મને મારો ભગવાન જુએ છે

મધ્યયુગનો જમાનો એટલે બાહ્ય રીતે જોતાં આટલો બધો પ્રગતિશીલ જમાનો નહીં. સામાજીક સુધારણાનું ક્ષેત્ર જેવું અને જેટલા પ્રમાણમાં આજે છે તેવું અને તેટલા પ્રમાણમાં તે જમાનામાં વિકસેલું ન હતું. તેમાં વળી રાજસ્થાનનો પ્રદેશ એટલે સામાજિક રીતરિવાજોના પાલનની બાબતમાં ભારે આગ્રહશીલ અથવા તો ચુસ્ત પ્રદેશ. સ્ત્રીઓની બાબતમાં તો ખાસ.

સ્ત્રીઓ એ વખતે આજની જેમ ઈચ્છાનુસાર છૂટથી હરીફરી ન શકતી. ઘરની બહારના વ્યવસાયો પણ ના કરતી. ઘર તથા કુટુંબ જ એમનું કર્તવ્યક્ષેત્ર રહેતું. કેળવણીનો વિકાસ પણ આટલો બધો નહોતો. એટલે કેળવણીની દૃષ્ટિએ પણ સ્ત્રીઓ પછાત હતી.

એમાં મીરાંબાઈ એટલે તો રાજકુટુંબની સ્ત્રી. ભારે મર્યાદામાં રહેનારી અને નિયમો પાળનારી.

મહેલને મૂકીને એ વૃંદાવનવાસ કરવા નીકળી પડી. એના પરથી કલ્પના તો કરો કે એનું હૃદય કેટલું બધું અનેરું, અસાધારણ, અથવા તો જુદી જાતની સામગ્રીમાંથી બનેલું હશે ? એનો વૈરાગ્ય કેટલો દૃઢ હશે, એની સમજશક્તિ કેટલી બધી ઉંચી કોટિની હશે, અને ઈશ્વરને માટેનો એનો પ્રેમ પણ કેટલી બધી પરાકાષ્ઠાએ પહોંચ્યો હશે ! મીરાંબાઈ વૃદ્ધાવસ્થાએ પહોંચેલી ન હતી પરંતુ યુવાનીના ઉંબર ઉપર ઉભેલી યુવતી હતી. સંસારના વિષયોમાં એને તલમાત્ર પણ રસ નહોતો રહ્યો. કેવળ ગિરધર ગોપાલમાં જ એનું મન લાગેલું હતું. મોહનના મુખડાંની માયા એને લાગી ચૂકી હતી. એ મોહનને સાક્ષાત્ કરવા કે મળવા માટે એનું અંતર તલપાપડ બનીને આક્રંદ કરી રહ્યું હતું. ઘરમાં પ્રતિકૂળતા હતી એટલે એનું મન એકદમ ઉપરામ બની ગયું હતું. એટલા માટે તો સાંઢવાળા સાંઢે શણગારજે રે મારે જાવું સો સો રે કોસ’ કહીને એ રાજભવનને છોડીને નીકળી પડી.

મીરાંબાઈની લોકાપવાદ તરફની ઉદાસીનતા, નિર્ભયતા અને હિંમતનો એ પ્રસંગ પરથી ખ્યાલ આવે છે, અને એ ભક્તિમતી સ્ત્રીને માટે આપણા મનમાં માન ઉત્પન્ન થાય છે.

પુરૂષને માટે ત્યાગ કરવાનું અને ત્યાગને નિભાવવાનું કામ કદાચ સહેલું હશે. પરંતુ સ્ત્રીને માટે પ્રમાણમાં મુશ્કેલ છે. એને માટે પોતાની સુરક્ષાનો સવાલ પણ મહત્વનો હોય છે. ત્યાગ કર્યા પછી પણ એના જીવનમાં પાર વિનાના પ્રતિકૂળ પ્રસંગો તથા ભયસ્થાનો આવે છે, અને એમાંથી એણે પસાર થવું પડે છે. એમાંથી પાર ઉતરવા માટે સતત સાવધાની અથવા તો અનવરત આત્મનિરીક્ષણની આવશ્યકતા હોય છે. એવી સાધનાની અને આત્મનિરીક્ષણ વૃત્તિનો અભાવ હોવાથી કેટલાય સ્ત્રીપુરૂષોને મુસીબતમાં મુકાવું પડે છે. તેમાંય જો વૈરાગ્યની ભાવના જ મંદ હોય તો થઈ રહ્યું. જીવનને બરબાદ બનતા કે ભળતા માર્ગે વળી જતાં વાર ના લાગે. એમાં યે વળી મીરાંબાઈ જેવી યુવાન ને સુંદર સ્ત્રીને તો કેટલું બધું સંભાળવું પડે ? એ તો હજારો ને લાખો આંખોનું આકર્ષણ થઈ પડે. લાખો લોકો એના અનુકૂળ દ્રષ્ટિપાતને માટે પડાપડી કરે.

પરંતુ મીરાંબાઈનું ઘડતર જુદું જ હતું. એ કોઈ જુદી જ માટીમાંથી બનેલી હતી.

