if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વિદ્યારણ્ય મુનિ. ભારતના સુપ્રસિદ્ધ દર્શનકાર, પ્રતાપી મહાપુરૂષ અને સંત શિરોમણી.

એમના જીવનની એક કથા છે. કથા ભારે પ્રેરણાદાયક છે.

ગૃહસ્થાશ્રમમાં કહે છે કે, ધનપ્રાપ્તિની ઈચ્છાથી પ્રેરાઈને, એમણે કોઈ સંતપુરૂષની સંગતિ કરી.

સંતપુરૂષે ગાયત્રીદેવીનું અનુષ્ઠાન કરવાની સલાહ આપી, ને કહ્યું કે ગાયત્રી દેવીની કૃપા થવાથી ધનલાભ સહેલાઈથી થઈ રહેશે.

વિદ્યારણ્ય મુનિએ અત્યંત ઉત્સાહપૂર્વક, ગુરૂદેવના કહ્યા પ્રમાણે, ગાયત્રીનું વિધિપૂર્વક અનુષ્ઠાન કર્યું.

અનુષ્ઠાનને માટેના બધા જ નિયમો એમણે વિશ્વાસ તથા પ્રેમપૂર્વક પાળ્યા પણ ખરા. પરંતુ દેવીનું દર્શન ન થયું એટલે જરા હતોત્સાહ બની ગયા. છતાં પણ ગુરૂની સૂચનાનુસાર બીજું અનુષ્ઠાન કર્યું.

ત્રીજું કર્યું. પાંચમું કર્યું. એમ ઉપરાઉપરી એકવીસ અનુષ્ઠાન કર્યાં.

એકેક અનુષ્ઠાન કેટલો બધો શ્રમ માગી લે છે, અને કેટલું બધું મજબૂત મનોબળ, તે તો જેને અનુષ્ઠાનનો અનુભવ હોય તે જ સમજી શકે. અદમ્ય ઉત્સાહથી આટલાં બધાં અનુષ્ઠાનો કર્યા પછી પણ ધારેલી સફળતા ન મળવાથી, મન પર પ્રતિક્રિયા કેટલી બધી ભારે ને પ્રતિકૂળ થાય, એનું અનુમાન પણ એ જ કરી શકે.

વિદ્યારણ્ય મુનિ નિરાશ થઈ ગયા, ભગ્નહૃદય બન્યા ને સાધનામાં શ્રદ્ધા ખોઈ બેઠા.

એમને થયું કે ગાયત્રીદેવી છે જ નહિ. જો હોય તો આટલો બધો સતત પરિશ્રમ કરવા છતાં મને દર્શન ન આપે ? અને ધનપ્રાપ્તિની મારી ઈચ્છા પરિપૂર્ણ પણ ન કરે ?

ગાયત્રી, ગાયત્રીનું અનુષ્ઠાન, ઘર, ધન ને સંસાર બધા પરથી એમનું મન ઊઠી ગયું. છેવટે, જીવનનું સાર્થક્ય કરવાની એકમાત્ર કામનાથી, એમણે સંન્યાસની દીક્ષા લીધી.

હવે એમને કાંઈક સંતોષ થયો.

સંન્યાસ લઈને એ અદ્વૈત જ્ઞાનના સિદ્ધાંતોની સાથે એકરૂપ થવાની કોશીષ કરવા લાગ્યા.

એ દિવસોમાં એકવાર એ કોઈ ગામમાં ભિક્ષા લેવા માટે જતા હતા. માર્ગમાં ખેતરોની વચ્ચેનો સાંકડો રસ્તો આવતો હતો, તેને વટાવીને એ આગળ વધવા માંડ્યા. એ જ વખતે એ રસ્તે એક કુમારિકાએ એમને પૂછ્યું : મહારાજ, ક્યાં ચાલ્યા ?

વિદ્યારણ્ય મુનિએ ઉત્તર આપ્યો: ભિક્ષા લેવા.

કુમારિકાએ કહ્યું : મારામાંથી તમે શ્રદ્ધા છોડી દીધી, પરંતુ હું તમને દર્શન આપવા આવી છું. હું ગાયત્રીદેવી છું.

અને કુમારિકાના શરીરમાંથી પ્રકાશનાં કિરણો ફાટવા લાગ્યાં.

વિદ્યારણ્ય મુનિ એ જોઈને તાજુબ્બ થઈ ગયા. કુમારિકાને એમણે નમસ્કાર કર્યાં.

કુમારિકાએ કહ્યું: જે માગવું હોય તે માગી લો.

વિદ્યારણ્યે કહ્યું : દેવી ! હવે હું શું માંગું ? હવે તો હું સંન્યાસી થયો છું. તમારી કૃપા વિના હવે બીજી કોઈ જ કામના નથી.

દેવીએ સ્મિત કરીને કહેવા માંડ્યું : મારું દર્શન કદી વ્યર્થ નથી જતું. મારો આશીર્વાદ છે કે તમને અલૌકિક આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે.

'પરંતુ દેવી !’ વિદ્યારણ્ય મુનિએ ફરી કહ્યું : 'મને એક શંકા છે. મેં જ્યારે તમારા દર્શનની કામનાથી એકવીસ જેટલા અનુષ્ઠાન કર્યા, ત્યારે તમારું દર્શન ના થયું. અને હવે એકે અનુષ્ઠાન નથી કર્યું ત્યારે તમારું દર્શન કરવાનું ભાગ્ય મળ્યું, તેનું કારણ ?’

દેવીએ કહ્યું : 'તમારા પૂર્વજન્મમાં તમે એકવીસ મહાપાપ કરેલાં. એકેક અનુષ્ઠાનથી એ પાપનો નાશ થયો. હવે હું રાહ જોતી’તી કે એક વધારે અનુષ્ઠાન થાય, તો હું દર્શન આપું. પરંતુ તમને તો મારા પર જ વૈરાગ્ય થયો. હવે તમે વિધિપૂર્વક સંન્યાસ લઈને સર્વસમર્પણ કર્યું. એટલે તમારા પુણ્યભંડારમાં વધારો થયો, ને મેં દર્શન આપ્યું.’

દેવી પછી અંતર્ધાન થઈ ગયાં.

સાધકોએ આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે કર્મ કરવામાં આવે છે તે તરત ના ફળે, તો એમ ના સમજવું કે તે નકામું ગયું છે. જ્યાં સુધી ઈષ્ટ પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી સાધના ચાલુ જ રાખવી. કોઈપણ સંજોગોમાં નાહિંમત બનીને બેસી ના રહેવું કે સાધનાના વિશ્વાસને ખોઈ પણ ના નાખવો. જીવનના શ્રેયને માટે આ વાત અત્યંત આવશ્યક છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.