વિવેકભ્રષ્ટ માનવી

શુકદેવે જેમને ઉદ્દેશીને શ્રીમદ્ ભાગવતની કથા કહી છે, તે રાજા પરીક્ષિત મહાપ્રતાપી હતા. તેમને સંબોધાયેલી ભાગવતની કથા ઘેરેઘેરે જાણીતી છે. વરસો વીતી ગયાં તો પણ, હજુ તેનાં પારાયણ ચાલુ જ છે. રસિકોએ તેને રસનું આલય અથવા તો આશ્રયસ્થાન કહ્યું છે તે સાચું છે. તેના પ્રસંગોમાં તથા તેમની રજૂઆતમાં એવો તો અગાધ અને અખૂટ રસ ટપકે છે કે વાત નહિ. એનો આસ્વાદ લઈને માનવ ધન્ય બને છે. અનંત વરસો વીતી ગયાં તો પણ, એ રસ એવો જ તાજો છે. ભાગવતની લોકપ્રિયતા તથા સનાતનતાનું એ એક મોટું કારણ છે. એના રચયિતા મહર્ષિ વ્યાસે એની રચનામાં પોતાનું હૃદય રેડી દીધું છે.

એના આરંભમાં જ એક અગત્યની વાત છે.

રાજા પરીક્ષિત મૃગયા રમવા માટે વનમાં નીકળ્યા છે. વનમાં ફરતાં ફરતાં એમને તૃષા લાગી. એટલે કોઈ આશ્રયસ્થાનનની શોધ કરતાં કરતાં એ વનમાં સમીપમાં આવેલા એક શાંત અને એકાંત આશ્રમમાં આવી પહોંચ્યા.

એ આશ્રમ શમિક મુનિનો હતો.

પરીક્ષિત રાજા પોતાના આશ્રમમાં આવે ત્યારે મુનિ એમનો આદર સત્કાર કરે. મુનિ એવા માયાળુ, નમ્ર, ને ધર્મપરાયણ હતા. અતિથિને દેવતાતુલ્ય માનીને સત્કારવાની ને સેવવાની એમને ટેવ હતી. પરંતુ અત્યારે એ ઈશ્વરના સ્મરણમનનમાં તલ્લીન બનીને બેઠા હતા એટલે કે ધ્યાનસ્થ હતા. એટલે રાજાનો સત્કાર કેવી રીતે કરી શકે ? રાજાના આગમનનો એમને ખ્યાલ પણ ન હતો.

પરીક્ષિત રાજા આ પરિસ્થિતિનો વિચાર કરવાને બદલે, રોષે ભરાયા, ને ધ્યાનમગ્ન મુનિના ગળામાં મરેલા સાપને વીંટીને ચાલી નીકળ્યાં. એમણે વિચાર પણ ન કર્યો કે રાજા તરીકે આવું અન્યાય મૂલક, અવહેલનાભર્યું અને અહંકારયુક્ત આચરણ કરવું અત્યંત અમંગલ, અઘટિત અને અસ્થાને છે. એટલા સાધારણ વિવેકને પણ એ જાગ્રત ન રાખી શક્યા. એક રાજા તરીકે આ બધું એકદમ અન્યાયી કે અયુક્ત હતું.

શમિક મુનિના પુત્ર શ્રુંગીને જ્યારે પોતાના પિતાની સાથે રાજાએ કરેલા આ દુર્વ્યવહારની ખબર પડી ત્યારે એ અત્યંત ક્રોધે ભરાયો. એને થયું કે એક રાજાને આટલો બધો ઘમંડ ? પ્રજાનું પાલન કરનારો રાજા પ્રજાના પ્રતિષ્ઠિત વર્ગની આવી અવજ્ઞા કરે તે કેવી રીતે સહી શકાય ? હસ્તિનાપુરની ગાદી પર શું આવો અધર્મી રાજા શોભી શકે છે ? આવા દુરાચારી રાજાને દંડ દેવો જ જોઈએ.

હાથમાં પાણીની અંજલિ લઈને શ્રુંગીએ સંકલ્પ કર્યો કે જે રાજાએ આવું ઘોર કર્મ કર્યું છે તે રાજા પરીક્ષિત, આજથી સાતમેં દિવસે તક્ષક નાગના કરડવાથી મૃત્યુ પામજો. એણે સત્વર શાપ આપ્યો.

એક સાધારણ જેવી દેખાતી વસ્તુએ કેવું અસાધારણ સ્વરૂપ ધારણ કર્યું ? બ્રાહ્મણનો શાપ કોઈ દિવસ મિથ્યા થાય નહિ એવો નિયમ હતો.

