અને અનુભૂતિના આધાર પર આપતો રહું છું.

પ્રશ્ન : મારે ગુરૂદીક્ષા લેવાનું જરૂરી છે ખરું ?
ઉત્તર : તેનો નિર્ણય તમારે કરવાનો છે. હું ના કહી શકું.

પ્રશ્ન : કોઈ બાહ્યગુરૂ પાસેથી દીક્ષા ના લીધી હોય તો પણ આત્મવિકાસની સાધનામાં આગળ વધી શકાય ?
ઉત્તર : બહારના ગુરૂની મદદ વગર પણ આત્મવિકાસની સાધનામાં આગળ વધી શકાય છે. પરંતુ તે માટે રમણ મહર્ષિ જેવા મહાત્મા પુરૂષોની પેઠે પૂર્વજન્મના ઘણા પ્રબળ આધ્યાત્મિક સંસ્કારોની આવશ્યકતા રહે છે. તેવા પુરૂષોને પરમાત્મા દોરવણી આપતા રહે છે. બીજા માણસોએ જ્યાં પોતાનું મન માનતું હોય ત્યાં ગુરૂભાવને સ્થાપિત કરીને આગળ વધવાનું રહે છે. ગુરૂભાવને સ્થાપિત કરવા યોગ્ય વ્યક્તિ કોઈ પણ ના લાગતી હોય તો પરમાત્મા પોતે સૌના પરમગુરૂ છે, એવો વિશ્વાસ રાખીને એમની અંદર શ્રદ્ધાભક્તિ ધારણ કરીને પણ આગળ વધી શકાય છે. યોગ્ય અવસર પર જો આવશ્યકતા હોય તો પરમાત્મા પોતે જ સાધકને સુયોગ્ય ગુરૂ મેળવી આપે છે અથવા તો એ પોતે જ માર્ગદર્શક બનીને એને પ્રકાશ અને છેવટે સનાતન શાંતિનો ભોગી બનાવે છે.

પ્રશ્ન : જે મહાત્મા પુરૂષે પોતાના સ્થૂલ શરીરને છોડી દીધું હોય તેમની અંદર ગુરૂભાવ રાખી શકાય કે ના રાખી શકાય ?
ઉત્તર : રાખી શકાય. મહાત્મા પુરૂષોની સત્તા અથવા શક્તિ સૂક્ષ્મ શરીરમાં રહીને કાર્ય કરે છે ને બીજાને મદદ પહોંચાડે છે. એટલે એમની અંદર ગુરૂભાવ રાખવામાં કશી હરકત નથી.

પ્રશ્ન : તે આપણી સમક્ષ પ્રકટ થઈને મંત્ર પ્રદાન કરી શકે કે દીક્ષા આપી શકે ખરા ?
ઉત્તર : હા. તેમની ઈચ્છા હોય તો તે સ્વપ્નમાં, ધ્યાનમાં કે જાગૃતિમાં આપણી સમક્ષ પ્રકટ થઈને મંત્ર તથા દીક્ષા આપી શકે છે અથવા તો એક કે બીજી રીતે પથદર્શન કરે છે. પરંતુ એને માટે આપણી પોતાની તૈયારી ઘણી ઊંચી હોવી જોઈએ.

પ્રશ્ન : ઊંચી એટલે કેવી ?
ઉત્તર : આપણા અંતરમાં એવા પ્રાતઃસ્મરણીય આદર્શ મહાપુરૂષોને માટે પુષ્કળ પ્રેમ હોવો જોઈએ, વિશ્વાસ જોઈએ અને એમની મદદ અથવા એમનું માર્ગદર્શન મેળવવાની તાલાવેલી જોઈએ. એવી તાલાવેલી એકાદ બે દિવસ, મહિના કે વરસો પૂરતી મર્યાદિત બનવાને બદલે સતત હોવી જોઈએ. એવા મહાપુરૂષોની અનુગ્રહ પ્રાપ્તિ માટે એવી યોગ્યતાનું નિર્માણ કરવાનું આવશ્યક છે. જેમણે પણ એવી જરૂરી યોગ્યતા મેળવી છે તે એમનો લાભ મેળવીને પોતાના જીવનને કૃતાર્થ કરી શક્યા છે.

પ્રશ્ન : એવા મહાપુરૂષો આત્મજ્ઞાન આપી શકે ?
ઉત્તર : શા માટે ના આપી શકે ? એમની શક્તિ અસાધારણ હોવાથી એ પોતાની ઈચ્છાનુસાર ગમે તે કરી શકે છે. એ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ફક્ત તમારે કે તેમની કૃપાની કામના રાખનારે તેને અનુકૂળ જીવન જીવવું જોઈએ.