if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વૈશાખી પુનમની રાતે કપિલવસ્તુના રાજપ્રસાદમાંથી મહાભિનિષ્ક્રમણ કરીને સિદ્ધાર્થે વનનો માર્ગ લીધો. યશોધરા જેવી અત્યંત રૂપવતી પ્રેમાળ પત્ની તથા પુત્ર રાહુલનો ત્યાગ કરીને, જીવનના કલ્યાણને માટે તીવ્ર તપશ્ચર્યામાં એ પ્રવૃત્ત થયા. રાજમહેલના રંગરાગ અને ભોગવિલાસમાંથી મનને પાછું વાળીને, વનના કષ્ટો તથા એકાંતવાસની પ્રતિકુળતાઓને હસતાં હસતાં એમણે વધાવી લીધી.

શા માટે ?

કારણ કે, એની પાછળ એક ભવ્ય, અતિભવ્ય, કલ્યાણકારક આદર્શ હતો. પરમ સત્યના સાક્ષાત્કારનો અને એના પરિણામરૂપે પ્રગટનારી પરમ શાંતિની પ્રાપ્તિનો. એ આદર્શ જ એમને રાજભવનમાંથી વનમાં ખેંચી ગયો હતો. જીવનમાં કોઈપણ કર્મની પાછળ ઉદાત્ત પ્રેરક બળ હોય છે, ત્યારે એ કર્મ માનવની દૃષ્ટિએ મહામૂલ્યવાન બની જાય છે. અને એ કર્મની સિદ્ધિ માટેના પુરૂષાર્થમાં ગમે તેટલી પ્રતિકૂળતાઓ અથવા ગમે તેવા અવરોધો આવે તો પણ તે તેમને સ્મિતની સાથે સહન કરે છે.

સિદ્ધાર્થના સંબંધમાં પણ એવું જ હતું.

જીવનનો સર્વોત્તમ આદર્શ તેમને આકર્ષી રહ્યો હતો અને એમનામાં પ્રાણસંચાર કરતો હતો. એ જ એમનું પ્રેરક બળ હતું.

અને જીવનમાં જે કૃતસંકલ્પ કે દૃઢપ્રતિજ્ઞા બને છે, અને પોતાના સંકલ્પની પ્રાપ્તિ માટેના શક્ય એટલા બધા જ પ્રયાસ કરે છે, તેને સિદ્ધિ નથી મળતી શું ? જે ચાહે છે તેને મળે છે એ નિયમ છે.

સિદ્ધાર્થના જીવનમાં પણ એ નિયમ સાકાર બન્યો. એક ધન્ય ક્ષણે એમને શાંતિ મળી. બોધિની પ્રાપ્તિ થઈ. જીવન સફળ થયું. સિદ્ધાર્થ બુદ્ધ બન્યા.

અને પછી તો જે પરમ પ્રકાશની પ્રાપ્તિ પોતાને થઈ, તે પ્રકાશનાં કિરણોથી બીજાનો પથ અલોકિત કરવા એ પ્રવૃત્ત થયા. ભારતના પૂર્વોત્તર ભાગોમાં એમણે પોતાની ઉપદેશગંગા વહેતી કરી. એ ગંગાના નિર્મળ વારિમાં સ્નાન કરીને હજારો જીવોએ પોતાનાં જીવનને કૃતાર્થ કર્યા. દિશા તથા પ્રદિશાઓ પેલા ધન્ય જયઘોષથી ગાજી ઊઠી: बुद्धं शरणं गच्छामि । संघं शरणं गच्छामि । धर्मं शरणं गच्छामि ।

ભગવાન બુદ્ધની એ વખતની પદયાત્રાઓ અને એમને સઉત્સાહ વધાવતી લોકોની મેદનીઓને તમે કલ્પી શકો છો ? ભારતના આધ્યાત્મિક અભ્યુત્થાનના એ વખતના અભિનવ તથા વિશાળ પ્રવાહના રેખાચિત્રોને તમે અંતરની આગળ અંકિત કરી શકો છો ? આજથી બરાબર અઢી હજાર વરસો પહેલાંના ભારતના ધાર્મિક ઈતિહાસની એ કથા દેશની એક અવિસ્મરણીય કથા છે.

પરંતુ એ કથાના એક નાનકડા અધ્યાય પર ઘણાંનું ધ્યાન નથી ગયું. આવો, એ અધ્યાયનો વિચાર કરીએ.

સમસ્ત સંસારને જ્ઞાનનો પવિત્રતમ પ્રકાશ પૂરો પાડવા માટે પ્રવૃત્ત થયેલા ભગવાન બુદ્ધ, પોતાના પરિવારને કેવી રીતે ભૂલી શકે ? યશોધરાની પાસે પોતે ભિક્ષા માગવા માટે આવી પહોંચ્યા. એક પતિ તરીકે નહિ, પરંતુ પ્રશાંતિપ્રાપ્ત મહાપુરૂષ તરીકે.

યશોધરાએ બુદ્ધના ચરણોમાં પ્રણિપાત કર્યા, ને બુદ્ધને મહેલમાં રહેવાની વિનંતી કરી.

બુદ્ધે કહ્યું : યશોધરા ! સમસ્ત સંસાર મારા માટે મહેલ બરાબર છે. હું મહેલમાં રહેવા માટે નથી આવ્યો. હું તો ભિક્ષા લેવા માટે આવ્યો છે.

યશોધરાએ કહ્યું : પ્રભુ ! તમે ભિક્ષા માગવા માટે આવ્યા છો તો ભિક્ષામાં હું તમને શું આપું ? હું પણ પરમ શાંતિ ઈચ્છું છું, અને એ માટે તમારી શિષ્યા તરીકે મારો સ્વીકાર કરો. વળી તમે જે માર્ગે ચાલીને જીવનશ્રેય કર્યું છે તે માર્ગે રાહુલને પણ લઈ જાવ. જેથી એ પણ પોતાના જીવનને ઉજ્જવળ બનાવી શકે. મારી એટલી જ પ્રાર્થના છે.

ઈતિહાસ કહે છે કે, બુદ્ધે યશોધરા તથા રાહુલનો સ્વીકાર કર્યો. યશોધરા બુદ્ધ ધર્મના ભિક્ષુણી સંઘની પ્રથમ સદસ્યા બની, રાહુલને ભિક્ષુક ગણવામાં આવ્યો.

યશોધરાની ભિક્ષા અત્યંત અનોખી હતી.

બુદ્ધ તો મહાન હતા જ, પરંતુ યશોધરા પણ કંઈ ઓછી મહાન ન હતી. આ પ્રસંગ એની સાક્ષી પૂરે છે. ધન્ય યશોધરા ! તારા જેવી પત્ની ને માતાઓ સંસારે બહુ ઓછી જોઈ છે. અત્યંત ઓછી.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.