સોનામાં સુગંધ

જુદા જુદા ધર્મોના સનાતન તેમજ મૂળભૂત સિદ્ધાંતોનું સ્વાનુભવ દ્વારા સ્પષ્ટીકરણ કરીને તેનો ઉપદેશ કરવા માટે જ મારા ગુરૂદેવનું જીવન હતું. બીજા આચાર્યોએ એમનો પોતાનો ધર્મ શીખવ્યો છે, પરંતુ ઓગણીસમી સદીના આ મહાપુરૂષે કોઈ એક ચોક્કસ ધર્મ કે સંપ્રદાય પર ભાર મૂકવાને બદલે, સર્વધર્મ સમભાવ તથા ધર્મોની અંતરંગ એકતાનો મહાન સંદેશ પૂરો પાડ્યો છે.

પોતાના ગુરૂ શ્રી રામકૃષ્ણ પરમહંસને અમેરિકામાં એવી અનુરાગપૂર્ણ અંજલિ આપનાર સ્વામી વિવેકાનંદના એ શબ્દો છે.

પ્રથમ મુલાકાત વખતે જ રામકૃષ્ણદેવને 'તમે ઈશ્વરને જોયો છે કે કેમ?' એવો પ્રશ્ન પૂછનાર વિવેકાનંદના હૃદયમાં એ મહાપુરૂષ પ્રત્યે પાછળના વરસોમાં કેટલો બધો અસીમ અનુરાગ અને આદરભાવ પેદા થયેલો એનો એ દસ્તાવેજી પુરાવો છે. એ પ્રેમ કાંઈ એમને એમ પ્રકટ નહોતો થયો. એની પાછળ વરસોનો અનુભવભંડાર હતો.

વિવેકાનંદને પોતાના ગુરૂ રામકૃષ્ણદેવ પર જેવો પ્રેમ હતો, તેથીયે વધારે પ્રેમ રામકૃષ્ણદેવને વિવેકાનંદ માટે હતો. શરૂશરૂમાં વિવેકાનંદ લાંબા વખત સુધી પોતાની પાસે ના આવતા, તો રામકૃષ્ણદેવની દશા ભારે કરૂણ બની જતી. એ અધીરા બની જતા ને ભક્તોને કહેતા કે નરેન્દ્રને કહેજો કે મારી પાસે આવે. એના વિના મારાથી નથી રહેવાતું. મારા હૃદયની દશા કપડાંને નીચોવતા હોઈએ એવી કરૂણ થઈ જાય છે. અને જ્યારે વિવેકાનંદ આવતા ત્યારે એમને એ વળગી પડતા, પોતાની પાસે બેસાડતા, ને પોતાને હાથે પ્રસાદ ખવડાવતા. વિવેકાનંદ કેટલીય આનાકાની કરતા, પરંતુ વ્યર્થ જતી. ભક્તો એ પ્રેમને પેખીને વિસ્મય પામતા, મોંમાં આંગળાં ઘાલતા તથા વિવેકાનંદના સદ્ ભાગ્યની પ્રસંશા કરતા. વિવેકાનંદ પણ કહેતા કે તમે ઈશ્વરપ્રેમી છો છતાં મારે માટે આટલો પ્રેમ શા માટે રાખો છો ? આમ કરશો તો હરણમાં આસક્ત થઈને દુર્ગતિ પામેલા ભરતઋષિની પેઠે દુર્ગતિ પામશો. રામકૃષ્ણદેવ એ સાંભળીને માત્ર હસતા.

કેટલાક ઈર્ષાળુ લોકોએ એવી વાત પણ ફેલાવી કે નરેન્દ્ર તો કુસંગે ચઢી ગયો છે ને દારૂ પીતો તથા વેશ્યાગમન કરતો થયો છે. પરંતુ રામકૃષ્ણદેવે એ વાત માની નહિ. એ ભારે રોષે ભરાઈને બોલી ઊઠ્યા કે નરેન્દ્ર એવું કરે જ નહિ. એનો આત્મા કેટલો બધો ઊંચો છે તે હું જાણું છું. મારી આગળ તમે આવી વાતો ના કરશો. વિવેકાનંદે જ્યારે એ વાત સાંભળી ત્યારે એમનું હૃદય ગદ્ ગદ્ બની ગયું. ઘણા વખતથી એ ગુરૂની પાસે નહોતા આવ્યા, પરંતુ હવે આવવા માંડ્યા.

