if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

રત્નાકર લૂંટારામાંથી મહર્ષિનો નવો અવતાર પામેલા વાલ્મિકી, પોતાના આશ્રમમાંથી એક વાર તમસા નદીના તટપ્રદેશ પર જઈ રહ્યા હતા. તે વખતે એમની નજરે એક કરૂણ અને અદૃષ્ટપૂર્વ દૃશ્ય પડ્યું. કામક્રીડા કરનારાં બે સારસ પક્ષી પર એક પારધિએ બાણ છોડ્યું, અને જોતજોતામાં તો સારસ પક્ષી ઢળી પડ્યું. બીજું પક્ષી પણ એના આઘાતથી ત્યાં જ મરણ પામ્યું.

મહર્ષિનો પ્રશાંત આત્મા આ નિષ્ઠુરતાને નિહાળીને કકળી ઊઠ્યો. એમના અનુકંપા ભરેલા અંતરમાં જાણે કે ઉલ્કાપાત થયો. દેવી સરસ્વતી એમની જીહ્ વા પર પ્રકટીને, કરૂણ છતાં નિર્ભય સ્વરે બોલી ઊઠી :

मा निषाद प्रतिष्ठां त्वं अगम: शाश्वतीस्समा:।
यत्कौचमिश्रुनोद कम वधी: काममोहितम् ॥ 

હે નિષાદ ! અનંત કાળ સુધી તને સ્થિરતા કે શાંતિ ના મળો. કેમ કે કામમાં મગ્ન બનેલા સારસ પક્ષીના જોડામાંથી તે એકને હણી નાખ્યું છે.

મહર્ષિ વાલ્મિકી ત્યારથી મહાકવિ બની ગયા. સંસારના આદિ કવિ. કવિતા એમના વદન અને એમની કલમમાંથી, ગંગાના પુનિત પ્રવાહની પેઠે, પૃથ્વીના પ્રાણને પ્રસન્ન કરતી, અસ્ખલિત રીતે વહેવા માંડી. જાણે કે અમૃતનો કોઈક અનેરો આગાર. આરાધનાનો અક્ષર સ્વરૂપે આવિર્ભાવ પામતો અક્ષય ભંડાર. ભાવો અને વિચારોની વસંતઋતુ. જગતને નવજીવન દેનારી એ કવિતાકળા, સોળે કળાએ ખીલેલા કમળની પેઠે વિસ્તાર પામીને, સૌ કોઈને પરિમલપ્રસન્ન ને પાવન કરી રહી. વાલ્મિકી તો અમર બની ગયા, પરંતુ એમની કવિતા યે અમર બની ગઈ.

એ કવિતા કળાનો સનાતન સંપુટ એટલે વાલ્મિકી રામાયણ. જગતના શાબ્દિક ઈતિહાસમાં જેનો જોટો નથી એવું એક મહાકાવ્ય. આવો, એ મહાકાવ્યના એક સાધારણ દેખાતા છતાં અસાધારણ અને નાના લાગતા છતાં મહાન પ્રસંગનો રસાસ્વાદ લઈએ. એ અમર પ્રસંગ આપણને જરૂર આનંદ આપશે.

પંચવટીના શાંત ગોદાવરી તટ પરના પ્રદેશમાંથી, રાવણ સીતાનું હરણ કરી ગયો તે પછી રામ ભારે શોકિત બની ગયા છે. અત્યંત આકુળવ્યાકુળ બનીને એ અરણ્યમાં લક્ષ્મણની સાથે ફરી રહ્યાં છે. સીતાની શોધ કરવાનો એમનો ઉદ્દેશ છે. આંખમાં અશ્રુ છે, પ્રાણમાં પોકારના પ્રતિધ્વનિ, અને કાળજામાં કંપ. ધીરજની ભૂમિમાં ધરતીકંપ થયો હોય એવી એમની અવસ્થા છે.