એ તો પરમાત્માના પરમ ને પ્રખર પ્રેમની તથા પરમાત્માની પ્રતિમા હતી.

એના સંસર્ગમાં આવનારની કાયાપલટ થઈ જતી. એ ઈશ્વરી પ્રેમનો અનુભવ કરતા કે આસ્વાદ મેળવતા.

તો પણ બધા જ માણસોનાં મન કાંઈ એકસરખાં હોય છે ?

માણસે માણસે મતિ પણ ભિન્ન ભિન્ન હોય છે એવું કહેલું છે, તે સાચું છે.

વાત એમ બની કે મીરાંબાઈના રૂપ પર એક માણસ મુગ્ધ કે મોહિત બની ગયો, ને મીરાંબાઈની પાસે આવીને કહેવા માંડ્યો કે તમારું રૂપ જોઈને હું વારી ગયો છું. મારે તમારા શરીરનો ઉપભોગ કરવો છે.

મીરાંએ કહ્યું કે રૂપ તો ચંચલ છે, તથા શરીર પણ ક્ષણભંગુર છે. એમાં મોહિત થવા જેવું છે જ શું ?

છતાં પણ તે માણસ ના માન્યો. તેણે હઠ કરી. ત્યારે મીરાંએ વિચાર કર્યો કે આ માણસ આમ સહેલાઈથી નહિ માને. એને બીજી રીતે સમજાવવો પડશે. કામી માણસ વિવેકની દ્રષ્ટિએ આંધળો હોય છે. એની આંખ અને એના અંતરાત્માની આગળ અજ્ઞાનનું આવરણ છવાઈ જાય છે. એ આવરણ દૂર ના જાય ત્યાં સુધી એ સાચી વાતને વિચારી કે સમજી જ નથી શકતો.

મીરાંબાઈએ એ માણસની આંખ ખોલવા માટે એક બીજો ઉપાય અજમાવવાનો વિચાર કર્યો.

એ કામી માણસને એણે સૂચના કરી કે અમુક દિવસે તું જરૂર આવજે તથા તારી ઈચ્છા પૂરી કરજે.

કામી માણસને તો એટલું જ જોઈતું હતું. એના આનંદનો પાર ના રહ્યો. એ ખુશખુશાલ બની ગયો. એને પોતાનાં પૂર્વનાં પુણ્યો ફળ્યાં લાગ્યાં. મીરાંબાઈનો આભાર માનીને એ વિદાય થયો.

નક્કી કરેલા દિવસે, નક્કી કરેલા સમય પર, એ અત્યંત ઉત્સાહમાં આવી જઈને મીરાંબાઈની પાસે આવી પહોંચ્યો. મીરાંબાઈ એ વખતે કેટલાક લોકો સાથે સત્સંગ કરી રહી હતી.

સત્સંગનો કાર્યક્રમ પૂરો થયા પછી મીરાંએ પેલા માણસને પોતાની મનોકામના પૂરી કરી લેવા કહ્યું, ત્યારે પેલા માણસે ઉત્તર આપ્યો કે અહિં તો બધા લોકો બેઠા છે. તેમની હાજરીમાં આવું કામ થોડું જ થઈ શકે ?

મીરાંએ ગંભીરતાથી કહ્યું કે ભાઈ ! તું આ લોકોથી ડરે છે તો મને પણ મારા ભગવાનનો ભય છે. તે હમેશાં મારી પાસે કે સાથે રહે છે ને મને હરેક ક્ષણે જુએ છે, કે હું તેને વરેલી છું. તો તું વિચાર કર કે તેની હાજરીમાં પણ મારાથી કોઈ કુકર્મ કેવી રીતે થઈ શકે ?

કામી માણસની આંખ ઉઘડી ગઈ. એનો અજ્ઞાન પડદો ખસી ગયો. મોહ મટી ગયો.

મીરાંને પગે પડીને એણે માફી માગી.

સાચા દિલથી બોલાતા શ્રદ્ધાપૂર્વકના સરળ શબ્દો કેટલીય વાર કેવું જાદું કરી દે છે તેનો આ પ્રસંગ એક મહાન દસ્તાવેજી પૂરાવો છે. મીરાંની પાર વિનાની પવિત્રતાનો પડઘો તો તેમાં પડે જ છે. પરંતુ સાથે સાથે ભગવાન પોતાના ભક્ત કે શરણાગતની કેવી સરસ રીતે રક્ષા કરે છે તેનો પરિચય પણ તેમાંથી થઈ રહે છે. પવિત્રતાની રક્ષા અથવા તો ચારિત્ર્યની સાચવણી ઉચ્ચ જીવન જીવવા માટે કેટલી બધી મહત્વની છે તે પાઠ પણ આ નાનાસરખા છતાં કિંમતી અને અસરકારક પ્રસંગમાંથી શીખી શકાય છે.

Add comment

Security code
Refresh

Today's Quote

Happiness is a perfume you cannot pour on others without getting a few drops on yourself.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.