પરંતુ....શમિક મુનિ પરમ શાંત ને દયાળુ હતા. એમણે જ્યારે શાપની વાત સાંભળી ત્યારે એમને દુઃખ થયું. શ્રુંગીને એમણે કહ્યું કે આપણે બ્રાહ્મણ છીએ, ઋષિ છીએ, ને વનમાં તપ કરવા માટે રહીએ છીએ. એટલે આપણને આવો ક્રોધ કરવો ના ઘટે. પરીક્ષિતે ગમે તેવું અવિચારી કૃત્ય કર્યું તો પણ એ રાજા છે, ને એનું કલ્યાણ કરવાનો આપણો ધર્મ છે. તેને બદલે તું તો શાપ આપી બેઠો. આ કામ તારે માટે જરાય સારું ન કહેવાય.

પરંતુ સારું કે ખરાબ, જે થઈ ગયું તેનું શું થાય ? એ કાંઈ થોડું જ અન્યથા થવાનું છે ? શાપ હવે મળી ચૂક્યો હતો એટલે પોતાનું કામ કરવાનો જ. પરીક્ષિત રાજાને જ્યારે ખબર પડી ત્યારે તેમને દુઃખ તો થયું જ, પરંતુ શાપનો તેમણે શાંતિપૂર્વક સ્વીકાર કર્યો. તે જ્ઞાની હતા. ફક્ત ક્ષણિક ઉશ્કેરાટમાં આવીને જ એક પ્રકારનું અધમ કર્મ કરી બેઠેલા. એને માટે પાછળથી એમને પશ્ચાતાપ થયો જ હતો. મુનિ કે મુનિના પુત્ર પર ક્રોધ કરીને વેર વાળવાનો વિચાર કરવાને બદલે, શેષ રહેલા જીવન દરમિયાન શાંતિ મળે, જીવનનું શ્રેય સાધી શકાય, ને મુક્તિ મળે, તે માટે પ્રયત્નશીલ થવાનો એમણે સંકલ્પ કર્યો. અને એ સંકલ્પને સિદ્ધ કરવા માટે એમણે મહાપુરૂષોની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો.

કથા આપણને શીખવી જાય છે કે કોઈપણ કર્મ કરતાં પહેલાં એના સારાસારનો વિચાર કરવો. બધા જ સંજોગોમાં ક્રોધ કે ઉશ્કેરાટનો ત્યાગ કરવો ને જીવનના મંગલને માટે મહેનત કરવી, કે જેથી જીવનમાં શાંતિ તો મેળવી જ શકાય, પરંતુ મૃત્યુને પણ મહોત્સવરૂપ કરી શકાય. જે થવાનું છે તે અન્યથા નથી થવાનું, છતાં પણ જીવનને સુધારવાની કે સર્વોત્તમ બનાવવાની તક તો આપણી પાસે છે જ. ફક્ત તે તકનો લાભ લેતાં આપણને આવડવું જોઈએ.

ઋષિપુત્રનો શાપ સાંભળીને પરીક્ષિત રાજાને દુઃખ તો થયું જ. કેમ ના થાય ? મૃત્યુ કોને ગમે છે ? મૃત્યુના સાચા કે ખોટા સમાચાર પણ કોને ગમે છે ? દરેક વ્યક્તિ અમરત્વની આકાંક્ષા રાખે છે અને અમરત્વને માટે તલસે છે. અમીર કે ગરીબ, સાક્ષર કે નિરક્ષર, રાજા કે રંક, મૃત્યુ કોઈને પણ પ્રિય નથી હોતું. ન છૂટકે નિરુપાય થઈને મરવું પડે એ જુદી વાત છે પરંતુ પોતાનાથી થાય એટલા બધા પ્રયાસો તો તે મૃત્યુ અથવા તો મૃત્યુના સંભવિત ભયમાંથી મુક્તિ મેળવવા માટે કરી છૂટે છે. રાજા પરીક્ષિત પણ એમાં અપવાદરૂપ કેવી રીતે હોઈ શકે ? એને થયું કે મૃત્યુને હવે તો સાત જ દિવસ બાકી રહ્યા. રાજપાટનો ત્યાગ કરીને ભગવતી ભાગીરથીના તટ પર રહેતા કોઈ સંતપુરૂષને શરણે શાંતિ તથા મુક્તિનો માર્ગ મેળવવા માટે જવાનો એણે સંકલ્પ કર્યો.

પ્રજા પરીક્ષિતને ચાહતી હતી. એટલે શાપના સમાચાર સાંભળીને લોકો હાહાકાર કરી ઊઠ્યા. આવા ધર્મપરાયણ રાજાને બચાવી લેવાને માટે સૌ પ્રાર્થના કરવા લાગ્યા.

પરંતુ શાપની સામે પ્રાર્થના કરવાથી થોડું બચી શકાય છે ? એને માટે તો કોઈ બીજો કીમિયો કરવો જોઈએ. સાપની અસરને પોતાની દૈવી શક્તિથી અન્યથા કરી શકવાની કોઈનામાં વિદ્યા હોય તો તેવી વિદ્યાવાળો માણસ અત્યારે કામ લાગી શકે. એ રાજાને જરૂર બચાવી શકે. પરંતુ એવો અસાધારણ વિદ્યાવાળો માનવી પણ ક્યાં હોય ને કેવી રીતે મળે ?