અરણ્યમાં ફરતાં ફરતાં કેટલો ય વખત વીતી જાય છે. હૃદયમાં સીતાને માટેનો જે પ્રેમ છે, તેનો પ્રવાહ એવો જ અક્ષય છે. સીતાને માટેના એમના અનુરાગમાં ઓટ નથી આવતી. લક્ષ્મણ રામચંદ્રજીની આ કરૂણ દશા પ્રત્યે અપાર સહાનુભૂતિ ધરાવી રહ્યો છે.

બંને એક વનમાંથી બીજા વનમાં પસાર થઈ રહ્યા છે. સંસારમાં બધું જ બદલાય છે, ઋતુના પરિવર્તનને લીધે વનની સુંદરતા ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરતી જાય છે.

વનની એવી સુંદરતાને લક્ષ્ય કરીને, રામ એક દિવસ લક્ષ્મણને કહે છે : લક્ષ્મણ ! જો તો ખરો આ વન ! એ કેટલું બધું સુંદર અને રસમય લાગે છે ? કામદેવતાના આધિપત્યવાળું વન આજે જુદું જ લાગે છે. કામદેવતાની અબાધિત અસર નીચે આવ્યાં હોય એવાં પ્રાણી ને પંખી, જુદી જુદી રીતે કેલિ કરે છે; આખાયે વનને આનંદમય બનાવે છે, અને પોતાની જાતને આનંદથી ભરે છે. લક્ષ્મણ, આવા સુંદર વનને નિહાળીને કોનું મન ચલિત ના થાય ? અથવા તો કોના મનમાં વિકારો ના પ્રકટે ?

લક્ષ્મણને થયું કે રામ મારી પરીક્ષા કરી રહ્યા છે કે શું ? રામને તો વિકારો પ્રકટે નહિ તો પછી એ કોને માટે આ પ્રશ્નો પૂછી રહ્યા છે ? મારે માટે ?

એણે તરત કહ્યું : રામ ! એમાં પૂછવા જેવું જ શું છે ? જેના પિતા મન, વચન, કાયાથી પવિત્ર હોય, અને માતા પણ જેની પતિવ્રતા હોય, તેના સંતાનનું મન આવા કે ગમે તેવા વાતાવરણમાં પણ ચંચલ ન થાય, વિકારી ન બને, કે વિપથગામી પણ ના થઈ શકે.

આ રહ્યા લક્ષ્મણના એ શબ્દો :
पिता यस्यं शचि जति, माता यस्य पतिव्रता ।
तयो: सुनु र्यो जात: तस्य नोच्चलते मन: ॥

રામનું અંતર એ ઉત્તરથી આનંદથી ઉભરાઈ ઊઠ્યું. ધન્ય લક્ષ્મણ! તારા વિના આવા શબ્દો બીજું કોણ બોલી શકે ? લક્ષ્મણને એમણે શાબાશી આપી.

કેટલો સુંદર પ્રસંગ છે ? આ પ્રસંગ દ્વારા વાલ્મિકી રામાયણના લોકોત્તર મહાકવિ આપણને કહી જાય છે કે જે દેશમાં ચારિત્ર્યશીલ માતાપિતા હોય છે, તે દેશમાં જ ચારિત્ર્યશીલ સંતાનો પાકી શકે છે. સંતાનો સંસ્કારી બનશે કે અસંસ્કારી, વિકારી બનશે કે અવિકારી, ડરપોક થશે કે બહાદુર, અને જ્ઞાની કે અજ્ઞાની, એનો મોટો આધાર માતાપિતા પર રહે છે. એમનું જીવન કેવું છે એ ખાસ મહત્વનું છે. ઉત્તમ બાળકોની જેમ માતાપિતા પણ, દેશની અમુલખ મૂડી કે થાપણ છે. દેશની સમૃદ્ધિ અને બાળકોની સમુન્નતિમાં રસ લેનારા માતાપિતા આ પાયાની વાતનું ધ્યાન રાખશે ખરાં ?

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.