Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

માહિષ્મતી નગરીમાં પ્રવેશ કરતાંવેંત જ શંકરાચાર્યને ત્યાંની સ્ત્રીઓની વિદ્વતાનો પરિચય થયો.

છતાં પણ શંકરાચાર્ય કાંઈ ડગે એવા ન હતા. ડગે તો તે શંકરાચાર્ય શેના ?

શંકરાચાર્ય કાંઈ સાધારણ વિદ્વાન પુરૂષ હતા કે ? એ તો અસાધારણ વિદ્વતાથી સંપન્ન, મેઘાવી મહાપુરૂષ હતા. લોકોત્તર મહાપુરૂષ. યુગોમાં કોઈક જ વાર એવા પ્રતાપી મહાપુરૂષ આ અવની પટ પર અવતરતા હોય છે. લોકહિતને માટે જ એમનું શરીરધારણ હતું. અને એ હેતુને લક્ષમાં લઈને જ, એની પૂર્તિ માટે, એ ભારતવર્ષમાં વિચરણ કરતા હતા.

ભારતવર્ષને ધન્યવાદ છે, કે એની ભૂમિ પર આવા આપ્તકામ ધર્મધુરંધરો પેદા થાય છે. આવા અલૌકિક શક્તિસંપન્ન અવતારી પુરૂષો આવિર્ભાવ પામે છે. આધ્યાત્મિક સંસ્કૃતિના આવા જ્વલંત જ્યોતિર્ધરો જાગ્રત થાય છે. અને પોતાની જ્ઞાનજ્યોતિના પાવન પ્રકાશથી આખીયે અવનીને આલોકિત કરે છે. શંકરાચાર્ય પ્રકટ થયેલા ભારતમાં પરંતુ એ ભારતીય હોવા છતાં, ભારતના નહિ, પરંતુ સમસ્ત સંસારના હતા. એમનું જ્ઞાન સમસ્ત માનવજાતિને માટે પ્રેરણારૂપ હતું.

સ્ત્રીઓની વિદ્વતાને દેખીને એ ડગે જ કેવી રીતે ?

વેદાંત દર્શનના વિચારોમાં સ્નાન કરતા એ આગળ વધ્યા.

માહિષ્મતી નગરીની પનિહારીઓને માટે એમને માન ઉત્પન્ન થયું. પનિહારીઓ પણ કેટલી બધી પાણીવાળી છે ?

થોડીવારમાં તો મંડનમિશ્ર પંડિતનું ઘર આવી પહોંચ્યુ.

ઘરની બહાર, પનિહારીઓના કહ્યા પ્રમાણે પિંજરમાં બેઠેલાં મેનાપોપટ, શુદ્ધ સંસ્કૃત ભાષામાં શાસ્ત્રાર્થ કરતાં હતાં. કેટલો કર્ણમધુર શાસ્ત્રાર્થ !

મંડનમિશ્ર પંડિત એ વખતે શું કરતા હતા તે ખબર છે ?

ઘરનાં દ્વાર બંધ કરીને, ઘરની અંદર યજ્ઞ કરતા હતા.

શંકરાચાર્યને થયું કે ઘર તો બંધ છે. હવે અંદર કેવી રીતે જવું ? બહાર પરિચારક કે બીજું કોઈ તો હતું નહિ. છેવટે યોગવિદ્યાનો આધાર લઈને, પોતાના શરીરને સૂક્ષ્માતિસૂક્ષ્મ કરીને, એમણે ઘરમાં પ્રવેશ કર્યો. શંકરાચાર્ય કેવળ અદ્વૈતવાદી કોરાધાકોર, જ્ઞાની જ ન હતા, પરંતુ સમર્થ યોગી પણ હતા. યોગવિદ્યા પર એમનો સંપૂર્ણ કાબૂ હતો. એ વિદ્યાના પ્રયોગથી, પોતાના શરીરને હલકું ને લઘુ કરીને, ખુલ્લી બારી દ્વારા એમણે ઘરમાં પ્રવેશ કર્યો અને મંડનમિશ્ર પોતાની સ્ત્રી ભારતી સાથે યજ્ઞ કરતા’તા ત્યાં, એમની સામે પાટલા પર આવીને ઊભા રહ્યા. પાટલા પર પાદુકાનો ધ્વનિ થયો એટલે મંડનમિશ્ર ચમક્યા.

