ગાફેલ રહેવું ના પાલવે

પરીક્ષિત રાજાની ઉંમર કાંઈ બહુ મોટી ન હતી. હજી તે યુવાવસ્થામાં હતા, છતાં પણ અનશનવ્રત ધારણ કરીને એ ગંગાકિનારે જ્ઞાનીશિરોમણી શુકદેવની પાસે જ્ઞાનનો સંદેશો સાંભળવા બેઠા. એ જોઈને ત્યાં એકત્ર થયેલા ઋષિઓને નવાઈ તો લાગી. પરંતુ બધી હકીકત સાંભળ્યા પછી એમને પરીક્ષિત પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન થઈ.

યુવાવસ્થામાં મૃત્યુના જ્ઞાનથી પરીક્ષિત રાજાને મોક્ષનો માર્ગ મેળવવાની લગની લાગી. અને રાજપાટનો ત્યાગ કરીને જીવનનું સાચું સાર્થક્ય કરી લેવા માટે એમણે સંતશિરોમણી શુકદેવનું શરણ લીધું, એ કાંઈ સાધારણ વાત ન હતી. એ એમની ઉત્તમોઉત્તમ વૈરાગ્યવૃત્તિ તથા વિવેકશક્તિની પરિચાયક હતી. મૃત્યુનો વિચાર કરીને અથવા તો મૃત્યુની માહિતી મેળવીને જરૂરી તૈયારી કરવા માટે તત્પર થવાની એમાં સૂચના હતી. એવી યોગ્યતા કાંઈ સૌ કોઈમાં ન હોય. પરીક્ષિત એવી લોકોત્તર યોગ્યતાને લીધે, ત્યાં એકત્ર થયેલા સન્માનનીય મહાપુરૂષોને માટે આદરભાવના અધિકારી બન્યા. સૌના દિલમાં લાગણી થઈ કે પરીક્ષિતનું પરિત્રાણ અવશ્ય થવું જોઈએ.

મૃત્યુનો વિચાર કરીને અથવા તો મૃત્યુને સમીપ જાણીને, એવી રીતે ભારતમાં પ્રાચીન કાળના કેટલાય રાજાઓ જીવનનું શ્રેય કરવાની અભિપ્સાથી, લૌકિક કાર્યોમાંથી નિવૃત્તિ લઈ એકાંત પવિત્ર સ્થાનોમાં આસન વાળતા હતા. રાજાઓ જ નહીં પરંતુ બીજા સર્વસાધારણ પુરૂષોને માટે પણ એ પરિપાટી હતી. જીવનની ઉત્તરાવસ્થામાં લૌકિક પ્રવૃત્તિઓમાંથી મન પાછું વાળી લઈને, પરમાત્માના શ્રીચરણોમાં લગાડવાનો ક્રમ સમાજનાં સર્વે સ્તરોને માટે લગભગ સ્વાભાવિક હતો. વાનપ્રસ્થાશ્રમ તથા સંન્યસ્તાશ્રમની રચના એને જ અનુલક્ષીને કરવામાં આવી હતી.

મૃત્યુનો વિચાર કરીને રાજાઓ પોતાના મનને રાજપાટમાંથી પાછું વાળી લેતા.

રામાયણમાં એવા જ એક પ્રસંગનો સંકેત છે. જો કે પરીક્ષિતના પ્રસંગ કરતાં તેનો બાહ્ય પ્રકાર જુદો છે, પરંતુ એનો આંતરિક મર્મ એક જ છે કે માણસે મૃત્યુનો સહેજ પણ સંકેત મળતાં ગાફેલ ન રહેવું, ને પોતાના જીવનનું શ્રેય કરવા માટે તૈયાર થઈ જવું.

એ પ્રસંગની સ્મૃતિ રાજા પરીક્ષિતના પ્રસંગ પરથી સહેજે થઈ ગઈ.

એ પ્રસંગ કોનો છે તેની કલ્પના કરી શકો છો ?

