if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મુંબઈમાં મારાં પ્રવચનો ચાલતાં હતાં, ત્યારે કેટલાંય જિજ્ઞાસુ સ્ત્રીપુરૂષો એનો લાભ લેતાં. એક પાતળાં શરીરની, ગૌર વર્ણની, શ્યામ નેત્રોવાળી યુવાન સ્ત્રી પણ એમાં આવતી.  

એક દિવસ પ્રવચન પૂરું થયા પછી એ સ્ત્રીએ મને કહ્યું, 'મારે તમને તમારા ઉતારા પર એકાંતમાં થોડીક શંકાઓના સમાધાન માટે મળવું છે. તો ટાઈમ આપો.’

મેં તેને મારી અનુકૂળતા પ્રમાણેનો ટાઈમ આપ્યો.

તે ટાઈમે તે આવી પહોંચી.

તે બેનની બે ત્રણ શંકાઓનું મેં મારી રીતે સમાધાન કર્યુ. તેથી તેને સંતોષ થયો.

મેં કહ્યું : 'હવે તમારે બીજું કાંઈ પૂછવાનું ના હોય તો જઈ શકો છો.’

તેણે મંદમંદ સ્મિત કરતાં કહ્યું : 'હું તો જરૂરી કપડાંની થેલી લઈને તમારી સાથે રહેવા આવી છું.’

'મારી સાથે ?’ મેં આશ્ચર્યોદગાર કાઢ્યો.

'હા. તમારી સાથે,’ તે સહેજ પણ સંકોચ વિના બોલી: 'હું ઘેરથી નક્કી કરીને જ આવી છું. તમારી સાથે ખાઈશ, સુઈ રહીશ, ને તમારી બધી રીતે સેવા કરીશ.’

'બધી રીતે એટલે ?'

'તમે ના સમજ્યા ? અમે સ્ત્રીઓ બીજી કઈ રીતે તમારા જેવા સુંદર પુરૂષની સેવા કરી શકીએ તેમ છીએ ? અમારી પાસે યુવાની ને શરીર વિના બીજું છે જ શું ? તે અર્પણ કરી શકીએ. આ યુવાની ને શરીર બીજા શા કામમાં આવે તેમ છે ? એનાથી મેં આજ લગી કેટલાય સંતમહંતોને આનંદ આપ્યો છે. હવે હું તમારી સેવામાં રહેવા માગું છું.’

મને એ સ્ત્રીની ભયંકરતાનું ભાન થયું.

મેં જરા ગંભીરતાથી કહ્યું: 'મારે કોઈની સેવાની જરૂર નથી. તમારો આશય ખરાબ છે. તમે સંત મહંત પાસે જઈને એવું કૃત્સિત કામ કરો છો તે ભારે શરમજનક છે. તમારું જીવન વ્યર્થ વહી રહ્યું છે, બરબાદ બની રહ્યું છે. આટલા વરસોના સત્સંગની તમારા પર કાંઈ જ અસર નથી થઈ. ચેતો ને સુધરો, નહિ તો મનુષ્ય જીવનને આમ જ ખોઈ નાખશો. અહીં તમને ખાવાનું કે રહેવાનું કશું જ નહીં મળી શકે. વળી હું જ બીજાનો મહેમાન છું અને ના હોઉં તો પણ બીજાને રાખી શકું તેમ નથી. ચાલો હવે તમારું કામ પૂરું થયું. હવે વિદાય થાવ નહિ તો દરવાજા પરના ચોકીદારને બોલાવીને ઘટતું કરવું પડશે.’  

ચોકીદારનું નામ સાંભળીને એ સ્ત્રી ઉઠી. જતાં જતાં બોલી: 'તમને જીવનના આનંદની ખબર નથી એટલે જ આ તક ખોઈ રહ્યા છો. છતાં પણ હરકત નહિ. સત્સંગમાં હું રોજ આવું છું. પાછળથી જો વિચાર બદલાય ને ઈચ્છા થાય તો કહેજો. સેવામાં હાજર થઈશ.’

મેં ઊભા થતાં ઉત્તર આપ્યો, 'મારી પાસેથી એવી ઈચ્છા કદી પણ ના રાખશો, અને ઈચ્છું છું કે બીજા કોઈની પાસેથી પણ એવી આશા ના રાખો.’

એ યુવાન સ્ત્રી થેલી લઈને વિદાય થઈ.

મને થયું કે આ સ્ત્રીની હિંમત કેટલી ? એને તો હિંમત કરતાં નફ્ફટાઈ કહીએ તો તે વધારે યોગ્ય થશે. કાચા મનના યુવાન ને વૃદ્ધ સાધકો ને સંતોને માટે આવી સ્ત્રીઓ મોટામાં મોટા જોખમરૂપ છે. એવી સ્ત્રીઓથી એમણે, અને વાસના ભૂખ્યા પુરૂષોથી સાધક સ્ત્રીઓએ, સદાય સાવધાન રહેવાની જરૂર છે. પછી તો બુરા ભાવો ઉઠશે જ નહિ એટલે સાવધાની સ્વાભાવિક બની જશે. હરિનો મારગ છે શૂરાનો - એ સાચું છે. એ શૂરવીરતા બહારની નહિ પણ અંદરની છે.

થોડા દિવસ મારાં પ્રવચનો ચાલુ રહ્યાં ત્યાં સુધી પેલી યુવતી રોજ મળતી. પ્રવચનમાં એ આગલી હરોળમાં બેસતી પણ પછી તેણે સેવાની વાત યાદ ના કરી. કદાચ તે સમજી ગઈ હતી કે, વાત કરવાથી કશું નહિ વળે. મને તુલસીદાસની પેલી પંક્તિ યાદ આવતી હતી:

ज्ञानपंथ कृपाण के धारा पडत अगेश होहि नही वारा ।

જ્ઞાનપંથ તલવારની ધાર જેવો છે. એના પરથી પડતાં ગાફેલ હોય તેને વાર નથી લાગતી.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.