Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
यद्वाचाऽनभ्युदितं येन वागभ्युद्यते ।
तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते ॥५॥

yad vachanabhyuditam
yena vag abhyudyate
tad eva brahma tvam viddhi
nedam yad idam upasate

વાણી જેને પ્હોંચે ના, પણ વાણી જેથી બલ પામે,
તે જ બ્રહ્મ છે; નથી નથી તે જેને વાણી બતલાવે. ॥૫॥

અર્થઃ

યત્ - જે
વાચા - વાણી દ્વારા
અનભ્યુદિતમ્ - નથી બતાવવામાં આવ્યા
(અપિ તુ - પરંતુ)
યેન - જેમનાથી
વાક્ - વાણી
અભ્યુદ્યતે - બોલી શકે છે કે જેમની શક્તિથી વક્તા બોલવામાં સમર્થ બને છે.
તત્ - તે
એવ - જ
ત્વમ્ - તું
બ્રહ્મ - બ્રહ્મ છે એવું
વિદ્ધિ - જાણ
ઇદમ્ યત્ - વાણી દ્વારા બતાવવામાં આવનારા જે તત્વને
ઉપાસતે - લોકો ઉપાસે છે
ઇદમ્ - તે
ન - નથી.

ભાવાર્થઃ

પરબ્રહ્મ પરમાત્મા કોણ છે અથવા એમનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે એ વિશે અધિક સ્પષ્ટીકરણ કરતાં અહી કહેવામાં આવે છે કે વાણી એમનું પૂરેપૂરું વર્ણન નથી કરી શકતી. વાણી એમની પાસે પહોંચી શકતી પણ નથી.

શિવમહિમ્નસ્તોત્રમાં પુષ્પદંતે જણાવ્યું છે તે પ્રમાણે સિંધુના ખડિયામાં કાજળકાળા પર્વતની શાહી ભરવામાં આવે, અને એને લઇને પૃથ્વીના કાગળ પર સરસ્વતીદેવી સતત રીતે લખ્યા કરે તોપણ પરમાત્માના પરિપૂર્ણ મહિમાને આલેખી શકે નહી. એમના ગુણ સંપૂર્ણપણે ના ગાઇ શકાય.

વાણી દ્વારા પરમાત્માની પરિપૂર્ણ પ્રાપ્તિ થઇ શકતી નથી. વાણીની મદદથી જે સ્વાધ્યાય, વાદવિવાદ, સંકીર્તનાદિ કરવામાં આવે છે તે પરમાત્માભિમુખ બનવા માટે મદદ કરે છે પરંતુ પરમાત્માના રહસ્યની પરિપૂર્ણ અનુભૂતિ નથી કરાવી શકતાં. પરમાત્માના મહિમાને અનુભવવા માટે તો માનવે વાણીના બધા જ સ્થૂળ અને સુક્ષ્મ વ્યાપારોમાંથી મુક્તિ મેળવીને વાણીથી પર થવું અથવા શાંત બનવું પડે છે.

વાણી પરમાત્માની પરમચેતનાને પ્રકાશી શકતી નથી. એની અંદર એવી શક્તિ નથી, પરંતુ વાણીમાં જે શક્તિનો સંચાર થાય છે તે શક્તિ પરમાત્માની છે; પરમાત્મામાંથી જ પ્રવાહિત થાય છે. એ શક્તિનો આધાર લઇને અંદરની દુનિયામાં આગળ વધવાથી એના ને સૌના મૂળાધાર એવા પરમાત્માની પાસે પહોંચી શકાય છે, જેમની શક્તિને લીધે વાણી વહેતી થાય છે તે પરમાત્મા છે.