if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચરોતરના ભાદરણ ગામમાં કન્યાશાળા હતી.

તેમાં એક કુંવારા શિક્ષિકાબેન કામ કરે.

એ શિક્ષિકાબેન બહારગામનાં વતની હતાં ને ભાદરણમાં નોકરી કરવા આવેલાં.

ભાદરણ એ વખતે એટલે કે આજથી પચીસેક વરસ પહેલાં પણ, ચરોતરનું આગળ પડતું ગામ ગણાતું. ત્યાંના લોકો એકંદરે સુખી તથા સંપત્તિશાળી હતા. દેશપ્રેમથી પ્રેરાઈને સત્યાગ્રહની જુદી જુદી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા અને ગામની ઉન્નતિને માટે જુદી જુદી લોકોપયોગી સંસ્થાઓનું નિર્માણ કરતા. ખાદી તથા વ્યાયામશાળાની પ્રવૃત્તિ તો ત્યાં ચાલતી જ હતી, પરંતુ વધુમાં કેળવણીના વિકાસને પણ ભારે મહત્વ આપવામાં આવતું. કન્યાશાળાની સ્થાપના એના જ પ્રતીકરૂપ હતી.

પરંતુ સમાજનું કાંઈ એક રૂપ થોડું છે ? એ તો બહુરંગી અને બહુરૂપી છે. એમાં જેમ શુભ તત્વો રહે છે તેમ અશુભ તત્વોનો પણ વાસ છે. સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ ત્રણ ગુણોનું એમાં સંમિશ્રણ તેમજ પ્રતિનિધિત્વ છે. ભાદરણમાં પણ એવું જ હતું. સારાં ને નરસાં બંને પ્રકારનાં તત્વો ત્યાં ફેલાયલાં હતા. કન્યાશાળા થઈ એટલે અશુભ તત્વોને આડકતરી રીતે ઉત્તેજન મળ્યું.

કેટલાંક છેલબટાઉ શ્રીમંતોના નબીરાઓએ કન્યાશાળાની આજુબાજુ પોતાની પ્રવૃત્તિ શરૂ કરી. કેટલાક તો ફાલતુ સમય કાઢીને કન્યાશાળાની સામેની સડક પર જ બેસી રહેવા માંડ્યા. જતી આવતી છોકરીઓનું નિરીક્ષણ કરવું, તેમની વિવિધ પ્રકારે મશ્કરી કરવી, એમની સામે અશ્લિલ હાવભાવ કરવા તથા બને તો થોડેક સુધી એમનો પીછો કરવો એ એમનો એકમાત્ર વ્યવસાય બની ગયો. કેટલાક ચારિત્ર્યહીન યુવકોનો પણ એમને સાથ મળતો.

એ યુવકો કન્યાશાળાની આજુબાજુ તો ભમતા જ હતા, પરંતુ કન્યાશાળામાં નોકરી કરવા માટે આવેલાં આ નવાં શિક્ષિકાબેન પર એમની ખાસ નજર હતી. શિક્ષિકાબેનને ગમે તેમ કરીને સપડાવવાની અથવા તો એમની એકલતા અને અસહાયતાનો લાભ ઉઠાવવાની મેલી મુરાદ એ સેવવા લાગ્યા, અને એ મુરાદ બર આવે તેને માટેની કોશિશ પણ કરવા લાગ્યા. પરંતુ તેમની એકે યુક્તિપ્રયુક્તિ કામ ના લાગી.

શિક્ષિકાબેન ભારે હિંમતવાળાં, નીડર અને બહાદુર હતાં. તે ચારિત્ર્યશીલ હોવાથી એમ સહેલાઈથી કોઈના સાણસામાં સપડાય તેવાં ન હતા. કન્યાશાળાની છોકરીઓને પણ તે ચારિત્ર્યશીલ, બહાદુર અને હિંમતવાન બનવાનો તથા અનિષ્ટને તાબે થવાને બદલે તેનો બધી રીતે સામનો કરવાનો જ ઉપદેશ આપતાં. તેથી છોકરીઓના વર્તનમાં પણ ફેર પડ્યો હતો. પેલા શ્રીમંતોના નબીરાઓ એ વાત જાણતા. એટલે ગમે તેમ કરીને પણ એ શિક્ષિકાબેનને ચારિત્ર્યભ્રષ્ટ કરીને વગોવવાનો એમણે નિર્ણય કર્યો.

એમણે એક નવી યુક્તિ શોધી કાઢી. એક નવા કાર્યક્રમનો અમલ કરવા માંડ્યો.

શિક્ષિકાબેન રોજ સાંજે નિયમિત રીતે ફરવા જતાં, અને એ પણ છેક સ્ટેશન તરફ એટલે એમણે વિચાર્યું કે આ લાગ સારો છે. સ્ટેશન હતું પણ વસતિથી થોડેક દૂર એટલે ગમે તેવા વર્તનની શક્યતા તેમજ સ્વતંત્રતા હતી.

