if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવર્ષિ નારદ ! ભગવાનના મહાન અને પરમ ભક્ત !

પ્રાગૈતિહાસિક કાળથી એમનું નામ ભારતના આધ્યાત્મિક ઈતિહાસમાં ચાલ્યું આવે છે.

ભક્તો અને સંતોના શિરોમણી નારદજીનું આસન લોકહૃદયમાં આજે પણ અમર છે.

અને એવા જ અમર છે નારદજી. કાળની એમને અસર નથી. દેશ અને કાળ અથવા તો સંજોગોનાં બંધનથી એ મુક્ત છે. કહે છે કે આજે પણ કોઈક નિર્મળ હૃદયના ભાવિક ભક્તોને એ દર્શન આપે છે, પ્રેરણા પૂરી પાડે છે, પથપ્રદર્શન કરે છે, દીક્ષા કે મંત્ર પ્રદાન કરે છે, અને એવી રીતે કૃતાર્થ કરે છે. એમાં કાંઈ શંકા જેવું પણ નથી કેમ કે મહાન પુરૂષો મૃત્યુંજય હોય છે. ઈશ્વરનો સાક્ષાત્કાર કરીને એ ઈશ્વરસદૃશ થયા હોય છે. એટલે સામાન્ય માનવને જે નિયમો લાગુ પડે છે તે એમને નથી લાગુ પડતા. સામાન્ય માનવ પ્રકૃતિના પાશમાં સપડાયેલા તેમ જ પ્રકૃતિના દાસ હોય છે. પરંતુ મહાપુરૂષો પ્રકૃતિના સ્વામી કે અધીશ્વર હોય છે. એથી એ પ્રકૃતિની ઉપરવટ પણ જઈ શકે છે. પ્રકૃતિ એમને કશી જ અસર નથી કરી શકતી.

હાથમાં વીણા ને કરતાલ સાથે પરમાત્માના ગુણાનુવાદ ગાતા દેવર્ષિ નારદ આજે પણ લોકલોકાંતરમાં પોતાની અપ્રતિહત ગતિને લીધે ફર્યા કરે છે, એવો લોકોનો વિશ્વાસ છે. એ વિશ્વાસ નિરાધાર નથી જ.

પરંતુ ભક્તિના આવા સર્વોચ્ય શિખર પર દેવર્ષિ નારદ પહોંચ્યા કેવી રીતે ? એ પ્રશ્ન સામાન્ય જનના મનમાં પેદા થાય એવો સંપૂર્ણ સંભવ છે. એના ઉત્તર માટે આપણે મહાન ધર્મગ્રંથ શ્રીમદ્ ભાગવત તરફ વળવું પડશે. કેમકે એ ગ્રંથના માહાત્મ્યમાં નારદજીએ પોતાના પૂર્વજન્મની કથા કહી છે. તેમાં એ પ્રશ્ન અને એનો ઉત્તર સહજ રીતે જ સમાવી લીધો છે. એનો સાર એટલો જ છે કે સંત સમાગમ.

સંતસમાગમ ? હા. પેલા સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે તે પ્રમાણે નારદજી પણ કહે છે કે સત્સંગતિ શું નથી કરતી ? તુલસીદાસ રામાયણમાં કહે છે તેમ, સત્સંગતિના સુધામય સરોવરમાં સ્નાન કરીને કાગડા જેવા માણસો કોયલ જેવા સુમધુર સંભાષણ કરતા થઈ જાય છે અને બગલા જેવા માણસો હંસ જેવા બની જાય છે. એટલે કે બગલાની જેમ મલિન વિષયપરાયણ વૃત્તિવાળા લોકો હંસની જેમ સદ્ વિચારના સરોવરમાં વિહાર કરતા તેમજ મુક્તિરૂપી મુક્તાફળને ચરતા થઈ જાય છે. સત્સંગનો એ પ્રભાવ છે. અને એ જ પ્રભાવને લીધે નારદજી આટલી ઉચ્ચોચ્ચ કોટિએ પહોંચી શક્યા.