શંકરાચાર્યને નિહાળીને આશ્ચર્યચકિત બનીને એમણે પૂછ્યું, કો, મુંડિ ? એટલે કે હે સંન્યાસી, તું કોણ છે ?

શંકરાચાર્યે વ્યંગ કરતાં કહ્યું કે 'આગલાત મુંડિ:’

હે મંડનમિશ્ર ! હું તો ગળાથી માંડીને મસ્તકપર્યંત બધે જ મુંડન કરાવેલો છું.

એ પછી પોતે પોતાના આગમનનું પ્રયોજન કહી બતાવ્યું.

મંડનમિશ્ર પણ કાંઈ શાસ્ત્રાર્થના પ્રસ્તાવથી ડરે તેવા નહોતા. ભારતના એ વખતના પ્રકાંડ પંડિતોમાં એમની ગણના થતી. ભારતભરમાં એ વખણાતા અને એમના હજારો શિષ્યો હતા. શંકરાચાર્યની અને એમની વિચારસરણીમાં ભેદ હતો એટલું જ. શાસ્ત્રાર્થ કરવાની એમણે સંમતિ આપી.

બંનેએ નક્કી કર્યું કે જો શંકરાચાર્યનો શાસ્ત્રાર્થમાં પરાજય થાય, તો શંકરાચાર્યે મંડનમિશ્રના શિષ્ય થઈ ગૃહસ્થાશ્રમ સ્વીકારવો, ને જો મંડનમિશ્ર હારે તો, મંડનમિશ્રે ગૃહત્યાગ કરી શંકરાચાર્યના શિષ્ય થવું.

પરંતુ હારજીતનો નિર્ણય કોણ કરે ? કોઈ મધ્યસ્થી તો જોઈએ ને ?

આખરે મંડનમિશ્રની સ્ત્રી ભારતીએ મધ્યસ્થી થવાનું સ્વીકાર્યુ.

ભારતીએ બંનેના ગળામાં માળા પહોરાવીને કહ્યું કે જેની માળા સૌથી પહેલી કરમાઈ જશે તે હારેલો ગણાશે.

શાસ્ત્રાર્થ દિવસો સુધી ચાલ્યો, અને મંડનમિશ્રના કંઠની માળા છેવટે કરમાઈ ગઈ.

મંડનમિશ્રનો પરાજય થયો એમ શંકરાચાર્યે કહ્યું.

પરંતુ ભારતી બોલી : 'સ્ત્રી પુરૂષની અર્ધાંગિની કહેવાય છે. માટે મંડનમિશ્ર હજુ પૂરેપૂરા નથી હાર્યા. મારી સાથે શાસ્ત્રાર્થ કરીને મને પણ હરાવો ત્યારે જ એ હારેલા ગણાશે.’

શંકરાચાર્યે એ વાતનો સ્વીકાર કર્યો.

પછી તો ભારતીએ કામશાસ્ત્રનો વિષય કાઢીને શંકરાચાર્યને છ મહિનાની મુદત માગવા માટે બાધ્ય કર્યા. છેવટે એ જીત્યા, પણ ભારતીની વિદ્વતા એમને યાદ રહી ગઈ.

ધન્ય નારી ! ભારતમાં જન્મીને તેં કયા ક્ષેત્રમાં તારો વિજય ડંકો નથી વગાડ્યો ? તું નારાયણી છે એ સાચું છે. દેશમાં તારું એ રીતે જ સન્માન થતું. તું પછાત ન હતી. ભારતીય સંસ્કૃતિએ તારું જે રીતે સન્માન કર્યું છે, તે રીતે દુનિયાની બીજી કોઈ સંસ્કૃતિએ નથી કર્યું. વચ્ચે એ વાત ભુલાઈ ગઈ. આજે ફરી જ્યોતિર્મયી થવા માટે જાગ્રત થઈ છે. એ એક શુભ નિશાની છે. તું તારી ફરજ, ને તારા મહામહિમાવાન સ્થાનને પ્રાપ્ત કર, એ જ ઈચ્છું છું. દેશ તારી સેવાની ઈચ્છા રાખે છે. તું તે પૂરી કર.

- શ્રી યોગેશ્વરજી