એમણે શિક્ષિકાબેનની પાછળ પાછળ ફરવા જવાનું શરૂ કર્યું.

પરંતુ ફરવા જવાનું તો માત્ર બહાનું જ હતું. મુખ્ય ઉદ્દેશ તો એ બેનની છેડતી કરવાનો અને શક્ય હોય તો આબરૂ લૂંટવાનો હતો. એમને કેવળ ફરવાને ખાતર ફરવા જવાનો રસ થોડો જ હતો ?

શિક્ષિકાબેનની પાછળ પાછળ એ ફાવે તેવાં ગીતો ગાતા ને વાક્યો બોલતાં ચાલી નીકળ્યા.

શિક્ષિકાબેન એમની મનોવૃત્તિ સમજી ગયાં. એ સમજી ચૂકેલાં જ હતા.

ફરતાં ફરતાં સ્ટેશન પર આવી પહેંચ્યાં. એમની સાથે એક બીજી બેન પણ હતી.

પેલા નવયુવકોએ સ્ટેશન પર પહોંચીને મર્યાદા મૂકી દીધી ને ફાવે તેમ બોલવા માંડ્યું.

એમના આગેવાન જેવો એક શ્રીમંત યુવક એ બેનની આગળ આવીને હીન અભિનય કે હાવભાવ કરવા લાગ્યો.

તે જ વખતે શિક્ષિકાબેનના અંતરમાં અગ્નિ સળગી ઊઠ્યો. એમની આંખમાં ક્રોધ વ્યાપ્યો.

'અરે ક્રોધે શું ભરાય છે, મારી રાણી ?’ યુવકે કહેવા માંડ્યું : 'હું તો તારા પર મોહિત થઈને તને આનંદ આપવા આવ્યો છું.’

શિક્ષિકાબેનનું સ્વરૂપ રણચંડી જેવું બની ગયું. 'ઊભો રહે હું તને આનંદ આપું.’ કહીને પગમાંથી ચંપલ કાઢીને એમણે યુવકના ગાલ પર ચોડી દીધું.

અવાજ સાંભળીને સ્ટેશનના કર્મચારીઓ ભેગા થઈ ગયા, અને યુવક તેના બિરાદરો સાથે નાસી ગયો.

એ ઘટના પછીથી પેલા યુવકો ઠંડા પડી ગયા. શિક્ષિકાબેનની છેડતી કરવાનો વિચાર એમણે મૂકી દીધો. શિક્ષિકાબેનની આજુબાજુનું વાતાવરણ પણ સુધરવા માંડ્યું. એક બેનની હિંમત તથા બહાદુરીએ અનેક બેનોને લાભ કરી દીધો.

આજે સમાજમાં તોફાની તથા ચારિત્ર્યહીન તત્વો વધી રહ્યાં છે, અને બેનોની સલામતી ભયમાં મુકાવાના બનાવો બની રહ્યા છે, ત્યારે બેનો એ વાતને સમજી લે કે એમણે ચારિત્ર્યની દૃષ્ટિએ શુદ્ધ, નિર્ભિક ને બહાદુર બનવાની જરૂર છે. પોલીસ તથા બીજી વ્યવસ્થાઓ એમને મદદ જરૂરી કરી શકશે, પરંતુ અંતિમ આધાર તો એમના પોતાના પર છે. એ મક્કમ બને, ચારિત્ર્યની કીંમત સમજે, અને સમય આવ્યે સામનો કરી શકે એવું સુદૃઢ શરીર અને આત્મબળ કેળવે એ જરૂરી છે. અમર્યાદ પોશાક તથા ફેશન પરતાનો ત્યાગ કરવાની ને ભયને છોડી દેવાની શિખામણ વરસો પહેલાં ગાંધીજીએ પણ આપી છે તે હજુ જુની નથી થઈ. એ શિખામણને એ અપનાવે. સાથે સાથે સમાજની લાગતી વળગતી વ્યક્તિઓ ને સંસ્થાઓ એમની સુરક્ષા માટેના વાતાવરણને ઊભું કરવામાં સક્રિય સાથ આપે તો તોફાની તત્વોને જરૂર ડામી શકાય.

બેનોની સુરક્ષા મોટેભાગે ને છેવટે તો બેનોએ પોતે જ કરવાની છે એ વાતને બેનો યાદ રાખે, ને આવશ્યક તાકાત ઉભી કરે. કોમળતા, શોભા ને નાજુકતામાં જ સર્વસ્વ માનીને બેસી રહેવાને બદલે થોડીક વધારે સ્વસ્થ, સુદૃઢ કે ખડતલ બને.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.