નારદજી પોતાના સ્વમુખે કહે છે કે પૂર્વજન્મમાં હું દાસીપુત્ર હતો. મારી માતા સંતોના આશ્રમમાં રહીને સંતપુરૂષોની સેવા કરતી હતી. ત્યાં હું બાલપણથી જ સંતપુરૂષો તથા ભગવદ્ ભક્તોનું દર્શન કરતો, એમની શક્ય એટલી સુશ્રુષા કરતો, અને એમના સદુપદેશ સાંભળતો. સંતપુરૂષોનો સમાગમ પૂર્વના પુણ્યના કોઈ યોગે મને આપોઆપ જ મળી ગયો હતો.

એ સમાગમ ઉપરાંત એક બીજી વસ્તુ પણ હતી. અને એ મહત્વની વસ્તુ તરફ નારદજી આપણું ધ્યાન ખેંચે છે. એ કહે છે કે ઋષિના આશ્રમમાં અમે રહેતાં ત્યારે અમારી આજીવિકા કેવી રીતે ચાલતી તે ખબર છે ? લો ત્યારે સાંભળો. આશ્રમમાં જે જુદા જુદા ભક્તો ને સંતો આવતા અને નિવાસ કરતા, તે ભક્તો ને સંતપુરૂષો ભોજન કરતા પછી જે ઉચ્છિષ્ટ અન્ન રહેતું તેને અમે પ્રસાદ માનીને આરોગી જતાં. પછી તો મારી માતાનું એક દિવસે મૃત્યુ થયું. પરંતુ સંતપુરૂષોના એ પ્રસાદ, આશીર્વાદ અને સમાગમને પરિણામે મારું હૃદય નિર્મળ બની ગયું.

કાળક્રમે શું થયું તે જાણો છો ?

મારામાં અજબ પ્રકારનું, અકલ્પનીય, પરિવર્તન થઈ ગયું.

મારા હૃદયની જડતા જતી રહી. અંતરના રહ્યાસહ્યા અજ્ઞાન પડદા તૂટી ગયા. મારી દૃષ્ટિ દૈવી બની ગઈ અને મારા પ્રાણમાં પરમાત્માના પરમ પ્રેમનો પ્રાદુર્ભાવ થયો. મારું પ્રત્યેક પરમાણુ એથી પુલકિત થઈને હાલીને નાચી ઊઠ્યું. પરમાત્માના પવિત્ર પ્રેમના ફૂવારા મારા અંગેઅંગમાં ઊડવા માંડ્યા. અજ્ઞાનરૂપી અંધકારનો અંત આવ્યો અને પરમ પ્રકાશની પ્રાપ્તિ થઈ. મને જાણે કે નવજીવનની પ્રાપ્તિ થઈ. નવો અવતાર મળ્યો.

મને થયું કે ઈશ્વર વિના બધું વ્યર્થ છે, નકામું છે, નીરસ છે અથવા તો અધૂરું છે. ઈશ્વરની પ્રાપ્તિમાં જ જીવનની શાંતિ ને જીવનનું સાફલ્ય સમાયેલું છે. મનુષ્ય જીવન એટલા માટે જ છે, અને એટલા માટે જ વપરાવું જોઈએ.

બસ. પછી તો શું ?

અત્યંત ઉત્કટતાથી, પરમ પ્રેમપૂર્વક, પરમાત્માના દર્શન માટે મેં રડવા, ઝંખવા, પ્રાર્થવા તથા તલસવામાં માંડ્યું. વ્યાકુળ હૃદયે હું પરમાત્માના ગુણાનુવાદ ગાતો ને વિશ્વમાં વિચરણ કરતો.

એમ કરતાં કરતાં મને એક ધન્ય દિવસે પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ. જીવન ધન્ય બન્યું ને કાયા કૃતાર્થ થઈ. એ પરમાત્માની દૈવી કૃપાથી જ હું પરમ શાંતિથી સંપન્ન અને એવો ઉત્તમ કોટિનો બની શક્યો છું.

નારદજીની આ કથામાં સાધકો, ભક્તો, જિજ્ઞાસુઓ, અને ઉત્તમ ઈશ્વરપરાયણ જીવન જીવવા માગતા સૌને માટે કેટલો કિંમતી સંદેશ સમાયેલો છે ? એને જીવનમાં ઉતારીએ તો જીવન ધન્ય બને એમાં શંકા નથી.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.