પરીક્ષિતના રાજ્યમાં એવો એક માનવી હતો. એ મૃતસંજીવની વિદ્યામાં કુશળ હતો. એને થયું કે મારી વિદ્યાથી હું પરીક્ષિત રાજાને જીવતો કરી દઈશ. ઋષિપુત્રનો શાપ પ્રમાણે રાજા તક્ષકના કરડવાથી મૃત્યુ તો પામશે જ. પરંતુ પછી હું રાજાને જીવંત કરીશ એટલે રાજા મને બદલીમાં અઢળક સંપતિ આપશે ને હું ન્યાલ બની જઈશ. એવા વિચારથી પ્રેરાઈને એ મૃતસંજીવની વિદ્યા જાણનારો બ્રાહ્મણ ચાલી નીકળ્યો.

તક્ષક નાગને એ વાતની ખબર પડી. એને થયું કે જો બ્રાહ્મણ પોતાના પરિશ્રમમાં સફળ થશે તો ઋષિપુત્રનો શાપ નિરર્થક જશે. એટલે એ વેશપલટો કરીને બ્રાહ્મણને મળવા માટે નીકળી પડ્યો.

બ્રાહ્મણ ઉત્સાહમાં ને ઉત્સાહમાં રાજમાર્ગ તરફ જઈ રહ્યો હતો. ત્યાં એના માર્ગની વચ્ચે આવીને તક્ષક ઊભો રહ્યો, ને કહેવા લાગ્યો 'બ્રાહ્મણ દેવતા, નમસ્કાર.’

બ્રાહ્મણ ઊભો રહ્યો એટલે તક્ષકે પૂછ્યું : આમ ઉમંગમાં ને ઉમંગમાં કઈ બાજુ જઈ રહ્યા છો ?

'અમસ્તો જ જઈ રહ્યો છું, ખાસ ક્યાંય નહિ,' બ્રાહ્મણે ઉત્તર આપ્યો.

'બ્રાહ્મણ થઈને ખોટું ન બોલો. તમે આવો સરસ વેશ ધારણ કરીને કાંઈ અમસ્તા નહિ જતા હો.’

'રાજા પરીક્ષિતને ત્યાં જઉં છું.’ બ્રાહ્મણથી કહેવાઈ ગયું,

'રાજા પરીક્ષિતને ત્યાં ? કેમ ?’

'તમને ખબર નથી ? રાજા પરીક્ષિતને તક્ષક નાગ કરડવાનો શાપ છે.’

'તે તમે ત્યાં જઈને શું કરશો ?

'બીજુ શું કરવાનું હોય ? રાજાને હું જીવતો કરી દઈશ.’

'કેવી રીતે ?’

'કેવી રીતે તે મારી વિદ્યાથી.’

'તમે એવી વિદ્યા જાણો છો ?’

'હા જાણું છું.’

'બને નહિ.’

'તો પછી તમારે માનવું હોય એમ માનો. આ તો તમે પૂછ્યું એથી મેં કહી બતાવ્યું.’

'પરંતુ એવી વાતો કેવી રીતે માની શકાય ? આ સૂકા ઝાડને ફરીવાર લીલુંછમ બનાવી દો તો હું તમારી વાત સાચી માની શકું.'

તક્ષક પરીક્ષા લેવા માંગતો હતો. પણ બ્રાહ્મણ સાચો ઠર્યો. મંત્ર બોલીને એણે ઝાડ પર છાંટ્યું તો તરત જ ઝાડ લીલુંછમ બની ગયું.

તક્ષક બધું સમજી ગયો. એણે કહ્યું તમારી વિદ્યાથી બ્રાહ્મણનો શાપ મિથ્યા થશે તે જાણો છો ? એ તો તમારા જ કુળને અન્યાય કરવા જેવું છે.

ધનભંડાર જોઈતો હોય તો હું તમને એમને એમ જ આપી દઉં.

તક્ષકે આપેલા ધનથી ચલિત થઈને બ્રાહ્મણ ઘર તરફ પાછો વળ્યો.

તક્ષક પણ પ્રસન્નચિત્ત થઈને પાછો વાળ્યો.

ધનની લિપ્સાવાળો માણસ ગમે તેટલો વિદ્યાવાન હોવા છતાં કેવો પરતંત્ર હોય છે એ પાઠ શીખવવાની સાથે સાથે, આ કથા પ્રારબ્ધ કેટલું બધું બળવાન છે તે વાત પણ કહી જાય છે. મૃત્યુ અવશ્યંભાવિ હતું તો વિદ્યા જાણનારો બ્રાહ્મણ પણ અધવચ્ચેથી પાછો વળી ગયો. એના પરથી સમજાય છે કે મનુષ્યની નહિ પરંતુ દૈવની ઈચ્છા જ વિજયી થાય છે કે સર્વોપરી ઠરે છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Violence can only be concealed by a lie, and the lie can only be maintained by violence.
- Solzhenitsyn

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.