ડાહ્યા માણસો કહે છે કે જે થવાનું છે તે તો થવાનું જ છે. કરોડો ઉપાય કરો તો પણ તે અન્યથા નથી થઈ શકતું. એનું નામ જ દૈવ કે પ્રારબ્ધ. એનો છૂટકારો ભોગવવાથી જ થઈ શકે છે. માટે જે થાય છે તેને કોઈપણ પ્રકારના બડબડાટ વિના, શાંતિથી સહન કરવું એ જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય જ નથી. હા, તેમાંથી છૂટવા માટેના પ્રયાસો કરવામાં કોઈ જાતની હરકત નથી. પરંતુ એ પ્રયાસો ભાગ્યે જ સફળ થાય છે. અને સફળ ન થાય તો નિરાશ કે નાસીપાસ થવાની જરૂર નથી. પ્રાપ્ત પરિસ્થિતિમાં રહીને પોતાના વિકાસ, હિત કે મંગલને માટેનો માર્ગ કાઢી લેવો એ જ કામ શેષ રહે છે અને એ જ કામને કરી લેવાની જરૂર છે.
તક્ષક નાગના દંશને પરિણામે જે મૃત્યુ થવાનું હતું તેમાંથી છૂટવાનો કોઈ રસ્તો રહ્યો નહિ ત્યારે રાજા પરીક્ષિતે પોતાના શેષ જીવનને પરમાત્માપરાયણ કરવાનો અને એવી રીતે મૃત્યુ પહેલાં શાંતિની પ્રાપ્તિ કરી લેવાનો સંકલ્પ કર્યો. રાજમહેલમાં રહીને એ સંકલ્પની પૂર્તિ કરવાની કોઈ શક્યતા ન દેખાઈ. એટલા માટે એમણે રાજમહેલનો પરિત્યાગ કર્યો અને ગંગાતટનો માર્ગ લીધો. ગંગાના પુનિત તટ પર વિતરાગ તથા સમર્થ પરમાત્માપરાયણ ઋષિમુનિના શાંત આશ્રમ હતા. રાજાઓએ જીવનની ઉત્તરાવસ્થામાં રાજપાટનો ત્યાગ કરીને મોક્ષની સાધના માટે એ પુનિત તટપ્રદેશનો આશ્રય લીધો હતો. ભક્તો, સાધકો, ને તપસ્વીઓએ ત્યાં તપ કરેલાં એટલે એ પ્રદેશનાં પરમાણુ એક પ્રકારની અલૌકિક શક્તિસામગ્રીથી ભરપૂર છે. એ પરમાણુ ત્યાં પ્રવેશ કરનારના પ્રાણને સ્પર્શી જાય છે.
રાજા પરીક્ષિતને પણ એ સ્પર્શ્યાં.
ગંગાના પવિત્રતમ તટપ્રદેશના દર્શનથી એનું હૃદય પુલકિત બની ગયું.
પરંતુ એને તો કોઈ પરમાત્માદર્શી મહાપુરુષની આવશ્યકતા હતી, જેની શીતળ છાયામાં એ શાંતિ મેળવી શકે, જેના સદુપદેશ પ્રમાણે ચાલીને એ જીવનનું કલ્યાણ કરી શકે અને એ જીવનને ઈશ્વરના અનુગ્રહથી અમૃતમય બનાવી શકે. એને તક્ષક નાગનો તેમ જ મૃત્યુનો ભય હતો. એ ભયમાંથી મુક્ત કરનારા લોકોત્તર જીવનમુક્ત મહાપુરૂષની એને આવશ્યકતા હતી. એવા મહાપુરૂષને માટે એનું અંતર તલસી રહ્યું હતું.
પરંતુ એવા મહાપુરૂષ કાંઈ સહેલાઈથી થોડા મળી શકે છે ? એ માટે તો આકાશપાતાળ એક કરવાં પડે અથવા તો ભાગ્ય હોય તો તે મળે. પરીક્ષિતની પાસે હવે વધારે વખત જ ક્યાં હતો ? જે ગણ્યોગાંઠ્યો કાળ હતો તે પણ વહી રહ્યો હતો.
પોતાની ચિંતા એણે ગંગાના પ્રશાંત તટ પર એકઠા થયેલા ઋષિમુનિઓની આગળ કહી બતાવી. ઋષિમુનિઓને એને માટે સહાનુભૂતિ થઈ. આવા પ્રજાપાલક રાજાનું આવી રીતે મૃત્યુ થાય તે કોઈને રુચ્યું પણ નહિ. પરંતુ રુચે કે ન રુચે, બીજો કોઈ ઉપાય થોડો જ હતો ? એમની પાસે અફસોસ વ્યક્ત કરવા સિવાય બીજું શું હતું ? બહુ બહુ તો એ પ્રાર્થના કરી શકે. પરંતુ એથી વિશેષ કશું નહિ. પરીક્ષિતની ચિંતા એટલાથી કેવી રીતે મટે ? એને તો સાત દિવસમાં મોક્ષ જોઈતો હતો, શાંતિ જોઈતી હતી અને જીવનનું સાર્થક્ય કરી લેવું હતું.
બરાબર એ જ વખતે, એક કૌપીનધારી મહાપુરૂષે ગંગાના એ પુનિત પ્રદેશમાં પ્રવેશ કર્યો. અઢારેક વરસની વયના એ મહાપુરૂષને બાળકો વીંટળાઈ વળેલ, અને એમનો ઉપહાસ કરતા. પરંતુ એથી અલિપ્ત રહીને એ મહાપુરૂષ આગળ વધતા. તપ, ત્યાગ તથા જ્ઞાનની પ્રત્યક્ષ મૂર્તિ જેવા એ મહાપુરૂષ બીજા કોઈ નહિ પરંતુ સંતશિરોમણી શુકદેવ હતા.
એમને જોઈને ઋષિમુનિઓ ઊભા થઈ ગયા. ઋષિમુનિઓના એ સમૂહમાં શુકદેવના પિતા વ્યાસ તથા તેમના પિતા પરાશર પણ હતા. એમણે પણ શુકદેવનો સત્કાર કર્યો.
શુકદેવને સૌથી ઉચ્ચ આસન પર બેસાડીને ઋષિઓએ કહ્યું કે પરીક્ષિત, આખી સભામાં શુકદેવ જ એક એવા છે જે તને શાંતિ અથવા તો મુક્તિ આપી શકે. જીવનનું આત્યંતિક શ્રેય સાધવાની શક્તિ એકમાત્ર એમની પાસે જ છે, બીજા કોઈની પાસે નથી. પરીક્ષિતને પ્રસન્નતા થઈ. શુકદેવના દર્શનનો લાભ મળવા બદલ એણે ઈશ્વરનો આભાર માન્યો.
વ્યાસ ને પરાશર જેવા વયોવૃદ્ધ, ઋષિવરોએ પણ શુકદેવનું સન્માન કર્યું એ શું બતાવે છે ? એ જ કે આ દેશમાં પ્રાચીન અથવા તો પૌરાણિક કાળથી જ વય નહિ પરંતુ વિદ્યાનું સન્માન કરવામાં આવતું. અવસ્થા નહિ પરંતુ અધિકારને આદર આપવામાં આવતો, અને ભોગ નહિ પરંતુ યોગ જ પૂજ્ય મનાતો. દેશ એ વખતે કેટલો બધો સુંદર ને સમુન્નત હશે તેની કલ્પના કરી શકો છો ?
- શ્રી યોગેશ્વરજી