રાજા દશરથનો.

રાજા દશરથ મોટી ઉંમરના થયા ત્યાં સુધી તેમને સંતતિ ન હતી. તેથી તે સ્વાભાવિક રીતે જ ઉદાસ કે ગમગીન રહેતા. સંતતિ વિનાનું જીવન એમને નીરસ લાગતું હતું. પોતાના પછી રાજ્યની ધૂરા કોણ સંભાળે એ પણ એમની ચિંતા હતી.

પોતાના દિલનું દર્દ એમણે એક દિવસ ગુરૂ વશિષ્ઠ પાસે ઠાલવ્યું.

વશિષ્ઠ મુનિએ પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો અને યજ્ઞનો પ્રસાદ આપ્યો.

પરિણામે રાજા દશરથને ત્યાં રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો.

રાજા દશરથને પોતાનું શરીરધારણ સફળ થયું લાગ્યું. એમના અંતરમાં આનંદ આનંદ થઈ રહ્યો.

કૌશલ્યા, કૈકેયી ને સુમિત્રાને પણ શાંતિ થઈ.

એ પછી કેટલેય વખતે રાજા જનકને ત્યાં થયેલા સીતાના સ્વયંવરમાં ભગવાન શંકરના ધનુષ્યનો ભંગ કરીને તથા સીતાને વરીને શ્રીરામ પાછા પધાર્યા ત્યારે, કેટલોક કાળ શાંતિપૂર્વક નિર્ગમન કર્યા પછી એક દિવસ રાજા દશરથે દર્પણમાં જોયું. પોતાના મસ્તકમાં એક ધોળો વાળ જોતાં જ એમને થયું કે હવે વૃદ્ધાવસ્થાનો આરંભ થઈ ચૂક્યો અને ધોળો વાળ એ બીજું કાંઈ નહીં પણ કાળની કંકોતરી છે. હવે મારે ચેતી જવું જોઈએ, કેમ કે કાળ ક્યારે આવે તે કાંઈ જ કહેવાય નહીં. જીવનનો ભરોસો નહીં.

બસ, પછી તો શું ?

રાજા દશરથે રામનો રાજ્યાભિષેક કરવાનો અને સ્વયં ઈશ્વરના ચિંતનમનનમાં વખત વિતાવવાનો નિર્ણય કર્યો. મૃત્યુ આવે તે પહેલાં એને માટેની પૂર્વતૈયારી કરી લેવાનો મનસૂબો એમણે કરી લીધો.

આ આખોય પ્રસંગ શું બતાવે છે ? રામાયણના રચયિતા લોકહિતૈષી કળાકાર એ સનાતન, પ્રેરક સંદેશ તરફ અંગુલિનિર્દેશ કરવા માગે છે કે વૃદ્ધાવસ્થા જીવનની અંતિમ અવસ્થા છે. મૃત્યુના રહસ્યમય નાટકનો પ્રવેશક છે. માટે એ અવસ્થા દરમિયાન તો માણસે ચેતવું જ તથા આત્મશાંતિ માટેનું જરૂરી ભાથું તૈયાર કરી લેવું. અને વૃદ્ધાવસ્થા દરમિયાન જ શા માટે ? જીવનની પ્રત્યેક અવસ્થા દરમિયાન, વિવેકી, માણસે પોતાના શ્રેયનું સાધન સાધી લેવાની અનિવાર્ય આવશ્યકતા છે. કેમ કે કાળનો કશો જ ભરોસો નથી. તે ક્યારે આવશે તે વિશે કશું જ ચોક્કસ નથી કહી શકાતું. માટે આવા અચોક્કસ જીવનમાં આત્મકલ્યાણને માટે ગાફેલ રહેવાનું કોઈને પણ ના પાલવે. ભૂલેચૂકે પણ નહીં જ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

“Let me light my lamp", says the star, "And never debate if it will help to remove the darkness.”
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.