સંત તુકારામનો વૈરાગ્ય

સંત તુકારામ અથવા તો વધારે સારા શબ્દોમાં, એ મહાપુરૂષને માન આપવા માટે, કહેવું હોય તો કહી શકાય, કે સંત શિરોમણી તુકારામ.

મહારાષ્ટ્રના આધ્યાત્મિક આકાશને આલોકિત કરનારા ચાર મહાપ્રતાપી નક્ષત્રગણો : જ્ઞાનેશ્વર, એકનાથ, સમર્થ રામદાસ અને તુકારામ. એમાંના એક શાંત, દાંત, છતાં અત્યંત તેજસ્વી નક્ષત્રગણ ભક્તિમાર્ગના પ્રવાસી, ભાવાવતાર, મહાપુરૂષ.

એમના જીવનમાં પ્રેમનો પરમાર્ણવ પ્રકટી ઊઠ્યો એ પહેલાંની ઘટના છે. એમના જન્મસ્થાન દેહુ ગામમાં આવેલા મંદિરમાં એ રોજ રાતે કીર્તન કરવા જતા. કીર્તન એટલું બધું આકર્ષક થતું કે વાત નહિ. લોકોની મેદની એનો આસ્વાદ લેવા માટે એકઠી થતી. લોકો એ કીર્તનને શાંત ચિત્તે મંત્રમુગ્ધ થઈને સાંભળતા, અને તુકારામનાં વખાણ કરતા.

તુકારામને એ પ્રશસ્તિ ગમતી. લોકોને પ્રસન્ન કરવા માટે એ નવાં નવાં ગીતોની રચના કરતા, નવાં નવાં ઉપદેશવચનો સંભળાવતા અને નવી નવી કથા વાર્તાને વહેતી કરતા. લોકો કહેતા કે વાહ ! તુકારામ મહારાજ જેવા કથા કરનાર બીજા કોઈ જ નથી જોયા. શું એમની છટા છે, વાગ્ધારા છે અને શી એમની ગૂઢાતિગૂઢ ભાવોની અભિવ્યક્તિ કરનારી વિદ્વતા છે ! લોકો એમને સન્માનવા ને એમની પૂજા કરવા લાગ્યા. તુકારામ એના કેફમાં તણાયા પણ ખરાં.

પરંતુ..

તુકારામના અંતરાત્માએ એક ધન્ય દિવસે બળવો કર્યો. એમને થયું કે લોકોનું રંજન કરવા માટે હું કથા કીર્તન કરું છું, પરંતુ ઈશ્વરનું રંજન હજુ નથી કરી શક્યો. ઈશ્વરનું દર્શન કરવું જોઈએ, એ વિના જીવનની સફળતા નથી અને જીવનમાં શાંતિ પણ નહિ મળી શકે. એવી એવી ઉપદેશવાણી હું શ્રોતાજનોને સંભળાવ્યા કરું છું, પરંતુ હું જ એ ઉપદેશવાણીનો અમલ નથી કરી શક્યો. હજુ હું પોતે જ ઈશ્વરના સાક્ષાત્કારથી, અને એને પરિણામે પ્રાપ્ત થનારી પ્રશાંતિથી વંચિત છું. મને ધિક્કાર છે કે લોકોનું રંજન કરનારો એક પ્રશસ્તિપ્રિય કથાકાર બનીને જ હું બેસી રહ્યો છું, અને મારા જ્ઞાનનો સદુપયોગ કરીને, હું ઈશ્વરનો સાચો ભક્ત બનીને, મારા જીવનનું સાર્થક્ય નથી કરતો !

બસ, પછી તો શું ?

તુકારામને ઘણું દુઃખ થયું. વેદના થઈ. આટલાં વરસો વ્યર્થ રીતે વેડફી દીધાં એનો અફસોસ થયો. પશ્ચાતાપના પાવકથી એમનો પ્રાણ પ્રજ્વલિત અને પીડિત બન્યો.

મંદિરમાં સંકીર્તન અને સદુપદેશના કાર્યક્રમને તિલાંજલિ આપીને, એ ભંડારા પર્વત પર પહોંચી ગયા. ભંડારા પર્વત દેહુ ગામની પાસે જ હતો. આજે પણ છે.

ભક્તનું હૃદય તો એમની પાસે હતું જ. વૈરાગ્ય પણ હતો. વૈરાગ્યને ભાવથી ભરેલું હૃદય હવે સર્વ સમર્પણ કરવા તૈયાર થયું. એમણે પરમાત્મા પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ઈશ્વરનું દર્શન નહિ થાય ત્યાં સુધી હું પર્વત નીચે નહિ ઊતરું અને અન્નજળ નહિ લઉં !

વૈરાગ્ય, પ્રેમ અને સર્વસમર્પણની એ અવસ્થામાં બાર દિવસે તુકારામને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. ઈશ્વરના દર્શનથી તુકારામ આનંદમાં આવી ગયા. એમને શાંતિ મળી.

ઈશ્વરનાં ચરણોમાં પ્રણિપાત કરીને એમણે ગદ્ ગદ્ કંઠે, ભાવવિભોર બનીને સ્તુતિ કરી.

એ પછી ઈશ્વરની આજ્ઞાનુસાર, પર્વત પરથી ઊતરીને એ ગામમાં આવ્યા અને લોકોને પહેલાંની પેઠે ઉપદેશ કરવા લાગ્યા. પરંતુ એ ધર્મોપદેશ અનેરો જ હતો. એ એક પ્રશાંતિપ્રાપ્ત, અનુભવી મહાપુરૂષની વાણી હતી. લોકોને એ અત્યંત અસરકારક લાગી.

આજે બીજાને ઉપદેશ આપવાની પ્રવૃત્તિ વધી પડી છે, ત્યારે તુકારામનો આ પ્રસંગ ખાસ યાદ રાખવા જેવો છે. બીજાને ઉપદેશ આપવાની પ્રવૃત્તિ ખોટી નથી, પરંતુ બીજાને ઉપદેશ આપવા માટે જ જીવવું અને પોતે કાંઈ જ ન કરવું એ બરાબર નથી. જીવનના શ્રેયને માટે એવી પ્રવૃત્તિ બાધક છે. માણસે પોતે સદુપદેશની મૂર્તિરૂપ બનવાની જરૂર છે. ત્યારે જ શાંતિ મળી શકશે.

એક બીજી વાત પણ છે. લોકો પૂછે છે કે ઈશ્વર છે કે નહિ ? અને હોય તો તેમનું દર્શન કેમ નથી થતું ? એમને આપણે કહીએ છીએ કે ઈશ્વર તો છે જ; ક્યાંય ગયા નથી; પરંતુ તુકારામ જેવા વૈરાગ્ય, પ્રેમ, કે સમર્પણભાવ છે ? એવા સમર્પણભાવનો સૂર્યોદય થશે ત્યારે ઈશ્વર તમને જરૂર દેખાશે; ત્યાં સુધી દૂર ને દૂર જ રહેશે, માટે નકામી શંકા ન કરતા અને નિરાશ પણ ન બનતા. યોગ્યતાને તૈયાર કરો એટલે ઈશ્વર તમને આપોઆપ મળશે.

- શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Yash 2013-06-18 15:05
Nice 6e.

Today's Quote

Fear knocked at my door. Faith opened that door and no one was there.
- Unknown

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.