પરંતુ થોડા વખત પછી જોયું તો પરિસ્થિતિ જૂદી જ હતી. જે રામકૃષ્ણદેવ એને દૂરથી આવતો જોઈને ગાંડાઘેલા બની જતા ને કેટલીકવાર નાચવા પણ માંડતા, તે એને ઓળખતા પણ ના હોય એમ, એને જોઈને કશું જ ના બોલતા. બીજા ભક્તો તથા દર્શનાર્થીઓ સાથે વાતો કરતાં, પણ વિવેકાનંદને બોલાવતા નહીં. એક દિવસ, બે દિવસ નહીં, પરંતુ લાગલગાટ ત્રણ દિવસ સુઘી એવું ચાલ્યું. ભક્તોને આશ્ચર્ય થયું. છતાં પણ વિવેકાનંદે રામકૃષ્ણદેવ પાસે આવવાનું ચાલુ રાખ્યું.

ચોથે દિવસે રામકૃષ્ણદેવે વિવેકાનંદને કહ્યું : ભાઈ, હું તારી સાથે કશું બોલતો નથી છતાં તું રોજરોજ મારી પાસે શા માટે આવે છે ? તને ખોટું નથી લાગતું ?

વિવેકાનંદે ઉત્તર આપ્યો : પ્રભુ, મને ખોટું શા માટે, લાગે ? હું ક્યાં તમારે માટે ને તમારી વાતો સાંભળવા આવું છું ? હું તો મને શાંતિ મળે છે એટલા માટે, મારા સ્વાર્થ ખાતર, માત્ર તમારું દર્શન કરવા માટે જ આવ્યા કરું છું. તમે બોલો કે ન બોલો તેથી મારે શું ?

રામકૃષ્ણદેવ એના શબ્દો સાંભળીને પ્રસન્ન થયા ને કહેવા માંડ્યા : તારા જેવો ઉત્તમ કોટિનો વીરપુરૂષ જ આવા શબ્દો બોલી શકે. હું તારા પ્રેમ ને વિશ્વાસની કસોટી કરી રહ્યો હતો. તું તેમાંથી પાર ઉતર્યો.

પછી તો રામકૃષ્ણદેવે વિવેકાનંદ પર પોતાની કૃપા વરસાવવા માંડી. શરીરનો ત્યાગ કરતી વખતે એમને સર્વ પ્રકારની શક્તિ પ્રદાન કરી.

વિવેકાનંદનો એ ગુરૂપ્રેમ બીજાને માટે આદર્શરૂપ થઈ પડ્યો.

વિવેકાનંદ પણ ગુરૂના અપાર પ્રેમને હંમેશાં યાદ કરતા. એ પ્રેમ જ એમને માટે શક્તિના સાધનરૂપ હતો. 

એ પ્રેમને યાદ કરીને જ, અમેરિકામાં એમણે પ્રસિદ્ધિ મેળવી ત્યારે પેલાં નમ્રતાથી ભરેલાં વચન કહેલા કે મારા મુખમાંથી એક શબ્દ પણ સાચો ને સારો બોલાયો હોય તો તેનો યશ મારા ગુરૂને ઘટે છે. જે અશુભ અથવા અસત્ય છે તે જ મારું છે.

ધન્ય એ ગુરૂપ્રેમ ! અને શિષ્યને માટેના ગુરૂના પ્રેમને પણ ધન્યવાદ !

એ બંનેના પારસ્પરિક પ્રેમે સંસારના આધ્યાત્મિક ઈતિહાસમાં અમર અધ્યાયનું નિર્માણ કર્યું.

ગુરૂને શિષ્ય પ્રત્યે પ્રેમ નહિ હોય તો ચાલશે, પરંતુ શિષ્યને તો ગુરૂમાં પ્રેમ ને વિશ્વાસ જોઈએ જ. એ વિના આગળ વધવાનું અશક્ય છે. અને જો શિષ્યનો પ્રેમ સાચો હશે તો, ગુરૂના દિલમાં પણ એને માટેની અનુકંપાનો આવિર્ભાવ થશે જ.

બંનેના પ્રેમ જો પારસ્પરિક હશે તો તો કહેવું જ શું ? સોનામાં સુગંધ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Some of God's greatest gifts are unanswered prayers.
- G. Brooks

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.