શ્રીમદ્ ભાગવત આટલું બધું લોકપ્રિય કેમ છે, તેનાં કેટલાંય કારણો છે. એમાંનુ એક અગત્યનું કારણ એ પણ છે કે એમાં ઉચ્ચ જીવનના આદર્શોને સમાવી લેતી કથાઓ અત્યંત આકર્ષક અને આહ્ લાદક રીતે અંકિત કરવામાં આવી છે. એ કથાઓ માનવહૃદયને સ્પર્શે છે, જાગ્રત કરે છે, અને પ્રેરણાથી ભરી દે છે. પ્રેરણાની એ શક્તિ સનાતન હોવાથી આજે વરસો થયાં તો પણ ભાગવતની અસરકારકતા એવી જ અક્ષય અને એકધારી રહી છે.
આવો, એ કથાઓમાંની એક કથાનું રસપાન કરવા ભાગવતના છઠ્ઠા સ્કંધમાં પહોંચી જઈએ અને એના અંતભાગનું ઊડતું નિરીક્ષણ કરીએ.
દેવતાઓના ઉપર એમના ગુરૂ બૃહસ્પતિની કૃપા હતી ત્યાં સુધી એમની શક્તિ સર્વોચ્ચ રહી, પરંતુ ગુરૂની અવકૃપા થતાં એ અશક્ત બન્યા અને એમને દાનવોએ જીતી લીધા. ગુરૂની અવકૃપા થવાનું કારણ સ્પષ્ટ હતું. એક વાર ગુરૂ બૃહસ્પતિ દેવતાઓની સભામાં આવ્યા ત્યારે ઈન્દ્રાણી સાથે સિંહાસન પર બેઠેલા ઈન્દ્રે ઉભા થઈને એમનું સન્માન ન કર્યું. બૃહસ્પતિ ત્યાંથી કાંઈ પણ બોલ્યા વિના વિદાય થયા. ઈન્દ્રને પોતાના એવા વર્તન માટે પાછળથી પશ્ચાતાપ થયો પરંતુ એ પ્રસંગ પછી એમની શક્તિનો નાશ થતો ગયો, અને છેવટે પોતાના ગુરૂ શુક્રાચાર્યની મદદથી દાનવોએ એમના પર વિજય મેળવ્યો.
પરંતુ દેવતાઓ એમ કાંઈ હિંમત હારે ખરા કે ? એમણે બ્રહ્માના કહેવાથી વિશ્વરૂપને ગુરૂ કર્યા અને એમના માર્ગદર્શન પ્રમાણે ચાલીને દાનવો પર ફરી વિજય મેળવ્યો. પણ વાત એટલેથી જ ના અટકી. વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ દેવતાઓનો મદ ઉતારવા તથા એમને કાબૂમાં રાખવા યજ્ઞકુંડમાં આહુતિ આપીને એક અસુરની ઉત્પત્તિ કરી. એ અસુરનું નામ વૃત્રાસુર પાડ્યું.
વૃત્રાસુરનો દેખાવ અતિશય ભયંકર હતો. તેમ જ એનું સામર્થ્ય પણ અત્યંત વિશાળ હતું. દેવતાઓ એની સામે ટકી ન શક્યા એટલે ઈન્દ્રે બ્રહ્માનું શરણ લીધું. બ્રહ્માએ પ્રસન્ન થઈને ઈન્દ્રને ઉપાય બતાવ્યો કે દધીચિ ઋષિના શરીરના હાડકાનું જો વજ્ર બનાવવામાં આવે તો તે વજ્રથી વૃત્રાસરનો નાશ થઈ શકશે. બીજી કોઈયે રીતે વૃત્રાસરનો નાશ નથી થઈ શકવાનો. તમે દધીચિ ઋષિને જઈને પ્રાર્થના કરો તો તમારી પ્રાર્થનાને લક્ષમાં લઈને લોકકલ્યાણને માટે તમારી માગણી તે જરૂર મંજૂર રાખશે.
દેવતાઓ વિચારમાં પડ્યા. દધીચિ ઋષિ પોતાના શરીરનું સમર્પણ કરવા તૈયાર થશે ખરા ? એમને શંકા થઈ.
છતાં પણ એ દધીચિ મુનિ પાસે જઈ પહોંચ્યા. પહોંચ્યા વિના છૂટકો જ ક્યાં હતો ?
દધીચિ ઋષિએ ઈન્દ્રની વાત સાંભળીને સામેથી પૂછ્યું કે 'બ્રહ્માંડમાં એવું કોણ છે જેને પોતાનું શરીર પ્રિય ન હોય ? એવા પ્રિય શરીરનો ત્યાગ કરવાની તૈયારી કોણ બતાવી શકે ?’
ઈન્દ્રે નમ્રતાપૂર્વક કહ્યું : 'પ્રત્યેક શરીરધારીને પોતાનું શરીર પ્રિય છે. એમ કહો કે સૌથી વધારે પ્રિય છે. તો પણ બીજાના હિતને માટે જો કરવો પડે તો એનો ત્યાગ તમારા જેવા કોઈક વિરલ મહાપુરૂષો જ કરી શકે.’
દધીચિ ઋષિએ કહ્યું: 'હું તો તમારા મનોભાવો જાણવા માગતો હતો. બાકી ઈશ્વરની ઈચ્છાનું ઉલ્લંઘન મારાથી નહિ જ કરી શકાય. એમણે ધાર્યું જ છે તો શરીરનો ત્યાગ કરવા હું સસ્મિત તૈયાર છું. તમે મારા મરણધર્મ શરીરનો ઉપયોગ કરીને વૃત્રાસરનો નાશ કરી શકો છો.’
દધીચિ ઋષિએ સમાધિમાં પ્રવેશ કરીને, સાપ જેવી રીતે કાંચળીનો ત્યાગ કરે તેવી સહજ રીતે, પોતાના શરીરનો ત્યાગ કર્યો.
દેવતાઓ અત્યંત હર્ષ પામ્યા.
ઋષિના મૃત શરીરમાંથી એમણે વજ્ર બનાવ્યું. એ વજ્રથી છેવટે ઈન્દ્રે વૃત્રાસરનો નાશ કર્યો.
લોકકલ્યાણને માટેના સ્વાત્મ સમર્પણની કેટલી બધી સુંદર સારગર્ભિત અને અદ્ ભુત કથા શ્રીમદ્ ભાગવતે રજૂ કરી છે ? લોકહિતના પરમ કલ્યાણકારક ભાવથી પ્રેરાઈને, વ્યક્તિએ સમષ્ટિને માટે બુદ્ધિ, વિદ્યા, બળ ને ધન અર્પણ કરવા તો તૈયાર થવું જ જોઈએ, પરંતુ એથી આગળ વધીને જરૂર પડ્યે શરીરનું બલિદાન દેવા પણ તત્પર રહેવું જોઈએ, એ સનાતન સંદેશ આ કથામાં સમાયેલો છે. આ અવનીમાંથી આસુરી તત્વોનો અંત આણવા માટે દૈવી પ્રકૃતિવાળાં તત્વોએ એક થવાનું છે અને પોતાનું સર્વસમર્પણ કરવાનું છે. સંક્ષેપમાં કહીએ તો સૌએ પવિત્ર કર્તવ્યરત, ત્યાગમૂર્તિ દધીચિ બનવાનું છે. તો સંસારની કાયાપલટ થતા ને સંસારને સ્વર્ગીય બનતાં વાર નહિ લાગે.
- શ્રી યોગેશ્વરજી