Thursday, September 24, 2020

ચિત્રકૂટની ભૂમિમાં

ચિત્રકૂટ.

ભારતનાં સૌથી સુંદર, કુદરતી સૌન્દર્યસંપન્ન, શાંત કોલાહલરહિત તીર્થસ્થાનોમાંનું એક.

એની સાથે સંકળાયેલી સંતશિરોમણિ તુલસીદાસ મહારાજના જીવનપ્રસંગનો પરોક્ષ પરિચય પ્રદાન કરનારી પેલી ઐતિહાસિક પરંપરાગત કાવ્યપંક્તિ આ રહી :

ચિત્રકૂટકે ઘાટપે ભઈ સંતનકી ભીર,
તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર.

મંદાકિનીના પ્રશાંત સરિતાપ્રવાહથી પવિત્ર અને કામતગિરિને લીધે ચિત્તાકર્ષક એ સ્થળ અતિશય આહલાદક લાગે છે.

એમ થાય છે કે આ સુંદર પવિત્ર સ્થળમાં થોડા દિવસોને માટે રહી જઈએ.

અમારી સાથેનાં સૌને એ સ્થળને નિહાળીને આનંદ થયો. ચિત્રકૂટની એ મારી બીજી યાત્રા. પ્રથમ યાત્રા સરીલાનરેશને ત્યાં એમના આમંત્રણથી અઢાર દિવસનાં ગીતાપ્રવચનોની સુખદ પૂર્ણાહુતિ પછી માતાજી સાથે થયેલી. બીજી વર્તમાન યાત્રા માતાજીના તાજેતરના લીલાસંવરણ પછી એમના અસ્થિવિસર્જન નિમિત્તે ઉદ્દભવેલી. બંને વખતની પરિસ્થિતિ જુદીજુદી હતી. કાળ કાળનું કામ કરે છે. આટલાં વરસોમાં ચિત્રકૂટમાં જ કેટલું બધું પરિવર્તન આવ્યું ? નગરમાં પ્રવેશતાં જ હવે અહીં યાત્રીઓને ઊતરવા માટે ટુરિસ્ટ બંગલો બનેલો અને એની બાજુમાં જ વિશાળ ભોજનાલયના પ્રબંધવાળું જયપુરીયા સ્મૃતિભવન થયેલું. નગરનું નાનકડું બજાર છેક જ સાંકડું હોવાથી એમાં અને મંદાકિનીના મુખ્ય ઘાટ પરનાં મકાનોમાં કોઈ ખાસ ફેરફાર નહોતો દેખાતો.

અત્રિ મુનિના આશ્રમ તરફ જતાં માર્ગમાં આવતા રણછોડદાસજી મહારાજના સ્થાનમાં વિશેષ પરિવર્તન દેખાયું. ત્યાં આજુબાજુની જનતાના લાભાર્થે નેત્રયજ્ઞ ચાલી રહેલો.

અત્રિ મુનિના એકાંત આશ્રમસ્થાનમાં પણ નોંધપાત્ર સુધારાવધારા જોવા મળ્યા. એ સ્થાનમાં પરમહંસ આશ્રમ લખેલું અને એની બાજુમાં ભવ્ય મંદિર થયેલું. સામેની મંદાકિની નદી તથા વનપર્વતો એવાં જ અપરિવર્તનશીલ દેખાયાં. થોડેક દૂર અત્રિઅનસૂયાનું પ્રાચીન સ્થાન હતું. ત્યાંથી કોઈ કાર્યકર્તા કે વ્યવસ્થાપક, બીજા નવા સ્થાનનો એટલે કે પરમહંસ આશ્રમનો આડકતરો છતાં સહેલાઈથી સમજી શકાય એવો ઉલ્લેખ કરીને, માઈક પરથી પ્રવાસીઓની માહિતી માટે જોરશોરથી વારંવાર બોલી રહેલા કે, ‘અત્રિઅનસૂયાનું સાચું મૂળ પ્રાચીન તીર્થસ્થાન એ નથી પરંતુ આ છે. ત્યાં નથી પરંતુ અહીં છે. એ સ્થાન તો બનાવટી છે. ત્યાં બેઠેલા લોકો પ્રપંચ કરીને લોકોની આંખમાં ધૂળ નાખી રહ્યા છે. ઊંધું સમજાવી રહ્યા છે. દુકાનદારી કરે છે. કલિયુગમાં એવા લોભાગુ લોકો ઘણા છે એમનાથી ચેતતા ને દૂર રહેજો. ત્યાં ના જશો. અહીં જ આવજો. સાચું તીર્થસ્થાન અહીં જ છે.’

એ શબ્દો કટુ, કઠોર, વિદ્વેષપૂર્ણ, પ્રહારાત્મક, ઉત્તેજક હતા. પોતે સાચા તીર્થસ્થાનમાં હોવાનો દાવો કરનારા હોવા છતાં તીર્થની અનુકૂળ અસર નીચે નહોતા આવી શક્યા એની પ્રતીતિ કરાવતા. તેઓ રાગદ્વેષથી મુક્ત નહોતા થઈ શક્યા એ વાસ્તવિકતા ઓછી કરુણ નહોતી લાગતી. અત્રિઅનસૂયાને થયે હજારો વરસો વીતી ગયા. એમનાં આશ્રમના સ્થાનવિશેષની આટલાં બધાં વરસો પછી કોઈ ચોક્કસ માહિતી ના હોઈ શકે. એટલે આદર અને અનુમાનના આધાર પર એકાદ-બે સ્મૃતિસ્થળોનું સર્જન થાય એ સમજી શકાય. એવા એકાદ સ્થળ પ્રત્યે વિરોધી વિદ્વેષપૂર્ણ પ્રચાર કરવો ઉચિત કે માનવતાપૂર્ણ ના ગણાય.

એ પ્રચાર સામે પરમહંસ આશ્રમના, અત્રિઅનસૂયાના પ્રથમ તીર્થસ્થાનના સંચાલકો કે કાર્યકર્તાઓ તદ્દન મૂક, અવિચળ, શાંત હતા, એ એમની ગુણવત્તામાં વધારો કરનારું અને એમની મહત્તાને દર્શાવનારું હતું. એમના તરફથી કશો જ પ્રત્યુત્તર આપવામાં નહોતો આવતો, એ હકીકત એમને માટે આદરભાવને ઉપજાવનારી હતી.

વિપરીતતા, વિષમતા, વિદ્વેષની વચ્ચે પણ મનને સ્વસ્થ રાખવાનું, વાણીનો સંયમ કરવાનું કામ કષ્ટસાધ્ય છે. સહેલું નથી જ. એ કામને જે વિદ્વેષરહિત બનીને સમજપૂર્વક કરી શકે તે ધન્યવાદને પાત્ર છે. જે બીજાની સંપત્તિ, સુખશાંતિ, પ્રગતિને જોઈને કે સાંભળીને, વાંચીવિચારીને અકારણ અથવા સકારણ જલે, નિંદક બને તે દયાને પાત્ર.

એવા એવા વિચારો કરતાં અમે પવિત્ર મંદાકિનીમાં સ્નાન કરવાની તૈયારી કરી.

Add comment

Security code
Refresh

Today's Quote

Wealth consists not in having great possessions, but in having few wants.
- Epicurus

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok