Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च ।
यो नस्तद्वेद तद्वेद नो न वेदेति वेद च ॥२॥

naham manye su-vedeti
no na vedeti veda cha
yo nas tad veda tad veda
no na vedeti veda cha

પૂર્ણપણે ના જાણું તેમજ છેક ન જાણું એમ નહીં,
ગજા પ્રમાણે અનુભવ પામું, પરંતુ અનુભવ પૂર્ણ નહીં;
અનુભવ જેને આમ થયો છે તે જ વચન મારાં સમજે,
બ્રહ્મતત્વની પૂર્ણપણે ઉપલબ્ધિ થવી તે દુષ્કર છે. ॥૨॥

અર્થઃ

અહમ્ - હું
સુવેદ - પરમાત્માને સુચારુરૂપે સંપૂર્ણપણે જાણી ગયો છું.
ઇતિ ન મન્યે - એવું નથી માનતો.(અને એને)
ન વેદ - નથી જાણતો
ઇતિ - એવું પણ
નો - નથી સમજતો (કારણ કે)
વેદ ચ - જાણું છું પણ ખરો
નઃ - અમારામાંથી
યઃ - જે કોઇપણ
તત્ - તે બ્રહ્મને
વેદ - જાણે છે.
તત્ - (તે જ) મારા એ ઉદગાર અથવા અભિપ્રાયને
ચ - પણ
વેદ - જાણે છે. (કે)
વેદ - હું જાણું છું (અને એને)
ન વેદ - નથી જાણતો.
ઇતિ - એ બંનેય
નો - નથી

ભાવાર્થઃ

આ શ્લોક આની પહેલાંના શ્લોકના અનુસંધાનમાં આગળ વધે છે. કોઇ પુરુષ ભોજન કરતો હોય એને પૂછવામાં આવે કે 'તેં ભોજન કર્યું ?' તો તે કહે 'હા, ભોજન કર્યું.' તો એનું એ કથન ખોટું કહેવાતું નથી. અને જો એ એવું જણાવે કે હજુ ભોજન નથી કર્યું, તો એણે ભોજનને પૂરું ના કર્યું હોવાથી, એના એ શબ્દો પણ ખોટા નથી કહેવાતા. સરિતામાં સ્નાન કરનારે પૂરેપૂરું સ્નાન ના કર્યું હોય તો, એવું કહે કે સ્નાન કર્યું છે અને નથી પણ કર્યું. એવી રીતે પરમાત્માના સાક્ષાત્કારના સંબંધમાં પણ સમજી લેવાનું છે.

પરમાત્માનો અંતરંગ સાધના દ્વારા પોતાની અંદર સાક્ષાત્કાર કરનાર પણ એમના સંપૂર્ણ સ્વરૂપનો સાક્ષાત્કાર તો નથી જ કરતો. એટલે એ નમ્રતાની ભાષામાં જણાવે છે કે પરમાત્માને હું જાણું છું અને નથી જાણતો પણ. પરમાત્માને જાણવાનું મારું ગજું જ કેટલું છે ? મારી શક્તિ, સાધના અને સમજ પ્રમાણે મેં એમને જાણ્યા છે એટલે પરિપૂર્ણપણે જાણ્યા છે એવો દાવો મારાથી ના કરી શકાય. નાની કે મોટી ડોલ સમુદ્રના પાણીને પોતાની અંદર ભરી લે એટલે સમસ્ત સમુદ્રને પોતાની અંદર સમાવી લેવાનો દાવો કરી શકે ? ના. તો પછી એવું પણ કહી શકાય કે સમુદ્રના પાણીને એણે પોતાની અંદર સમાવ્યું જ નથી ? ના. એવું પણ કહી શકાય નહીં.