if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તુલસીકૃત રામાયણમાં એક સુંદર પ્રસંગ છે.

ઉપર ઉપરથી જોનારને એની વિશેષતા કદાચ નહિ સમજાય. પરંતુ શાંતિપૂર્વક વિચારનારને એની અંદરનું હાર્દ સમજાયા વિના રહેશે નહિ.

એ પ્રસંગની અંદર અત્યંત ઉચ્ચ કોટિના સિદ્ધાંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. એની ઝાંખી કરીને આપણને ખરેખર આનંદ થાય છે.

આ રહ્યો એ પ્રસંગ.

રામ અને રાવણની વચ્ચેનું ભીષણ યુદ્ધ, સમાપ્તિ પર પહોંચ્યું છે અને એમાં રાવણનો પરાજય થયો છે. પરાજય તો થયો જ છે, પરંતુ રાવણનું મરણ પણ થઈ ચૂક્યું છે. દશરથનંદન શ્રીરામે રાવણને રણમાં રોળી નાખ્યો છે. મંદોદરી કલ્પાંત કરી રહી છે. રાવણને એણે કેટલો બધો સમજાવેલો ? હનુમાને, અંગદે, વિભીષણે, સીતાએ અને કુંભકર્ણે પણ સમજાવેલો કે શ્રીરામ કોઈ સામાન્ય માનવી નથી. એમની સાથે વેર બાંધવામાં સાર નથી. રામની સાથે વેર બાંધવું એટલે પોતાના વિનાશની સાથે સાથે પોતાની સાથે સંકળાયેલાં સૌ કોઈના સર્વનાશને નોંતરવો. માટે જો સુખની, શાંતિની, સલામતીની, સંપત્તિના ઉપભોગની, ને શ્રેયની ઈચ્છા હોય તો જનકનંદિની સીતાને સન્માનપૂર્વક પાછી સોંપી દે અને શ્રીરામનો શરણાગત બનીને એમનાં શ્રીચરણોમાં મસ્તક મૂક, તો રામચંદ્રજી તારી બધી જ ભૂલોને ભૂલી જશે, તારા પર્વત કરતાં પણ મોટા દુર્ગુણો તથા દુષ્કૃત્યોને દરગુજર કરશે, અને તને આપનાવી લેશે.

પરંતુ રાવણ સમજાવ્યો સમજે ત્યારે ને ?

એણે કોઈનુંય કહેવું કાને ના ધર્યું. રામની સાથેનો વિરોધ વધાર્યે જ રાખ્યો. સીતાને પણ વિવિધ પ્રકારે પીડા પહોંચાડી. અને આખરે અહંકારનો જે અગ્નિ એણે પોતાના અંતરમાં પ્રજ્વલિત કરેલો, એ અગ્નિમાં એ સ્વાહા થઈ ગયો. એની એક કણિકા પણ હાથ ના લાગી.

મંદોદરી હવે કલ્પાંત કરે એથી શું વળે ? રાવણને પહેલેથી જ જો સદ્ બુદ્ધિ સૂઝી હોત તો આવા અમંગલ ભાવિને ટાળી શકાયું હોત. હવે તો કોઈ ઉપાય જ ન રહ્યો.

શ્રીરામે લક્ષ્મણને કહીને વિભીષણને લંકાનો સ્વામી બનાવ્યો. એ રીતે એમણે પોતાની પ્રતિજ્ઞા પાળી બતાવી.

લંકાનું રાજ્ય પ્રાપ્ત થવાથી થયેલા અનહદ આનંદ તથા ઊંડી કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટે, વિભિષણે શ્રીરામને કહ્યું, ‘પ્રભુ ! હવે તો તમારા અનુગ્રહથી હું સર્વસત્તાધીશ બની ગયો છું. લંકાની રાજ્યધૂરા મારા હાથમાં આવી છે. રાવણનો સર્વનાશ થયો છે. આ અમુલખ અવસરના ઉત્સવરૂપે તમે લંકામાં પધારો, ને જેટલી જોઈએ તેટલી સંપત્તિ લઈ લો. લંકાનો રાજ્યખજાનો હવે મારો એટલે કે તમારો જ છે. એ ખજાનો એટલો બધો વિશાળ છે કે વાત નહિ. એમાં ભાતભાતના હીરા, માણેક, મોતી, સુવર્ણ અને બીજા મૂલ્યવાન પદાર્થોનો સમાવેશ થાય છે. એ પદાર્થો તમારે જ માટે છે.

શ્રીરામે વિભીષણ પ્રત્યે પ્રેમપૂર્વક દૃષ્ટિપાત કરીને પ્રત્યુત્તર આપ્યો : ‘વિભીષણ ! લંકાનું સામ્રાજ્ય તને મળ્યું છે એ સાચું છે. પરંતુ લંકાની સંપત્તિ તારી નથી. એના પર તારો નહિ પરંતુ પ્રજાનો અધિકાર છે. પ્રજાના હિત માટે એનો ઉપયોગ કરવાનો છે. માટે એની લૂંટ ના થઈ શકે. એનો દુરૂપયોગ પણ ન કરી શકાય. તારી બહુ ઈચ્છા હોય તો, થોડાં વસ્ત્રો ને થોડું ધન લઈને આપણા સૈન્યમંડળમાં વહેંચી દે. બાકી મારે તો એ સંપત્તિ ભંડારમાંથી કશું ય જોઈતું નથી. ના, એક કોડી કે ફૂટી બદામ પણ નહિ. હું એને સ્પર્શ પણ નહીં કરું. મારે માટે એ પરધન છે. એ મને નહીં લલચાવી શકે.’

વિભીષણે કેટલાય અનુનય વિનય કર્યા, પરંતુ બધાય વ્યર્થ. શ્રીરામ પોતાની નિષ્ઠામાંથી ના ડગ્યા. ડગે તો તે રામ શાના ?
છેવટે વિભીષણે થોડાંક મૂલ્યવાન વસ્ત્રો ને ઘરેણાં વિમાનમાં ભરીને વાનરસેના પર વરસાવ્યાં અને એવી રીતે આત્મસંતોષનો અનુભવ કર્યો.

રામાયણ અને એના રચયિતા તુલસીદાસ આ પ્રસંગના સંદર્ભમાં એ મહાન સિદ્ધાંતને સમજાવવા માગે છે કે રાજ્યની લક્ષ્મી પર રાજાનો અધિકાર નથી; પરંતુ પ્રજાનો અધિકાર છે. રાજકર્તા કે શાસક તો તેનો સંરક્ષક માત્ર છે. તેણે તેનો સદુપયોગ કરવાનો છે. એ લક્ષ્મી કે સંપત્તિ એના અંગત સુખોપભોગ કે પ્રમોદને માટે નથી. એને વેડફી નાખવાનો કે લૂંટવાનો હક્ક એને કદી પણ, અને કોઈયે કારણે પ્રાપ્ત નથી થતો. ઈતિહાસમાં શત્રુને જીત્યા પછી કે પહેલાં, એની રાજ્યલક્ષ્મીને લૂંટ્યાના બનાવો ઘણા બન્યા છે, પરંતુ લોકહિતૈષી રામ એવું ના કરી શકે. રામ જ શું કામ ? લોકહિતૈષી કોઈપણ રાજા કે નેતા એવું વિચારી શકે જ કેવી રીતે ?

લોકશાહીના આ જમાનામાં, અને આટલાં બધાં વરસો પછી પણ આ વાત કેટલી બધી સાચી છે ? કેટલી બધી સારગર્ભિત છે ?

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.