એકાગ્રતાનો ઉપદેશ

શ્રીમદ્ ભાગવતને રસના આલય અથવા તો જ્ઞાનના ભંડારરૂપ કહેવામાં આવે છે તે સાચું જ છે. રસનો સાગર તો એમાં છલકાયલો છે જ, પરંતુ સાથે સાથે જ્ઞાનવિજ્ઞાનની એવી અનેકાનેક અસાધારણ વાતોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે માનવજીવનના ઘડતરમાં ભારે મહત્વનો ભાગ ભજવે છે. એટલું જ નહિ, પરંતુ માનવવમનમાં પેદા થતી અને એને સતાવતી કે વિક્ષુબ્ધ કરતી કેટલીક સાધનાત્મક સમસ્યાઓનો સંતોષકારક ઉકેલ કરી આપવાની ક્ષમતા પણ ધરાવે છે.

માનવવમનને સીધા ઉપદેશ કરતાં વાર્તા, કથા કે દૃષ્ટાંત દ્વારા અપાતો ઉપદેશ વધારે પ્રમાણમાં ને સહેલાઈથી અસર કરે છે, એ આપણે જાણીએ છીએ. પુરાણોના રચયિતા મહર્ષિ વ્યાસ પણ માનવસ્વભાવના એ રહસ્યને જાણતા હતા. એથી પોતાના ગ્રંથોમાં એમણે ઠેકઠેકાણે દૃષ્ટાંત કે કથાનક દ્વારા ઉપદેશ આપવાની પદ્ધતિનો આધાર લીધો છે. તે પદ્ધતિ ભારે લોકપ્રિય તેમજ સફળ નીવડી છે એ સર્વવિદિત છે.

શ્રીમદ્ ભાગવતમાં એ પદ્ધતિના પરિચારક એવા એક નાનકડા છતાં સરસ પ્રસંગનો ઉલ્લેખ આવે છે.

પ્રસંગ દત્તાત્રેયના જીવનનો અને એમણે કરેલા ચોવીસ ગુરૂઓની કથાનો છે એટલે અત્યંત રોચક છે. આ રહ્યો એ પ્રસંગ.

અવધૂતશિરોમણી દત્તાત્રેય કોઈ ઠેકાણે લાંબો વખત રહેતા નહિ. એમને પરિભ્રમણ પ્રિય હતું, એટલે એ નિરંતર વિચરણ જ કરતા રહેતા. એ માનતા કે જ્ઞાની પુરૂષે કોઈ એક ઠેકાણે રહેવાને બદલે આત્મામાં રત રહીને વિચરણ કરતા રહેવું. એથી સંસર્ગદોષથી બચાય છે, અસંગ અથવા તો અલિપ્ત રહેવાય છે, આસક્તિ તેમજ મમતાનો સંભવ નથી રહેતો, ને જુદે જુદે સ્થળે રહેલા પરમાત્માની લીલાની ઝાંખી થાય છે. જેવી રીતે ભ્રમર કોઈપણ ઉપવનમાં સ્થાયી નથી રહેતો, પરંતુ જુદાંજુદાં પુષ્પોની સુવાસ લઈને ઊડતો રહે છે અને નદી તથા પવન પણ કાયમ મુકામ નથી કરતાં, તેવી રીતે જીવનનું શ્રેય કરવાની ઈચ્છાવાળા જ્ઞાની પુરૂષે જગતમાં ક્યાંય કાયમી મુકામ ના કરવો, એવી એમની માન્યતા હતી. અને એ માન્યતા કે વિચારસરણીને વફાદાર એવું ત્યાગમય જીવન એ જીવતા હતા. એવા જીવનમાં એમને અતિશય આનંદ આવતો.

એક વખતની વાત છે.

દત્તાત્રેય એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જઈ રહ્યા હતા.

કયા ગામમાં જવું છે તેનો કોઈ સંકલ્પ ન હતો. જે ગામ આવે તે ખરું એવી એમની ભાવના હતી.

ત્યાં તો કેટલુંક ચાલ્યા પછી એ એક એવી જગ્યા પર આવી પહોંચ્યા જ્યાં બે રસ્તા ફંટાતા હતા.

દત્તાત્રેય ત્યાં આગળ આવી ઊભા રહ્યા. કયે રસ્તે આગળ વધવું તેની તેમને સમજ ન પડી.

ત્યાં તો એમની નજર રસ્તાની બાજુ પર પડી.

ત્યાં એક તળાવ હતું. કોઈ માછીમાર જેવો માણસ ત્યાં બેસીને માછલાં પકડતો હતો. તેણે જાળને પાણીમાં પાથરી હતી અને માછલા પકડાય તેની તલ્લીન બનીને રાહ જોતો હતો.

દત્તાત્રેયે એની પાસે જઈને એને પૂછ્યું : 'ભાઈ, આગળના ગામે જવાને માટે આ બંને રસ્તામાંથી કયો રસ્તો વધારે સારો ને ટૂંકો છે ?’

પરંતુ માછીમાર માછલાં પકડવામાં એટલો બધો લીન હતો કે એણે દત્તાત્રેયની સામું જોયું જ નહિ અને કોઈ ઉત્તર પણ ન આપ્યો.

દત્તાત્રેયે એને બીજીવાર પૂછ્યું, ત્રીજીવાર પૂછ્યું, પણ કોઈ જવાબ જ ન મળ્યો. જાણે કે દત્તાત્રેયના શબ્દો એણે સાંભળ્યા જ નહિ !

દત્તાત્રેયને ભારે નવાઈ લાગી. એમને થયું કે આ માણસ બહેરો છે કે શું ? ત્યાં તો માછલાં પકડવાની જાળને સંકેલી લઈને પેલા માણસે એમની સામે જોઈને પ્રશ્ન કર્યો: 'તમે શું પૂછતા હતા ?’

દત્તાત્રેયે એને પ્રણામ કર્યા ને કહ્યું કે કાંઈ નહિ. તમે પણ મારા ગુરૂ છો. માટે હું તમને નમસ્કાર કરું છું. તમે માછલાં પકડવામાં એટલા બધા તલ્લીન હતા કે મારી વાતને તમે સાંભળી જ નહિ. અને સાંભળી તો તેના તરફ ધ્યાન જ ના દીધું. એવી રીતે હું જ્યારે ધ્યાન કરવા બેસું ત્યારે બીજી બધી જ વાતો કે વિષયોમાંથી મનને પાછું વાળી લઉં અને એક આત્મામાં જ લગાવી દઉં, તો મનની સ્થિરતા સહેલાઈથી સાધી શકાય અને શાંતિ મળે, સાધના માટેનો આ અમૂલ્ય બોધપાઠ તમે મને પૂરો પાડ્યો તે માટે તમારો આભાર. જેમાં રસ હોય છે તેમાં મન સહેલાઈથી લાગી જાય છે.

એમ કહીને દત્તાત્રેય ચાલી નીકળ્યા.

આ પ્રસંગ પરથી શીખવા મળે છે કે જેની આંખ ઉઘાડી છે તે બધેથી કાંઈ ને કાંઈ સાર ગ્રહણ કરે છે. જપ કે ધ્યાન માર્ગના પ્રવાસીઓને માટે તો તેમાં પ્રેરણાની સામગ્રી છે જ. સાધનામાં એકાગ્રતાને માટે સાધનામાં રસ કેળવવાની જરૂર છે, એ શાશ્વત સત્યનું આ પ્રસંગમાં પ્રતિપાદન કરેલું છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

To give service to a single heart by a single act is better than a thousand heads bowing in prayer.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.